<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભીમરાવનગરના ગોપાલનું ગુંદાવાડી હોસ્‍પિટલમાં સારવાર બાદ મોતઃ હાથમાં સોઇ રહી ગઇ હતી?!

તાવ આવતો હોઇ દાખલ કરાતાં બાટલા ચડાવાયા હતાં: સાત દિવસની સારવાર-ઓપરેશન બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક : સોઇ ભુલાઇ ગઇ હોઇ તેનું ઓપરેશન કરવામાં બેદરકારી દાખવાઇ હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપઃ મૃતદેહનું ફોરેન્‍સિક નિષ્‍ણાંત દ્વારા પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૯: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાવનગર-૧માં રહેતાં ગોપાલ નારણભાઇ જાદવ (ઉ.વ.૨૮) નામના યુવાનને તાવ આવતો હોઇ ગુંદાવાડી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયો ત્‍યારે બાટલા ચડાવાયા હોઇ તેની સોઇ હાથમાં જ રહી જતાં અને રજા આપી દેવાતાં બાદમાં ફરીથી આ યુવાનને સારવાર માટે દાખલ કરાતાં ઓપરેશન કરી સોઇ કાઢવામાં આવ્‍યા બાદ તેની તબિયત વધુ બગડતાં મૃત્‍યુ થયું છે. તબિબી બેદરકારીનો પરિવારજનોએ આક્ષેપ કરતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે.

જાણવા મળ્‍યા મુજબ ભીમરાવનગર-૧માં રહેતાં ગોપાલ જાદવને તાવ આવતો હોઇ ગત ૩૦/૧૧ના રોજ સવારે ગુંદાવાડી હોસ્‍પિટલમાં લઇ જવાતા દાખલ કરાયો હતો. પછી રજા અપાતાં ઘરે ગયા બાદ તા. ૨/૧૨ના રોજ ફરીથી ગુંદાવાડીમાં દાખલ કરાયો હતો. એ પછી રજા અપાતાં ૪/૧૨ના રોજ હાથમાં સખત દુઃખાવો થતાં તપાસ કરતાં હાથમાં સોઇ રહી ગયાનું જણાતાં ફરીથી ગુંદાવાડીમાં દાખલ કરાતાં તબિબે ઓપરેશન કરી સોઇ કાઢવી પડશે તેમ કહેતાં  ઓપરેશન કરાયું હતું. પછી ફરીથી ઘરે લઇ જવાયો હતો. ૧/૧૨ના ફરી તબિયત ખુબ બગડતાં અને ઝાડા-ઉલ્‍ટી થઇ જતાં ફરીથી ગુંદાવાડી હોસ્‍પિટલમાં સવારે સાડા આઠે દાખલ કરાયો હતો.

ત્‍યાંથી સાવરે સાડા દસેક વાગ્‍યે સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવ્‍યો હતો. અહિ ગત સાંજે ૮મીએ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર ગોપાલભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સગા-કુટુંબીએ આ બનાવમાં તબિબની બેદરકારીનો આક્ષેપ હોવાનું કહેતાં આજીડેમ પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ ફોરેન્‍સિક નિષ્‍ણાંત દ્વારા કરાવ્‍યું હતું. ઓપરેશનની બેદરકારીને લીધે મૃત્‍યુ થયું કે બિમારી કે બીજા કારણે? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(12:33 PM IST)