<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

એરફોર્સમાં કારકિર્દી બનાવવા શું કરવું ?

મનપા અને ઈન્‍ડિયન એરફોર્સ દ્વારા છાત્રોના લાભાર્થે સંયુક્‍ત આયોજનઃ ગારડી વિદ્યાપીઠ ખાતે માર્ગદર્શન અપાયુઃ ૫૭૫ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

રાજકોટ, તા. ૯: મહાનગરપાલિકા દ્વારા શહેરના યુવાનોને સંરક્ષણ સેવા ક્ષેત્રે પ્રેરણા અને યોગ્‍ય માર્ગદર્શન આપવા અમૂલ્‍ય પ્રયાસો સતત થઈ રહ્યા છે. સૂર્યકિરણ એર-શોની ઉજવણી વચ્‍ચે, શહેરના યુવાનોમાં ઈન્‍ડિયન એર ફોર્સ પ્રત્‍યે રસ અને જાગળતિ વધે એ હેતુથી આજે ગારડી વિદ્યાપીઠ ખાતે ‘Career Opportunities in Indian Air Force' વિષયક માર્ગદર્શક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમીનારમાં ૫૭૫ થી વધુ વિદ્યાર્થીઓની ઉત્‍સાહભરી હાજરી જોવા મળી હતી.

એન્‍જિનિયરિંગ, ર્નસિંગ, પેરા-મેડિકલ, સાયન્‍સ અને અન્‍ય શાખાઓના કુલ-૫૭૫ થી વધુ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઈન્‍ડિયન એર ફોર્સમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી લાયકાત, પરીક્ષાઓ, તાલીમ અને ભવિષ્‍યના અવસરો અંગે માર્ગદર્શન મેળવ્‍યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આ અનોખા પ્રયાસને વિદ્યાર્થીઓ અને સંસ્‍થાઓ દ્વારા ખૂબ જ ઉત્‍સાહભર્યો પ્રતિસાદ મળ્‍યો હતો.

સેમિનારની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન તથા સમગ્ર કાર્યક્રમની સંકલિત રૂપરેખા રીટાયર્ડ કેપ્‍ટન જયદેવ જોશી દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે યુવાનોને સ્‍વપ્ન સાકાર કરવા માટે સાહસ, શિસ્‍ત અને રાષ્‍ટ્રપ્રેમની મહત્તા સમજાવતા પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.

બંને અધિકારીઓએ ઈન્‍ડિયન એર ફોર્સની વિવિધ શાખાઓ જેમ કે ફલાઈંગ બ્રાંચ, ટેક્રિકલ બ્રાંચ, ગ્રાઉન્‍ડ ડ્‍યૂટી (ટેક્રિકલ/નોન-ટેક્રિકલ), મેડિકલ સેવાઓ, એડમિનિસ્‍ટ્રેશન, લોજિસ્‍ટિક્‍સ, મેટિયોરીલોજી, એજ્‍યુકેશન, એર ટ્રાફિક કંટ્રોલ વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને AFCAT, NDA, CDS, NCC Special Entry જેવી પસંદગી પ્રક્રિયાઓ, ઉંમર મર્યાદા, લાયકાત, તાલીમ વ્‍યવસ્‍થા, કારકિર્દી પ્રગતિ, વેતન-ભથ્‍થા, રહેઠાણ અને સુવિધાઓ અંગે ખૂબ જ સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું.

વિશેષમાં, તેમણે પોતાની વ્‍યક્‍તિગત સફર, ફલાઈંગ અનુભવ અને ઈન્‍ડિયન એર ફોર્સમાં મહિલાઓ માટે ખુલ્લી રહેલી તકો અંગે ઉદાહરણો સાથે સમજાવ્‍યું, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યું.

આ કાર્યક્રમમાં રીટાયર્ડ કેપ્‍ટન જયદેવ જોશી, સ્‍ક્‍વોડ્રન લીડર અવની ચતુર્વેદી, સ્‍ક્‍વોડ્રન લીડર સંઘ મિત્રા, ગારડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્‍ટર જય મહેતા, સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે સૌનું સન્‍માન અને સ્‍વાગત રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર પી.પી. પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારના સફળ આયોજન માટે ચીફ લાઈબ્રેરીયન નરેન્‍દ્ર આરદેશણાએ વાયુસેનાના અધિકારીઓ, ગારડી વિદ્યાપીઠ, વિદ્યાર્થીઓ અને સમગ્ર આયોજન ટીમનો વિશેષ આભાર માન્‍યો હતો.

 આ સેમિનારે રાજકોટના યુવાનોમાં રાષ્‍ટ્રીય સેવાની ભાવના, કારકિર્દી વિશેની સ્‍પષ્ટતા અને ઈન્‍ડિયન એર ફોર્સ પ્રત્‍યેનું આકર્ષણ વધાર્યું હતું. બહોળી સંખ્‍યામાં યુવાનો વાયુસેનામાં જોડાવા માટે પ્રેરિત થયા, જે આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા ગણાય

(3:05 PM IST)