News of Wednesday, 10th December 2025
શિવપરાનો ટ્રાવેલ્સ બસનો ડ્રાઇવર ધર્મેશ મહેતા બસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો
પીસીબીએ કુવાડવા રોડ પરથી પકડયોઃ કેશોદ-વાસદા રૂટની બસનું ડ્રાઇવીંગ કરે છેઃ પાર્સલની આડમાં જથ્થો લાવ્યો હતોઃ પીસીબીના સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, દેવરાજભાઇ કળોતરાની બાતમીઃ જંગલેશ્વરના ઇમરાન શેખનું નામ ખુલ્યું

રાજકોટ, તા.૧૦: શહેરના કુવાડવા રોડ પરથી પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી લકઝરી બસમાં પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાલકને રૂા. ૧.૧૬ લાખના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર એક લકઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની પીસીબીના એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ દેવરાજભાઇ કળોતરાને બાતમી મળતા સ્ટાફ સાથે કુવાડવા રોડ પર વોચમાં હતા ત્યારે ત્યાંથી નવ સારીના વાસદાથી કેશોદ જતી અવદ ટ્રાવેલ્સની લકઝરી બસને શંકાના આધારે રોકી તલાશી લેતા બસમાં રહેલા પાર્સલમાંથી રૂા. ૧,૧૬,૩૫૨ની કિંમતની વિદેશી દારૂની ૩૮૪ બોટલ મળી આવતા પોલીસે બસના ચાલક ધર્મેશ મનસુખભાઇ મહેતા (ઉ.વ.૩૧) (રહે. રૈયા રોડ કનૈયા ચોક શીવપરા શેરી નં.૫ મૂળ દાધીયાગામ તા. સાવરકુંડલા ને પકડી લઇ દારૂનો જથ્થો તથા લકઝરી બસ મળી રૂા. ૨૧,૧૬,૩૫૨નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં ચાલક ધર્મેશ વાંસદાથી દારૂનો જથ્થો લઇ આવ્યો હોવાની અને બુટલેગર ઇમરાનઅલી અનીસઅલી શેખે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી હતી.
(2:55 PM IST)










