News of Tuesday, 9th December 2025
ભ્રષ્ટાચારઃ કાયદાની અસરહીનતા, રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ કે સામાજિક સ્વીકૃતિ..?
જાહેર સેવામાં ‘ફરજ' માંથી ‘અધિકાર' બનતો ભ્રષ્ટાચાર-એક ગહન વિશ્લેષણ : આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ માત્ર એક ઔપચારિકતા કે નિષ્ઠાવાન નિવારણ શક્ય?

૯ ડિસેમ્બર, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ, વર્ષ ૨૦૨૫ની થીમ માનવ મર્યાદાને પ્રોત્સાહિત કરવી છે, જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ માનવ મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકો તમામ બાબતો જાણતા હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહમત થવાનું કારણ સમાજમાં ભ્રષ્ટાચારની વ્યાપકતા અને તેને સામાન્ય માન્યતા મળવી છે. ભ્રષ્ટાચાર એક સામાન્ય વ્યવહાર તરીકે સ્વીકારાય બન્યો છે અને લોકો તેમાંથી બચવાની કોઈ કોશિશ કરતા નથી, તેને સ્વીકારી લીધો છે. આ માનસિકતામાંથી બહાર આવી દરેક વ્યક્તિએ ગહન વિચારવાનો સમય આવી ગયો છે. ભ્રષ્ટાચાર દૂર કરવો કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારનું કામ રહ્યું નથી, આ આપણી સામૂહિક જવાબદારી છે તે સમજવું પડશે.
આપણને બધાને એક વિચાર જરૂર આવતો હશે કે, ભ્રષ્ટાચારમાં કાયદાની અસર કેમ નથી? કાયદાની અસર ન થવાનું એક મોટું કારણ એ છે કે મોટા અધિકારીઓ, રાજકારણીઓ અને પોલીસ વિભાગ જેવા ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર નીતિવિહોણો અને રાજકીયદ્રષ્ટિથી સુરક્ષિત રહે છે. સરકારના પ્રયત્નો હોવા છતાં ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું સાકાર થવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, ભ્રષ્ટાચાર નિવારણ વિભાગમાં પણ સૌથી વધુ ભ્રષ્ટાચાર જોવા મળે છે, જેની પાછળનું કારણ એ છે કે આ વિભાગ પોતાના રેકોર્ડ, તપાસણીઓ અને કાયદા લાગુ પાડવામાં સાતત્ય અને સારા મોનિટરિંગની ખામીઓ ધરાવે છે. આમાંથી કેટલાક વિભાગોની પ્રતીષ્ઠા ભ્રષ્ટાચારના કારણે ખરાબ થાય છે.
ભારત સરકાર દ્વારા ઘડવામાં આવતી નીતિઓ અને આઈટીસી, ઓનલાઈન વ્યવસ્થા, વ્હિસલબ્લોઅર્સનું રક્ષણ (વ્હિસલબ્લોઅર્સનું રક્ષણ એટલે એવી વ્યક્તિઓનું રક્ષણ જે સંસ્થામાં થતી ખોટી કે અનૈતિક પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે), ફાસ્ટ-ટ્રેક કોર્ટ વગેરે મારફતે ભ્રષ્ટાચાર સામે લડત આપવામાં આવે છે, પરંતુ આ ખૂબ જ જટિલ અને અનેક સ્તરે સંચાલિત સમસ્યા છે. તેના નિવારણ માટેના સુજાવ જોઈએ તો,
ભ્રષ્ટાચાર એક સામાજિક માન્યતા પણ બની ગઈ છે, તેથી સામાજિક અને નૈતિક જાગૃતિ જરૂરી છે.
કાયદા અને પ્રયોગને સ્વતંત્ર અને મજબૂત બનાવવું પડશે, જેમાં રાજકીય દખલ ન હોય.
ટેકનોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ અને પારદર્શિતાને વધારે પ્રોત્સાહન આપવું પડશે.
સંગઠિત અને સખત નીતિઓ સાથે લોકો અને સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે સંયુક્ત પ્રયત્ન કરવા પડશે.
દરેક વ્યક્તિના માનસમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયેલ છે અને એવું માને છે કે ભ્રષ્ટાચાર અટકાવવો મુશ્કેલ છે, પણ સંયુક્ત, મજબૂત અને લોકોના સહકારથી આ શક્ય બની શકે છે.
CVC અને NCRB ના અહેવાલો માથી કેટલાક આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ ૪,૦૦૦થી ૪,૫૦૦ ભ્રષ્ટાચાર કેસો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ નોંધાય છે. છેલ્લા વર્ષોમાં ૨૦૨૨માં ૪,૧૩૯ કેસો અને ૨૦૨૩માં ૪,૦૬૯ કેસો નોંધાયા હતા. CBIમાં ૨૦૨૪ના અંતે ૭,૦૭૨ ભ્રષ્ટાચાર કેસો કોર્ટમાં પેન્ડિંગ હતા, જેમાંથી ૨,૬૬૦ કેસો ૧૦ વર્ષથી વધુ સમયથી અને ૩૭૯ કેસો ૨૦ વર્ષથી વધુ સમયથી અટકેલા છે. દેશભરમાં કરપ્શન કેસોની મોટી સંખ્યા પેન્ડિંગ છે. બે વર્ષોમાં ૨૦૨૩માં ૯૭૬ વ્યક્તિઓને અને CBIમાં ૨૦૨૪માં ૬૪૪ કેસોમાંથી ૩૯૨માં સજા થઈ હતી,જેનો રેશિયો ૬૯.૧૪% હતો. CPI ઈન્ડેક્સ મુજબ ભ્રષ્ટાચારમાં ભારત ૧૮૦ દેશોમાથી ૯૬ માં ક્રમે રહ્યું છે.
ગુજરાતમાં નોંધાયેલા ભ્રષ્ટાચાર કેસોની વિગત જોઈએ તો, ACB ના કેસ ૨૦૨૩ માં ૨૦૫ અને ૨૦૨૪ માં વધીને ૨૩૦ થયા હતા. જેમાથી વર્ષ ૨૦૨૪ ના પ્રથમ ક્વાર્ટરમાં દોષિત ઠેરવવાનો દર વધીને ૪૬% થયો હતો. વર્ષ ૨૦૨૨ના અંતે, રાજ્ય તકેદારી આયોગના અહેવાલ મુજબ, કોર્ટમાં એન્ટિકરપ્શન, વિજિલન્સ અને લોકાયુક્ત હેઠળના કેસોમાં લગભગ ૯૦% જેટલા કેસ પેન્ડિંગ હતા. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ કેસ ગૃહ વિભાગ (પોલીસ) માં ૭૩ કેસ, બીજા ક્રમે પંચાયત વિભાગ ૩૬ કેસ અને ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ ૨૫ કેસ નોંધાયા હતા. એક જાણકારી મુજબ ઘણી ફરિયાદો ફક્ત કાગળ ઉપર છે જેમાં જ્ત્ય્ નોંધાયેલ નથી.
દેશમાં લોકોને ખબર હોવા છતાં ભ્રષ્ટાચારમાં કેમ સહમત થાય છે? આ પ્રશ્ન બધાને થતા હશે પણ, આ એક સામાજિક અને વ્યવહારિક સમસ્યા છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ હોય શકે.
૧. વ્યાપકતા અને સ્વીકૃતિઃ જ્યારે લોકો જુએ છે કે મોટાભાગના લોકો ભ્રષ્ટાચાર કરે છે અને તેને સ્વીકારે છે, ત્યારે તે એક સામાન્ય પ્રથા બની જાય છે. એક માન્યતા બની જાય છે કે કામ કરાવવા માટે આ કરવું જ પડશે.
૨. ઝડપી અને સરળ ઉકેલઃ સરકારી પ્રક્રિયાઓ જટિલ, ધીમી અને મુશ્કેલ હોય છે. નાગરિકો કાયદેસર રીતે લાંબા સમય સુધી રાહ જોવાને બદલે, લાંચ આપીને ઝડપી ઉકેલ પસંદ કરે છે.
૩. બદલાની ભાવનાનો ડરઃ ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિ ને સુરક્ષાનો અભાવ હોય છે. બદલો લેવાના, હેરાનગતિના કે કાયદાકીય રીતે ફસાવવાના ડરથી લોકો ચૂપ રહે છે.
૪. સંસ્થાકીય અવિશ્વાસઃ જ્યારે ન્યાય પ્રણાલી પોલીસ કે એન્ટિ-કરપ્શન વિભાગો પર જ વિશ્વાસ ન હોય, ત્યારે લોકો ફરિયાદ કરવાને બદલે અન્યાય સહન કરવાનું વધારે પસંદ કરે છે.
૫. આર્થિક મજબૂરીઃ નીચા વેતનવાળા સરકારી કર્મચારીઓ માટે લાંચ એક વધારાની આવક બની જાય છે, જે તેમના જીવનનિર્વાહ માટે જરૂરી લાગે છે.
૬. રાજકીય દ્રષ્ટિકોણઃ અધિકારીઓ અને કર્મચારીઓમાં એક રાજકીય પીઠબળ અને સહ ભાગીદારી હોવાની ધારણાએ તેમને કોઈ ડર રહેતો નથી.
લોકોના મનમાં એવું થાય કે ભ્રષ્ટાચાર કરવાવાળા ઉપર કેમ કાયદાની અસર નથી? તેનું નિવારણ શક્ય છે? કાયદાની અસર ન થવાના કારણો જોઈએ,
૧. અમલવારીમાં વિલંબઃ ભારતમાં કાયદાકીય પ્રક્રિયા અત્યંત ધીમી છે. ભ્રષ્ટાચારના કેસ લાંબા સમય સુધી ચાલે છે, જેના કારણે લોકોને સજા થતી નથી અને તેઓ જામીન પર છૂટી જાય છે.
૨. પુરાવાનો અભાવઃ ભ્રષ્ટાચારના મોટાભાગના કેસ રોકડ અને ગુપ્ત વ્યવહારો સાથે સંકળાયેલા હોય છે, જેના નક્કર પુરાવા મેળવવા મુશ્કેલ હોય છે.
૩. રાજકીય સંરક્ષણઃ મોટા નેતાઓ કે અધિકારીઓ રાજકીય પક્ષોના સમર્થન હેઠળ હોય છે, જેના કારણે તપાસ એજન્સીઓ પર તેનું દબાણ આવે છે અને યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી.
૪. બાતમીદારોની નબળી સુરક્ષાઃ માહિતી આપનાર વ્યક્તિને સુરક્ષા મળતી નથી, તેની જાણકારી ગુનો કરનારને સહેલાઈથી મળી જાય છે, તેથી ભ્રષ્ટાચારના કેસ બહાર આવતા નથી.
શું ભ્રષ્ટાચાર નિવારણ શક્ય છે..? હા, ચોક્ક્સ. નિવારણ માટે કાયદાની સખત અમલવારી, ટેકનોલોજીનો દાનત પૂર્વક ઉપયોગ, દરેક ક્ષેત્રમાં પારદર્શિતા અને લોકોની ભાગીદારી, જેમાં લોકોને આગળ આવવું - આ ચાર સ્તરે કામ કરવું ખૂબ જ જરૂરી છે. જેમાં રાજકીય નેતાઓની માનસિકતા બદલાવવા માટે લોકોએ જાગૃત થવું પણ જરૂરી છે.
જાહેર સેવામાં ફરજને અધીકારથી બચાવીને, નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવવી અત્યંત આવશ્યક છે. જ્યારે ફરજ, અધિકાર બની જાય, ત્યારે ભ્રષ્ટાચારને છોડવાનો માર્ગ ખુલ્લો થાય છે, જે દેશ અને સમાજ બંને માટે જોખમી છે. સર્વસામાન્ય લોકો અને સરકારને મળીને એક એવું વાતાવરણ સર્જવું જરૂરી છે જ્યાં સેવા ઉભી રહે અને અધિકાર તેની જાળવણી કરે. આમ જ ભાગીદારીથી જ ભ્રષ્ટાચાર સામે સચોટ અને અસરકારક લડાઈ શક્ય છે.
આલેખન
બાબુભાઇ મેનપરા
નિવૃત્ત અધિકારી, BSNL
મો.૯૪૨૬૨ ૨૭૮૮૮
(2:46 PM IST)










