<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રીઢા તસ્‍કર ભાદાએ ભાણેજ સાથે મળી તરઘડીયામાં ૬.૭૪ લાખની ચોરી કરી'તીઃ ક્રાઇમ બ્રાંચે ભેદ ખોલ્‍યો

છ દિવસ પહેલા ધોળે દિવસે ખેડૂત પરિવારના ઘરમાંથી રોકડ દાગીના ઉસેડી જવાયા હતાં દાગીના, રોકડ, બાઇક, ફોન મળી ૬.૪૧ લાખની મત્તા કબ્‍જેઃ ભાદા સોલંકીની અગાઉ ૧૩ ગુનામા સંડોવણીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એસ. વી. ચુડાસમાની ટીમની કામગીરી કૃણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૯: કુવાડવા તાબેના તરઘડીયા ગામે રહેતાં ખેડુતના ઘરમાં ગત ત્રીજી તારીખે ધોળે દિવસે ચોરીનો બનાવ બન્‍યો હતો. ખેડુત પોતાના બનોવીનું અવસાન થયું હોઇ જેથી નજીકના સાયપર ગામે પાણીઢોળ વિધીમાં હાજરી આપવા પરિવાર સાથે ગયા હતાં. આ દરમિયાન રેઢા ઘરમાં ત્રાટકી તસ્‍કરો રોકડ, દાગીના મળી કુલ રૂા. ૬,૭૪,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી અગાઉ ૧૩ ગુનામાં સામેલ રીઢા તસ્‍કર અને તેના ભાણેજને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

 આ બનાવમાં તરઘડીયા ગામે રહેતાં રઘુભાઇ જાગાભાઇ ઝાપડા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રઘુભાઇ ઝાપડા તા. ૩/૧૨ના બુધવારે સવારે સાડા નવેક વાગ્‍યે પરિવાર સાથે સાયપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોઇ તેમની પાણીઢોળ વિધીમાં હાજરી આપવા માટ ગયા હતાં. બપોર બાદ પરત આવ્‍યા ત્‍યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી. ભેદ ઉકેલવા કુવાડવા પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા અને કોન્‍સ. મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતાં ઢેબર રોડ નારાયણનગરમાં રહેતાં ભાદા દુલાભાઇ સોલંકી-દેવીપૂજક (ઉ.વ.૪૫) અને તેના ભાણેજ પીડીએમ પાસે નારાયણનગર મફતીયાપરામાં રહેતાં હીરેન અશોકભાઇ ભટ્ટ (ઉ.વ.૨૧)ને પકડી લીધા છે.

ક્રાઇમ બ્રાંચે આ બંને પાસેથી ૫૫૦૦૦નું ચાંદીનું ભરવાડી કડુ, ચાંદીના કડા, છડા, કંદોરો, પગપાના, સનાોની બુટી, લટકણના પાન, કાનચેઇન જોડી, કાનસર, પેન્‍ડલ તેમજ આઇફોન, બાઇક, રોકડા દસ હજાર મળી રૂા. ૬,૪૧,૦૦૦ની માલમત્તા કબ્‍જે કરી છે. ભાદો સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસના કહેવા મુજબ ભાદા વિરૂધ્‍ધ અગાઉ રાજકોટ માલીયાનગર, ભક્‍તિનગર, એ-ડિવીઝન, જુનાગઢ એ-ડિવીઝનમાં ચોરીઓ, દારૂ, લૂંટ, હથીયાર સાથે રાખવાના મળી ૧૩ ગુના નોંધાઇ ચુક્‍યા છે. તેમજ તે બે વખત પાસાની હવા પણ ખાઇ આવ્‍યો છે. તેમજ હિેરન વિરૂધ્‍ધ ભક્‍તિનગરમાં ગયા વર્ષે એક ગુનો નોંધાયો હતો. ચોરી કરવા માટે ભાદો, હીરેન અને અન્‍ય એક શખ્‍સ એમ ત્રણ જણા નીકળ્‍યા હતાં. આ વખતે તરઘડીયામાં બંધ મકાન દેખાતા જ અંદર ત્રાટકી ચોરી કરી લીધી હતી. હજુ એક શખ્‍સની શોધખોળ થઇ રહી છે. ભાદાએ દાગીના છુપાવી દીધા હોઇ જે કબ્‍જે કરાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, વિજયભાઇ સોઢા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ,  મયુરધ્‍વજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા, કરણભાઇ કોઠીવાલ, સંજયભાઇ અલગોતર, પોપટભાઇ ગમારા, અનુજભાઇ ડાંગર, અરવિંદભાઇ ફતેપરાએ આ કામગીરી કરી હતી.

(3:41 PM IST)