<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મનપાના ફાયર વિભાગમાં થનાર ભરતી રદ્‌: લાયકાત સુધારો કારણ

કુલ ૪૨ જગ્‍યાઓ ભરવા માટે જાન્‍યુઆરીમાં અરજીઓ મંગાવાયેલઃ કોર્ટના આદેશ બાદ નવેસરથી પ્રક્રિયા કરાશે

રાજકોટ તા.૯: મનપા દ્વારા ફાયર વિભાગની કુલ ૪૨ જગ્‍યાઓ ભરવા માટે જાન્‍યુઆરી માસમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે તેમાં જનરલ બોર્ડમાં લાયકાત અંગેનો સુધારો અને કોર્ટ દ્વારા ભરતી અંગે અરજદારો તરફી ચૂકાદો આવતા સમગ્ર પ્રક્રિયા તંત્ર દ્વારા ફરીથી કરવામાં આવનાર છે.

મનપા દ્વારા ફાયર વિભાગ માટે ઓનલાઇન અરજીઓ ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવી હતી. જો કે તેમાં નાગપુરની ફાયર સર્વીસના સર્ટીફીકેટની માંગ કરાતા અજરદારો દ્વારા કોર્ટના દરવાજા ખખડાવ્‍યા હતા. જનરલ બોર્ડમાં પણ આ અંગે લાયકાત સુધારો આવી ગયો હોવાનું કોર્ટમાં અરજદારોએ જણાવ્‍યું હતું.

કોર્ટે આ અંગે સંજ્ઞાન લઇ મનપાને ભરતી પ્રક્રિયા રદ કરવા આદેશ આપવામાં આવ્‍યો હતો. જેના ભાગરૂપે તંત્ર દ્વારા અગાઉની ભરતી પ્રક્રિયા રદ કરાઇ હોવાનું અને અરજદારોને ફી રીફંડ આપવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીઝ શાખાની જગ્‍યાઓ ભરવા માટે તા.૧૮ જાન્‍યુઆરીનાં રોજ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

આ જગ્‍યાઓનાં ભરતીનાં નિયમો અદ્યતન થયેલ હોવાથી તા.૧૮ જાન્‍યુ-રપનાં રોજ પ્રસિદ્ધ કરેલ ડીવીઝનલ ઓફિસર-૦૪, સ્‍ટેશન ઓફિસર-૦૩ અને સબ ઓફિસર (ફાયર)-૩૫ ની એકંદરે કુલ-૪૨ જગ્‍યાઓની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.

ઉક્‍ત જગ્‍યાઓ પર અરજી કરેલ ઉમેદવારોએ ભરપાઈ કરેલ ફી રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની વિગતો ભરી તા.૨૯ સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્‍યારબાદ ફી રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. નિયત સમયમર્યાદા બાદ ફી રીફંડ અંગેની રજૂઆત ધ્‍યાને લેવામાં આવશે નહી.(૨.૧૬)

ઉમેદવારોને ઓનલાઇન રીફંડ મેળવી લેવુ

રાજકોટઃ મનપાના ફાયર વિભાગમાં ડિવિઝન ઓફિસરની ૪ તથા સ્‍ટેશન ઓફિસરની ૩ સબ ફાયર ઓફિસરની ૩૫ સહિતની કુલ ૪૨ જગ્‍યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવ્‍યા બાદ તંત્ર દ્વારા  અચાનક ભરતી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને સાથોસાથ અરજી કરેલ ઉમેદવારોએ રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર પોતાની વિગતો ભરી તા.૨૯ ડિસેમ્‍બર સુધીમાં સબમીટ કરવાની રહેશે. ત્‍યારબાદ રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. નિયત સમય મર્યાદા બાદ રીફંડ અંગેની રજૂઆત ધ્‍યાનમાં લેવામાં આવશે નહી

(3:34 PM IST)