<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જિલ્લા પંચાયત સ્‍થળાંતર ખર્ચમાં અતિરેક : વહીવટી પ્રક્રિયા અધૂરી : ચોંકાવનારો અહેવાલ

તપાસ સમિતિ ડી.ડી.ઓ.ને અહેવાલ આપશેઃ વીસેક લાખ ચૂકવાયા તેમાં પણ રીકવરીની ભલામણ ? : વિપક્ષના આક્ષેપને બળ મળવાની સંભાવના : સ્‍થળાંતર અને કામચલાઉ કચેરીની મરામતનો કુલ અંદાજીત ખર્ચ ૮૪ લાખ : મોટાભાગની રકમના બીલ જ રજુ થયા નથી : કોન્‍ટ્રાકટ રાખનાર એજન્‍સીના બાકીના ચૂકવણાની વાત એક બાજુ પણ જે ચૂકવાયા છે તેમાંથી પંચાયત અમૂક રકમ પાછી માંગે તેવા એંધાણ : કાનૂની લડત અથવા મામલો સરકાર સુધી પહોંચવાની શકયતા : તપાસ સમિતિનો અહેવાલ વિધિવત મળે પછી ડી.ડી.ઓ.ના પગલા તરફ મીટઃ ચૂંટણી ટાણે ભ્રષ્‍ટાચારના મુદ્દે ભાજપના શાસકો માટે પડકારરૂપ પ્રકરણ

રાજકોટ, તા. ૯ :  જિલ્લા પંચાયતની રેસકોર્ષ નજીકની જુની કચેરી તોડી પાડી નવી બનાવવા માટે કચેરીનું સિવીલ હોસ્‍પિટલ ચોક ખાતે જુની કોર્ટ બિલ્‍ડીંગમાં સ્‍થળાંતર કરવામાં આવેલ. પંચાયતના ફર્નિચર સહિતના સાધન સામગ્રીના સ્‍થળાંતર અને કામચલાઉ કચેરીમાં મરામત કરાવવાનો ખર્ચ ચર્ચાના ચકડોળે ચડેલ. વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરિયાએ આ અંગે સામાન્‍ય સભામાં પ્રશ્‍ન પૂછેલ તેમજ લાખો  રૂપિયાનો  ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ કરેલ. કામની ગુણવતા અંગે પણ સવાલો ઉઠાવ્‍યા હતા. પંચાયતના શાસકોએ આ અંગે તપાસ માટે ઉચ્‍ચ અધિકારીઓની સમિતિની રચના કરેલ. સમિતિનો અહેવાલ તૈયાર થઇ રહ્યો છે. અહેવાલ ધગધગતો હોવાનો અને તે ગણતરીના દિવસોમાં જ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સુપ્રત થનાર હોવાનું જાણવા મળે છે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, કારોબારી સમિતિના અધ્‍યક્ષ પી.જી. કયાડા વગેરેએ ગઇ તા. ૧પ સપ્‍ટેમ્‍બર ર૦રપ ના દિવસે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી સત્‍ય બહાર લાવવા તપાસ સમિતિની રચના કરવાનું અને ૧ મહિનામાં અહેવાલ તૈયાર કરવાનું જાહેર કરેલ ત્‍યાર પછી જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ સમિતિ રચેલ. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક ગલચર, કાર્યપાલક ઇજનેર સંજય પટેલ, હિસાબી અધિકારી વિપુલ દેસાઇ અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી વાંકાણીનો સમાવેશ થાય છે. સમિતિ અહેવાલને આખરી ઓપ આપી રહી છે.

શાસકોએ જે તે વખતે કુલ કામનો અંદાજિત ખર્ચ ૮૪ લાખ થયાનું અને તે પૈકી ટેક્ષ સહિતિ રૂા. રર લાખ ચુકવાયાનું જાહેર કરેલ. આગળના ચુકવણાને બ્રેક મારી હતી. પંચાયત સ્‍થળાંતર અને મરામતનું કામ નીલગ્રીવ એજન્‍સીએ કર્યાનું જણાવાયું હતું.

બિનસતાવાર રીતે જાણવા મળેલ છે કે રેકોર્ડ આધારિત તપાસ કરેલ તેમાં રૂપિયા વીસેક લાખનું જે ચુકવણું થયું છે તેમાં અમૂક ભાવ વધારે હોવાનું માની તે રકમમાંથી અમૂક રકમ રીકવરી પાત્ર હોવાનું તારણ નીકળી રહ્યું છે. તપાસ અહેવાલમાં  આ અંગે ભલામણ કરવામાં આવશે. ૮૪ લાખના કથિત કામ પૈકી નહિ ચુકવાયેલી રકમના કોઇ બીલ રજુ થયા નથી. કામ શરૂ કરવા માટે વહીવટી મંજુરી, તાંત્રિક ચકાસણી, કામનું માપ, વર્ક ઓર્ડર વગેરે પ્રક્રિયા થયાનું માલુમ પડતું નથી તેવી  ચર્ચા પંચાયત વર્તુળોમાં છે જે કામ થઇ ગયું છે અને ચૂકવણુ બાકી છે તે કામનું ચૂકવણું હવે કરવું હોય તો પાછલી તારીખની અસરથી કામને માન્‍ય ગણવા માટે સરકારી મંજુરી જરૂરી છે. તેથી સમગ્ર મામલો સરકાર સુધી પહોંચે તેવી શકયતા છે. સમગ્ર પ્રકરણમાં ચૂંટાયેલા કોઇ સભ્‍યની ભૂમિકા છે કે કેમ ?  તેની માહિતી બહાર આવેલ નથી. તપાસ અહેવાલની સત્તાવાર માહિતી જાહેર થાય ત્‍યારે ચિત્ર સ્‍પષ્‍ટ થશે. જિલ્લા પંચાયતની ચૂંટણી ટાણે જ તપાસનો અહેવાલ ધડકારૂપ સાબિત થાય તો નવાઇ નહિ.

(4:03 PM IST)