તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રાઇડસનો ઓપરેટર છુમંતર : ૪ લોકો ૨૦ મીનીટ હવામાં અધ્ધરતાલ
અટલ સરોવરમાં હૃદયના ધબકારા વધારી દેતી ઘટના : સહેલાણીઓ ૪ રાઉન્ડ બાદ પણ રાઇડ્સમાં બેઠા હતા : ફાયર બ્રીગેડ દ્વારા રેસ્કયુ : મનપા દ્વારા રિપોર્ટ મંગાવાયો : શો-કોઝ નોટીસની તજવીજ

રાઇડ્સમાં બેઠેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ : શહેરમાં ગઇકાલે અટલ સરોવર ખાતે બે ઘટના બની હતી. જેમાં સવારે અદ્ભુત એર -શો યોજાયો હતો. જયારે રાત્રે ફેરિસ વ્હીલ રાઇડસમાં ૪ લોકોને રેઢા મુકી ઓપરેટર જતો રહેતા તેઓ ફસાયા હતા. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આ ૪ લોકોનું રેસ્કયુ કરાયુ હતું ત્યારની તસ્વીર(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૮: શહેરના સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરમાં હૃદયના ધબકારા વધારી દે તેવી ઘટના બનવા પામી હતી. અટલ સરોવર ખાતે ફેરી વ્હિલમાં બેઠા બાદ સહેલાણીઓ હજૂ બોગીમાં બેઠા હતા ત્યા ઓપરેટર ચાલુ ફેરી વ્હિલ બંધ કરી જતા રહતા ચાર સહેલાણીઓ ૧૦૦ ફૂટની ઉંચાઇએ બોગીમાં ફસાઇ જતા અંતે ફાયર વિભાગને જાણ કરતા ૩૦ મીનિટ બાદ ચારેય સહેલાણીઓને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.
અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અટલ સરોવર ખાતે આવેલ રાઇડ્સ ફેરી વ્હિલમાં ગઇકાલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા નિયમ મુજબ રાત્રીના ૧૧ વાગ્યા બાદ અટલ સરોવરમાં પ્રવેશ બંધ છે. ત્યારે ફેરી વ્હિલમાં પણ છેલ્લો ફેરો હોવાથી સહેલાણીઓને બેસાડવામાં આવેલ રાઇડ્સના ફેરા પૂર્ણ થતા ફેરી વ્હિલમાંથી મોટાભાગના પેસેન્જરો ઉતરી ગયેલ પરંતુ ૯ નંબરની બોગીમાં સવાર ચાર સહેલાણીઓ ૧૦૦ ફૂટની ઉંચાઇએ નિચે ઉતરવાની રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન ફેરી વ્હિલનો ઓપરેટર લાઇટો અને ફેરી વ્હિલ બંધ કરી જતો રહેતા ચારેય સેહલાણીઓ બોગીમાં લટકતા રહી ગયેલ જે પૈકી એક સહેલાણીએ આ બાબતની જાણ મોબાઇલ દ્વારા ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે અટલ સરોવરના સંચાલકોને આ બાબતથી વાકેફ કરી તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અટલ સરોવરમાં આવેલી રાઈડ્સમાં લોકો બેઠા હતા ત્યારે ઓપરેટરે અચાનક ૧૦૦ ફૂટની ઉંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ગંભીર લાપરવાહીને કારણે રાઈડમાં બેઠેલા ૫ થી ૬ લોકો આશરે ૨૦ મિનિટ સુધી ૧૦૦ ફૂટની ચાઈએ હવામાં લટકી રહ્યા હતા. અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. અટલ સરોવરમાં ફેરી વ્હિલ રાઇડ્સમાં ચાર વ્યક્તિ ફસાવાની ઘટનામાં ડે.કમિશનરને તવરીત પગલા લઇ કોન્ટ્રાક્ટરને શો-કો નોટીસ ફટકારી છે અને ચાર વ્યક્તિના ફસાવવા પાછળનું કારણ સહિતનો જવાબ અને અહેવાલ રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવાની સુચના આપવામાં આવી છે.
(3:56 PM IST)










