તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 11th December 2025
હિરાસર એરપોર્ટ પર હજુ કાલે પણ ઇન્ડિગોની ફલાઇટ રદ રહેશેઃ ૮ દિ'માં ૩૧ ફલાઇટ કેન્સલ કરાઇ
૬૦૦ મુસાફરોને રિફંડ અપાયું પત્રકારોને વિગતો આપતા સંજય અગ્રવાલ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ ઈન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની હવાઈ સેવા હજુ ખોરવાયેલી છે, જેના કારણે મુસાફરોની હેરાનગતિ યથાવત્ રહી છે. એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઈન્ડિગોની ૨૯ ફલાઇટ કેન્સલ થઈ ચૂકી છે અને ૬૦૦ મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું છે.
ઈન્ડિગો એરલાઈન્સ ના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈન્ડિગો ૬૦ થી ૭૦ ટકા એરલાઈન્સ હિસ્સો ધરાવે છે જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. મોનોપોલીના લીધે આ પરિસ્થિતિ વધારે વણસી છે જોકે સરકાર હવે પગલા લઈ રહી છે. તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી છે. લોકોને કોઈ હાલાકી પડે તો તે માટે MAY I HELP YOU ૯૪૦૯૩૦૩૩૭૧ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ૧૨ મી ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફલાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ ૮ ફલાઈટ રદ થઈ હતી. શનિવારે ૮ માંથી એક ફલાઈટ રદ થઈ હતી. રવિવારે ૯ માંથી ૫ ફલાઈટ કેન્સલ થઈ હતી તો ૮ ડિસેમ્બરના ૮ માંથી ૪ ફલાઇટ રદ થઈ હતી. જ્યારે ૯ ડિસેમ્બરના ૯ માંથી ૨ ફલાઈટ કેન્સલ રહી હતી. જ્યારે હજુ ૧૨ ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફલાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે ૧૩ મી ડિસેમ્બરથી ઈન્ડિગોની તમામ ફલાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
(2:35 PM IST)










