<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

યુટયુબે પોર્ટ્રેટ આર્ટિસ્‍ટનું જીવન બદલી નાખ્‍યું: કલાથી કરોડો કમાય છે શિન્‍ટુ મૌર્ય

શિન્‍ટુ મૌર્યની કલા માત્ર જોવામાં જ નહીં, પરંતુ અનુભવવામાં પણ આવે છે : આ આર્ટિસ્‍ટના સોશિયલ મીડિયા કરોડો ચાહકો છે *શિન્‍ટુ મૌર્ય માત્ર ૨૬ વર્ષના છે. તેના યુટ્‍યુબ પર ૧૩.૧ મિલિયન ફોલોઅર્સ અને ઇન્‍સ્‍ટાગ્રામ પર ૧.૪ મિલિયન ફોલોઅર્સ છે. * ખુબજ ગરીબ પરિવારમાંથી આવતા શિન્‍ટુના પિતા આજે પણ જબલપુરની હાટ બજારમાં ફૂટવેરની દુકાન ચલાવે છે. *શિન્‍ટુ કુદરતી રંગોથી, હાથની આંગળીઓથી ચિત્રો બનાવે છે. ટમેટા, જાંબુ, કોબીચ, ગાજર, પાલક, કાકડી, કેણાંની છાલ સહિત અનેક શાકભાજી અને ફળોનો રસ કાઢી માત્ર તેનો જ ઉપયોગ કરી વૈવિધ્‍યસભર ચિત્રોમાં પ્રાણ પુરે છે. *શિન્‍ટુ મૌર્યએ ક્‍યાંયથી કલાનું કોઈ શિક્ષણ મેળવ્‍યું નથી, પરંતુ તે તેમના પોતાના મગજની ઉપજ છે અને તેમના સમગ્ર કાર્યમાં મહાન મૌલિકતા છે. * તેઓ શેડો આર્ટ (છાયા કલા) માં પણ પારંગત છે.

યુટ્‍યુબે ચિત્રકામ કરનાર એક ગરીબ યુવાનની દુનિયા બદલી નાખી છે. જબલપુરના માનેગાંવ વિસ્‍તારમાં રહેતા શિન્‍ટુ મૌર્ય તેમની પોટ્રેટ આર્ટ અને શેડો આર્ટને કારણે આજે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બન્‍યા છે. માત્ર યુટ્‍યુબ પર જ શિન્‍ટુ મૌર્યના સબ્‍સ્‍ક્રાઇબર્સની સંખ્‍યા ૧ કરોડ ૩૦ લાખ સુધી પહોંચી ગઈ છે. શિન્‍ટુ જબલપુરના પછાત ગામ માનેગાંવમાં રહે છે. તેના પિતા હાટ બજારમાં ફૂટવેરની દુકાન ચલાવે છે. હરિવંશ રાય બચ્‍ચને કહેલું કે, ‘‘કોશીશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.'' કવિતાની આ પંક્‍તિ જબલપુરના શિન્‍ટુ મૌર્યના જીવનમાં બંધ બેસે છે. તેઓ ભારતના પ્રખ્‍યાત યુટ્‍યુબર્સમાંના એક છે જે પોતાના ચિત્રો અને કલાકૃતિઓ વીડિયો દ્વારા લોકોને પ્રદર્શિત કરે છે.

આ અદભૂત કલાકારનું નામ શિન્‍ટુ મૌર્ય છે અને તેમનો જન્‍મ ભારતના મધ્‍યપ્રદેશના જબલપુરમાં ૧૯૯૯ માં થયો હતો. તેમણે જબલપુરની એક સ્‍થાનિક શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્‍યું અને ઉચ્‍ચ શિક્ષણ માટે દિલ્‍હી યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ડિગ્રી મેળવી. કલાકાર શિન્‍ટુ મૌર્યની કારકિર્દીની વાત કરીએ તો શિન્‍ટુ મૌર્યને બાળપણથી જ કલાત્‍મકતા અને ચિત્રકળામાં રસ હતો અને તેઓ પોતાના મનને કલાત્‍મકતા અને ચિત્રકળા શીખવા માટે કહેતા હતા પરંતુ કેટલીક મજબૂરી અને આર્થિક મુશ્‍કેલીઓના કારણે તેમના માતા-પિતા તેમને અભ્‍યાસ કરવા માટે કહેતા હતા. તેમ છતાં શિન્‍ટુ મૌર્યએ અભ્‍યાસની સાથે સાથે પોતાની કલાત્‍મકતા અને પેઇન્‍ટિંગને પોતાની ઓળખ બનાવી અને પ્રયત્‍નો ચાલુ રાખ્‍યા. સમય જતાં એક દિવસ તેણે પોતાની એક યુટ્‍યુબ ચેનલ બનાવી અને સોશિયલ મીડિયા અને યુટ્‍યુબ પર વીડિયો દ્વારા પ્રયાસ કરેલ પેઇન્‍ટિંગ અને ઇલસ્‍ટ્રેટરનું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. લોકોને તેની આર્ટવર્ક પસંદ આવવા લાગી અને તે ઝડપથી વાયરલ થઈ ગઈ.

શિન્‍ટુ મૌર્ય માત્ર ૨૬ વર્ષના છે. તેના યુટ્‍યુબ પર ૧૩.૧ મિલિયન ફોલોઅર્સ અને ઇન્‍સ્‍ટાગ્રામ પર ૧.૪ મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર શિન્‍ટુ મૌર્યના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. શિન્‍ટુ મૌર્ય ખૂબ જ સુંદર કલાકાર છે અને એક એકથી ચઢિયાતા અદભુત ચિત્રો બનાવે છે અને તે પણ કોઇ કૃત્રિમ રંગોથી નહીં પણ કુદરતી રંગોથી પીંછીંઓ નહીં હાથની આંગળીઓથી ચિત્રો બનાવે છે. ટમેટા, જાંબુ, કોબીચ, ગાજર, પાલક, કાકડી, કેણાંની છાલ સહિત અનેક શાકભાજી અને ફળોનો રસ કાઢી માત્ર તેનો જ ઉપયોગ કરી વૈવિધ્‍યસભર ચિત્રોમાં પ્રાણ પુરે છે.

ફળોના રસ ઉપરાંત દિવાસળી અને આઈસ્‍ક્રીમની લાકડીઓથી એવી કળા બનાવે છે કે દુનિયા પણ ચોંકી જાય છે.! આ કલાકાર શિન્‍ટુ મૌર્યની કળા માત્ર જોવામાં જ નહીં પણ અનુભવવામાં પણ આવે છે. જ્‍યાં દુનિયા મોંઘા રંગ અને બ્રશ પર નિર્ભર છે. શિન્‍ટુ મૌર્ય જાંબુ, ટામેટાં, દાડમ, નારંગી જેવા સરળ ફળોના રસમાં પોતાની કલ્‍પનાનું મિશ્રણ કરે છે. આ ફળોના રસથી તે શિવ પાર્વતીના આવા સુંદર ચિત્રો બનાવે છે જેમાં રેખાઓમાં શાંતિ, રંગોમાં શ્રદ્ધા અને કળામાં આધ્‍યાત્‍મિકતા હોય છે. દીવાલ પર કોઈનું પણ ચિત્ર હોય શિન્‍ટૂ તેને અદભૂત રીતે કાગળ પર ઉતારી આપે છે. તે માત્ર એક કળા નથી તે એક તકનીક છે, એક કૌશલ્‍ય છે, એક અનન્‍ય પ્રતિભા છે જે બહુ ઓછા લોકો પાસે છે. શિન્‍ટૂએ બાગેશ્વર બાબા, ખાટુ શ્‍યામ, ભગવાન શ્રી કૃષ્‍ણ અને રાધાજી, ભગવાન શિવ સહિત અનેક દેવી-દેવતાઓ, સંતો ઉપરાંત સેલિબ્રિટીઓના ચિત્રો નેચરલ રંગોથી બનાવ્‍યા છે.

માત્ર ચિત્રકામ નહીં શિન્‍ટૂ મૌર્ય શેડો આર્ટમાં પણ પારંગત છે. શેડો આર્ટમાં તેમના ઘણા વીડિયો પણ ખૂબ જ વાયરલ થયા હતા. શિન્‍ટુ મૌર્યએ ક્‍યાંયથી કલાનું કોઈ શિક્ષણ મેળવ્‍યું નથી, પરંતુ તે તેમના પોતાના મગજની ઉપજ છે અને તેમના સમગ્ર કાર્યમાં મહાન મૌલિકતા છે. જે રીતે આ છાયા કલાનો ઉપયોગ કરવામાં આવે છે તે પોતાનામાં સંપૂર્ણપણે અનન્‍ય છે. તેના પરિવારજનોનું કહેવું છે કે, શિન્‍ટુ નાનો હતો ત્‍યારે નકામી વસ્‍તુઓ ભેગી કરી કંઇને કંઇ બનાવે રાખતો. ક્‍યારેક રસોડાના વાસણો લઇ જાય તો ક્‍યારેક વૃક્ષના પાંદડાઓ અને ડાળીઓ ભેગી કરી બનાવવા લાગે. અમને ત્‍યારે કંઇજ સમજાતું નહીં પણ હવે ખબર પડે છે કે તે શેડો આર્ટ એટલે કે છાયા કલા કરતો હતો. જેમાં વસ્‍તુઓ એવી રીતે ભેગી કરે ત્‍યારે કંઇ ન આવે પણ જ્‍યારે તેની પર પ્રકાશ આપી ભિત પર પડછાયો પાડવામાં આવે તો એક અદભૂત આકૃતિ ઉભરીને સામે આવે છે. શિન્‍ટુ આ કલામાં પણ માહેર છે. કોઈ ચોક્કસ તકનીક અથવા મોંઘા સાધનની શોધ નહીં, માત્ર હાથની પકડ, મગજની કલ્‍પના અને અંદરની આગ જે તેમને અન્‍ય લોકોથી અલગ બનાવે છે. શિટૂ મૌર્યની કળામાં માત્ર એક ચિત્ર નથી એક ભાવના છે. આ બધામાં માત્ર કલા જ નહીં પરંતુ એક ઊંડી લાગણી, એક આધ્‍યાત્‍મિક જોડાણ છે તેથી લોકો તેમના ચિત્રો જોતા જ તેની કલા પર મોહી પડે છે. શિન્‍ટુની કળા સીધી હૃદયને પાર ઉતરી જાય તેવી છે. આવા સેંકડો પ્રયોગો શિન્‍ટુ મૌર્યની કળામાં જોવા મળે છે. તેવી જ રીતે બાગેશ્વર ધામ, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની તસવીર અને આવી જ કેટલીક કલાકૃતિઓ સહિત તેમની કેટલીક વાયરલ તસવીરો દુનિયાએ જોઈ હતી.

 આ યુટ્‍યુબરની સ્‍ટોરીમાં પણ વિરોધાભાસ છે. શિન્‍ટુના પિતા જબલપુરની હાટ બજારમાં જૂતાની દુકાન ચલાવે છે. તેમણે ક્‍યારેય અપેક્ષા નહોતી રાખી કે તેમનો દિકરી કલાના ક્ષેત્રમાં આટલો આગળ વધશે. સામાન્‍ય પરિવારોના લોકો તેમના બાળકોને શિક્ષિત કરીને વધુને વધુ નોકરીઓ વિશે વિચારી શકે છે. તે જ સમયે શિન્‍ટુના પિતા તેને બજારમાં જૂતાની દુકાનમાં કામ કરવા લઈ જતા હતા પરંતુ શિન્‍ટુની અંદરની કળા ધીમે ધીમે વિકસી રહી હતી. અભ્‍યાસની વચ્‍ચે તે આર્ટવર્ક કરવા માટે સમય કાઢતો જેથી તેના માતાપિતાને ખબર ન પડે, નહીં તો એવી શક્‍યતા હતી કે તેની આર્ટવર્ક અધવચ્‍ચે જ બંધ થઈ જશે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન શિન્‍ટુને અભ્‍યાસ કરવા માટે મોબાઇલ ફોન મળ્‍યો હતો. આ મોબાઇલ પર યુટ્‍યુબ ચેનલ બનાવીને શિન્‍ટુ સતત વીડિયો પોસ્‍ટ કરતો અને આજે લાખો લોકો તેના ચાહકો અને દિવાના છે.

શરૂમાં શિન્‍ટુએ ૧૨ મી સુધી અભ્‍યાસ કર્યો હતો પરંતુ જ્‍યારે તેની કળાને લોકો પસંદ કરી ત્‍યારે તેણે કલાના ક્ષેત્રમાં વધુ અભ્‍યાસ કરવાનું શરૂ કર્યું. તેણે સરકારી કોલેજમાંથી ફાઇન આર્ટ્‍સમાં ડિગ્રી કોર્સ કર્યો. શિન્‍ટુની માતા કહે છે કે શિન્‍ટુ એક અદ્વુત કલાકાર છે. તે કેટલીકવાર રસોડાના સામાન જેવાકે ચટણી, વનસ્‍પતિ, ફળ થી પણ ગજબની કલાકૃતિ બનાવી લે છે. જો કે, તેણી કહે છે કે માત્ર ભગવાન જાણે છે કે આ કળા તેની પાસે ક્‍યાંથી આવી.

નવા યુટ્‍યુબર્સ માટે શિન્‍ટુ મૌર્ય કહે છે કે, જો તમે યુટ્‍યુબ અથવા સોશિયલ મીડિયા પર ઓળખ બનાવવા માંગતા હો તો પહેલા તમારી રુચિ અથવા રસના ક્ષેત્રને સમજો. પછી તેમાં નિપુણતા મેળવો. એકવાર સમય પર તમારી પકડ થઇ જાય પછી તેનો વીડિયો મૂકવાનું શરૂ કરો અને તમારી સાતત્‍ય જાળવી રાખો. જો તમે દરરોજ વીડિયો મૂકશો તો કોઈ ને કોઈ વીડિયો હિટ થશે અને તમને ચોક્કસ સફળતા મળશે. શિન્‍ટુ મૌર્ય જબલપુરના ખૂબ જ પછાત વિસ્‍તાર માને ગામમાં એક ગલીમાં રહે છે. પરિવારમાં અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે તેણે મોટો સંઘર્ષ કર્યો છે. જોકે શિન્‍ટુ હવે યુટ્‍યુબ દ્વારા પૂરતા પૈસા કમાઈ રહ્યા છે પરંતુ તે યુટ્‍યુબના ઉતાર-ચઢાવથી પણ પરિચિત છે. શિન્‍ટુ કહે છે કે તેની પાસે ઘણા બધા વિચારો છે કે તે ઘણા વર્ષો સુધી તેના ચાહકોને નવા વીડિયો બતાવવાનું ચાલુ રાખશે. શિન્‍ટુ મૌર્યાની કલા જોવા માટે યુટ્‍યુબ ચેનલ https://www.youtube.com/@artistshintumourya

શિન્‍ટુએ પોતાની કલાથી ગરીબી દુર કરી..

કહેવાય છે ને કે સખત પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. જો તમારી પાસે કોઇ પણ આર્ટ એટલે કે કલા હોય અને તેનો યોગ્‍ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગરીબ સરળતાથી માલેતુજાર થઇ શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહર છે જબલપુરના કલાકાર શિન્‍ટુ મૌર્ય. જેણે પોતાની કલા અને સોશિયલ મીડિયાના ઉપયોગ થકી ગરીબીને દુર કરી પૈસાની સાથે ખુબ નામ પણ કમાયા છે. એક સમયે કલાકાર શિન્‍ટુ મૌર્યને આર્થિક મુશ્‍કેલીઓ અને મજબૂરીને કારણે ઘણું સહન કરવું પડ્‍યું હતું અને તેમની પાસે રહેવા માટે સારું ઘર અને કપડાં નહોતા પરંતુ આજે તેઓ દર મહિને લાખો-કરોડ રૂપિયાની કમાણી કરે છે શિન્‍ટુ મૌર્યની કેટલીક સંપત્તિની વાત કરીએ તો સોશિયલ મીડિયા પરથી મળેલી માહિતી મુજબ શિન્‍ટુ મૌર્યની સંપત્તિ ૧૫-૩૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આ સંપત્તિ તેણે તેના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ અને કલાત્‍મકતા દ્વારા યુટ્‍યુબમાંથી મેળવ્‍યું છે આજે તે એક સફળ વ્‍યક્‍તિ સાથે સફળ યુટ્‍યુબર પણ છે.

(3:33 PM IST)