News of Wednesday, 10th December 2025
‘પાંચ વર્ષમાં ડબલ'ના નામે મંડળી સંચાલક દંપતિએ ૧૭ લોકો પાસે ૫૪.૩૨ લાખ ઉઘરાવી ચૂનો લગાવી દીધો
શ્રી પંચશીલ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી.ના નામે કાવત્રુ ઘડી લોકોના નાણા ખાઇ ગયાનો આરોપ : સોહમનગરના કોન્ટ્રાક્ટર દિનેશભાઇ સોલંકીની રાજનગર પાસે લક્ષ્મી સોસાયટીમાં રહેતાં પોતાના સગા પરેશ સોલંકી, તેના પત્નિ નીરૂ ઉર્ફ નિર્મળા અને પરેશના સાળા મુકેશ ખીમસુરીયા વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદઃ દિનેશભાઇને નાણાનું રોકાણ કરતાં જોઇ તેની સોસાયટીના સોળ લોકોએ પણ રોકાણ કર્યુઃ પાકતી મુદ્દતે કોઇને કંઇ ન મળ્યું: નાના રોકાણકારોમાં દેકારો

રાજકોટ તા. ૧૦: શહેરના નાના મવા રોડ રાજનગર ચોક પાસે લક્ષ્મી સોસાયટીમાં રહેતાં શખ્સે પોતાની પત્નિ સાથે મળી શ્રી પંચશીલ ક્રેડીટ સોસાયટી નામે મંડળી ચાલુ કરી તેમાં પોતાના સાળાને કલેક્શન એજન્ટ તરીકે રાખી પાંચ વર્ષમાં ડબલની લાલચ દઇ મોરબી રોડ વિસ્તારના પોતાના જ પરિચીત કોન્ટ્રાક્ટરના રૂા. ૨૬,૦૮,૦૦૦ મેળવી લઇ તેમજ કોન્ટ્રાક્ટરની સોસાયટીના અન્ય ૧૬ લોકોને પણ લાલચ આપી ૨૮,૨૪,૦૦૦ મેળવી લઇ કુલ રૂા. ૫૪,૩૨,૦૦૦ પાકતી મુદ્દતે પરત નહિ આપી ઠગાઇ કરતાં રોકાણકારોમાં દેકારો મચી ગયો છે. ભોગ બનનારામાં કોન્ટ્રાક્ટર ઉપરાત મજૂરી કરી ગુજરાન ચલાવનારા લોકો પણ સામેલ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ ફાટક પાસે સોહમનગર સોસાયટી-૩ મેઇન રોડ પર રહેતાં અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં દિનેશભાઇ ચીમનભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી નાના મવા રોડ રાજનગર ચોક પેટ્રોલ પંપ પાછળ આવેલી લક્ષ્મી સોસાયટી-૨/૩માં રહેતાં શ્રી પંચશીલ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. નામની મંડળીના ચેરમેન અને એજન્ટો પરેશ પ્રાગજીભાઇ સોલંકી, નિર્મળાબેન ઉર્ફ નીરૂબેન પરેશભાઇ સોલંકી અને સોહનગર-૨ના મુકેશ બાબુભાઇ ખીમસુરીયા વિરૂધ્ધ મંડળીમાં રૂપિયાનું રોકાણ કરવાથી પાંચ વર્ષમાં ડબલ નાણા મળશે તેવી લાલચ આપી કોન્ટ્રાક્ટર દિનેશભાઇ તેમજ બીજા ૧૨ લોકો પાસેથી ૫૪,૩૨,૦૦૦ રૂપિયા ઉઘરાવી લઇ બાદમાં આ રકમ પરત ન આપી ઠગાઇ કરવાનો ગુનો દાખલ કરાયો છે.
દિનેશભાઇ સોલંકીં પરિવાર સાથે રહું છું અને કોન્ટ્રાકટ રાખી કામ કરે છે. દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કૌટુંબિક સગા પરેશભાઈ પ્રાગજીભાઈ સોલંકી, તના પત્નિ નિર્મળાબેન ઉર્ફે નીરૂબેન સોલંકી અને પરેશભાઈના સાળા મુકેશ બાબુભાઈ ખીમસુરીયા ત્રણેય લક્ષ્મી સોસાયટી, રાજનગર ચોક પાસે શ્રી પંચશીલ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. નામે મંડળી ચલાવતા હતા. જેમાં પરેશભાઇ અને તેના પત્નિ મંડળીમાં ચેરમેન હોવાનું કહેતાં હતાં. તેમજ પરેશભાઇનો સાળો મુકેશ મંડળીમાં કલેક્શન એજન્ટ હોવાનું અમને જણાવ્યું હતું. આ લોકોએ મને કહ્યું હતું કે અમારી મંડળીમાં રૂપિયાનું રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થશે. ત્રણ વર્ષ સુધી રોકાણ કરશો તો તેના વ્યાજ સહિત રૂપિયા પરત મળશે, તમે બેંકમાં મુકશો તો નવ વર્ષે ડબલ થશે, અમારી પાસે મુકશો તો પાંચ વર્ષમાં ડબલ કરીને આપશું. આવી લાલચ મને આપી હતી.
નિર્મળાબેને ત્યારે કરેલુ કે તમારા મોરબી રોડ વિસ્તારમાં કલેકશનનું કામ તેણીના પતિ પરેશભાઇના સાળા મુકેશ ખીમસુરીયા સંભાળે છે. તે બધા પાસેથી રકમ કલેક્ટ કરી જશે. આ લોકો અમારા કુટુંબી સગા થતાં હોઇ જેથી મેં વિશ્વાસ રાખી રોકાણ કરવાનું ચાલુ કર્યુ હતું. જેમાં મારા પરિવારના સભ્યો જેમ કે મારા માતા જસુમતીબેન, પત્નિ ઉષાબેન, ભાભી યોગીતાબેન અને બહેન વૈશાલીબેન પરમારના નામે મેં રોકાણ કરવાનું ચાલુ કર્યુ હતું. આ રીતે અમે તેમણે વિશ્વાસ મુકીને રોકાણ કર્યું હતું. સૌથી મોટું રોકાણ મારા માતા જસુમતીબેનનું હતું, જેમણે મકાન વેચાણના આવેલા રૂ. ૧૬,૦૦,૦૦૦ રોકેલા અને તેના પરનું વ્યાજ રૂ. ૭,૨૦,૦૦૦ મળ્યું હતું તે પણ મંડળીમાં જ રોકી દીધું હતું. તેમજ મારા ઉષાબેન, ભાભી યોગીતાબેન અને બહેન વૈશાલીબેન સહિત પરિવારનું કુલ રૂ. ૨૬,૦૮,૦૦૦નું રોકાણ હતું. આ રકમ જુલાઈ ૨૦૨૫માં વ્યાજ સહિત પરત મળવાની હતી, પરંતુ મુદ્દત નજીક આવતા સંચાલકો ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયા હતા.
દિનેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે છેતરપિંડી કરનાર પરેશભાઈ અને તેમના પત્નિએ રોકાણના નાણાંને અંગત જરૂરિયાત અથવા વેપાર ધંધામાં મદદ માટે લીધેલા હાથ ઉછીના તરીકે દર્શાવીને સ્ટેમ્પ પેપર પર પ્રોમિસરી નોટના લખાણ કરાવી લીધા હતા. આવી પ્રોમિસરી નોટ મારા નામે તેમજ મારા માતા જસુમતીબેન, પત્નિ ઉષાબેન અને બહેન વૈશાલીબેનના નામે બનાવવામાં આવી હતી, જેના દ્વારા કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦ની રકમને રોકાણને બદલે અંગત દેવું દર્શાવી દેવામાં આવ્યું હતું.
મેં પરેશભાઇ તેના પત્નિ સહિતની ઉપર વિશ્વાસ રાખી રોકાણ કર્યુ હોઇ જેથી અમારી સોસાયટીના લોકોએ પણ રોકાણ કર્યુ હતું. આ ૧૬ લોકોમાં ઇંદિરાબેન મનોહરસિંહ મકવાણાએ રૂપિયા ૭,૯૨,૦૦૦, ઇન્દુબેન લાલજીભાઇ દવેરાએ ૪ લાખ, નરેશભાઇ લક્ષમણભાઇ રાઠોડે રૂા. ૩૬ હજાર, વર્ષાબેન અશોકભાઇ મકવાણાએ રૂા. ૭૨ હજાર, વિજ્યાબેન પ્રવિણભાઇ મકવાણાએ રૂા. ૧,૪૪,૦૦૦, યોગેશભાઇ પ્રવિણભાઇ મકવાણાએ ૫૪ હજાર, મંજુલાબેન ખીમાભાઈ મકવાણાએ રૂ. ૧,૮૦,૦૦૦, સવિતાબેન હિતેન્દ્રભાઇ પરમારે ૭૨ હજાર, દિપ્તીબેન સતિષભાઇ પરમારે ૧૮ હજાર, દક્ષાબેન પ્રવિણભાઇ ચાવડાએ ૩,૬૦,૦૦૦, લત્તાબેન સુનિલભાઇ ડાભીએ ૯૦ હજાર, સોનલબેન વિજયભાઇ ચાવડાએ ૭૨ હજાર, વનીતાબેન દિલીપભાઇ ભાસ્કરે રૂા. ૫૪ હજાર, લલીતાબેન મંગાભી વાલવાએ રૂા. ૫૪ હજાર, રમાબેન વશરામભાઇ ભાસ્કરે ૯૦ હજાર અને જ્યોતિબેન પ્રકાશભાઇ મકવાણાએ રૂા. ૩,૩૬,૦૦૦ મળી કુલ રૂ. ૨૨,૨૪,૦૦૦ની રકમનું રોકાણ કર્યુ હતું. આ તમામની સાથે પણ પાંચ વર્ષમાં ડબલની લાલચ આપી ઠગાઇ કરવામાં આવી છે. આમ મારા (દિનેશભાઇના) રૂા. ૨૬,૦૮,૦૦૦ અને બીજા ૧૬ લોકોના રૂા. ૨૮,૨૪,૦૦૦ મળી કુલ રૂપિયા ૫૪,૩૨,૦૦૦ની રકમ આ ત્રણેય મંડળીમાં રોકાણના નામે કાવતરૂ રચી મેળવી લઇ ફોન બંધ કરી ગાયબ થઇ ગયા છે. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચોૈધરીએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:39 PM IST)










