News of Tuesday, 9th December 2025
મફતમાં અનાજ અપાવવાના નામે વૃધ્ધાને ઘેની સરબત પાઇ મંજુ સોનાના બુટીયા બઠ્ઠાવી ગઇ
ઓફિસોમાં કચરા પોતાનું કામ કરતાં વૃધ્ધાને આવુ જ કામ કરતી મહિલા છેતરી ગઇ : લાખાજીરાજ ઉદ્યોગનગરના ૬૦ વર્ષના શાંતુબેન બારીયા રામકૃષ્ણ આશ્રમ પાસેથી ગઇકાલે અર્ધબેભાન મળ્યા હતાં: આજે ભાનમાં આવતાં વિગતો ખુલીઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૯: શહરેના થોરાળા વિસ્તારના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં શાંતુબેન સોમાભાઇ બારીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા કે જેઓ અલગ અલગ ઓફિસોમાં કચરા પોતાનું કામ કરે છે તેમને આવુ જ કામ કરતી મંજુ નામની એક મહિલાએ મફતમાં અનાજ અપાવવાના બહાને ગઇકાલે ત્રિકોણબાગ પાસે લાવી પ્રસાદીના નામે ઘેની સરબત પાઇ દઇ બેભાન જેવા કરી દઇ કાનમાંથી સોનાના બુટીયા કાઢી લેતાં ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ શાંતુબેન બારીયા ત્રિકોણબાગ આસપાસ ઓફિસોમાં સફાઇ કામ કરવા આવતાં હોઇ ગઇકાલે સાંજે તે રામકૃષ્ણ આશ્રમ નજીક અર્ધબેભાન જેવી હાલતમાં પડયા હોઇ કોઇએ ૧૧૨માં જાણ કરતાં પોલીસ પહોંચી હતી. આ વખતે થોડા ભાનમાં આવેલા શાંતુબેને પોતાના ઘરનું સરનામુ જણાવતાં અને પોતાને શું થયું તે ખબર નહિ હોવાનું કહેતાં તેઓ થોડા ઘેનમાં હોય તેમ લાગતું હોઇ પોલીસ સરનામુ શોધતી શોધતી તેમને ઘર સુધી મુકી આવી હતી.
દરમિયાન આજે શાંતુબેન આજે ભાનમાં આવતાં પોતાના કાનમાંથી સોનાના બુટીયા ગાયબ હોવાનું જણાતાં અને હજુ પણ ચક્કર આવતાં હોવાનું કહેતાં પતિએ તેમને બપોરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં બનાવની જાણ હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, રવિભાઇએ એ-ડિવીઝનમાં કરી હતી.
શાંતુબેને કહ્યું હતું કે મારી જેમ જ મંજુ નામની એક મહિલા જેને હું જોયે ઓળખુ છું તે સફાઇ કામ કરે છે. તેણે અઠવાડીયા પહેલા તેની પાસે ચોખા-ઘઉં હોઇ તે બતાવીને કહેલું કે કાર્ડ ઉપર આ અનાજ મફતમાં મળે છે, તમારે લેવા હોય તો કાર્ડની ઝેરોક્ષ મને આપજો તેવી વાત કરી હતી. આ પછી ગઇકાલે મંજુ મને મફતમાં અનાજ અપાવવાના નામે ત્રિકોણ બાગ પાસે લાવી હતી. મને ત્યાં એક ઓફિસ પાસે નીચે બેસાડી પોતે સફાઇ કામ કરીને આવે છે તેમ કહીને ગઇ હતી. થોડીવાર બાદ તે સરબતનો ગ્લાસ લાવી હતી. મેં ગળ્યું સરબત હું પીતી નથી તેમ કહી પીવાની ના પાડતાં તેણે પ્રસાદી છે, પીવું પડે કહેતાં મેં થોડુ સરબત પી લીધુ હતું. પછી શું થયું તેની ખબર નથી. મને ઘેની સરબત ભાઇ અર્ધબેભાન કરી તે મારા કાનમાંથી સોનાના બુટીયા કાઢી ગયાનું લાગે છે. શાંતુબેનની આ વાત પરથી પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ શરૂ કરી છે.
(3:35 PM IST)










