<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

નાગેશ્‍વર પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

બે દિવસ પહેલા મોડી રાત્રે પિતા ઉઠયા ત્‍યારે દીકરી જોવા ન મળતા પોલીસને જાણ કરીઃ અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ પર નાગેશ્‍વર પાસે ઝુંપડામાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી બે દિવસ પહેલા ઘરમાં જોવા ન મળતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નાગેશ્‍વર બસ સ્‍ટેશન નજીક ઝુંપડામાં રહેતા યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્‍યું છે કે, તે કડીયા કામ કરે છે. પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્‍ની વીસેક દિવસ પહેલા બાળકોને મુકીને ચાલી જતા બંને બાળકો ઝુંપડા નજીક રહેતા સાસુ સાથે રહે છે. બાળકોને જમવા માટે હું મારા સાસુના ઘરે લઇ જતો હતો. અને રાત્રે હું મારા બંને બાળકોને મારી સાથે સુવા માટે સાથે લઇ જતો હતો. તા. ૯/૧ર સાંજે હું મારા બંને બાળકોને મારા સાસુના ઘરેથી લઇ આવ્‍યો હતો અને રાત્રે હું મારા બંને બાળકો સાથે સુઇ ગયો હતો. રાત્રે આશરે બે વાગ્‍યા આસપાસ હું જાગીને જોયું તો ત્રણ વર્ષની દીકરી જોવા ન મળતા મારી માતા તથા ભાઇ-ભાભીને જગાડીને આજુબાજુ તપાસ કરતા દીકરી મળી ન આવતા હું મારા સાસુના ઘરે જઇ સાળાને વાત કરી હતી. બાદ આજુબાજુ ઝાડીઓમાં પણ તપાસ કરી હતી પરંતુ દીકરી કયાંય જોવા ન મળતા પોલીસમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ. બી. જાડેજા સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી રમેશ વાજેલીયાની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બાળકીએ મહેંદી કલરનું ટીશર્ટ પહેરેલ છે. અકસ્‍માતના કારણે તેને બંને પગમાં ઇજાના જૂના નિશાન છે. જો કોઇને આ બાળકી જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮૧-રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૭.ર૮)

(3:12 PM IST)