તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
‘તું કામ કરતી નથી કામમાં ધ્યાન આપતી નથી' કહી તસ્લીમાબેનને માર મારી ત્રાસ
રૈયા રોડ પરમેશ્વર સોસાયટીમાં બનાવઃ પરિણીતાની યુનિવર્સિટી પોલીસમાં પતિ સોહીલ પાનવાલા અને સાસુ અનીશાબેન સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૦ :.. શહેરના નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં રહેતી પરિણીતાને તેનો પતિ અને સાસુ ‘તું કામ કરતી નથી કામમાં ધ્યાન આપતી નથી.', કહી મારકુટ કરી ત્રાસ આપતા પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા મનહરપુર ધારમાં પીયરમાં રહેતી તસ્લીમા સોહીલ પાનવાલા (ઉ.વ.ર૧) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નાણાવટી ચોક, પરમેશ્વર સોસાયટી શેરી નં. રમાં રહેતો પતિ સોહીલ યુનુસભાઇ પાનવાલા અને સાસુ અનીશાબેન યુનુસભાઇ પાનવાલાના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના એક વર્ષ પહેલા નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટી શેરી નં.૨માં સોહિલ પાનવાલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ ચારેક મહિના સુધી પતિ અને સાસુએ સારીરીતે રાખ્યા બાદ સાસુ નાનીનાની વાતમાં ઘરકામ બાબતે ઝઘડો કરતા હતા અને કહેતા કે તુ કામ કરતી નથી અને પતિ પણ નાનીનાની વાતમાં બોલાચાલી કરતો હતો. આ બાબતે જાણ કરતા ફરિયાદીના માતા-પિતાએ સાસરીયામાં આવી પતિ અને સાસુને સમજાવતા ઘરમેળે સમાધાન થયુ હતું. થોડાવરસો બા ફરી સાસુ અને પતિ બંને મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. ગત તા.૭ના રોજ તેઓ બીમાર હોવાથી ઘરે સુઇ ગઇ હતી ત્યારે પતિ બહારથી આવીને કહયું કે ‘તુ કેમ વ્હેલી સુઇ ગઇ છે' અને ઘરના કામમાં ધ્યાન આપતી નથી જેથી પતિને કહયુ કે ‘મને મજા ન હોવાથી સુઇ ગઇ છું' તો પતિ ઉશ્કેરાઇ જઇ ઢીકા પાટુનો મારમાર્યો હતો. તેને ગળા તથા કાના ભાગે તેમજ વાંસાના ભાગ ઇજા થતા તેણે માતાને ફોન કરી બોલાવતા તેણે આવીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદ તેને રજા આપતા માતા તથા નાના સામે પીયરમાં આવ્યા બાદ યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. જે.એલ. બાલાએ તપાસ હાથધરી હતી.
(3:28 PM IST)










