<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

જીવરાજ પાર્કનો દર્પણ મણીયાર ૯ અને ૧૬ લાખની બે કાર રાજકોટથી ભાડેથી, માંગીને લઇ ગયા બાદ ગાયબ!

મવડી રોડ પર સેલ્‍ફમાં કાર ભાડે આપતાં ચંદ્રજીતસિંહ જાડેજા પાસેથી થાર કાર વડોદરા જવાનું કહીને લઇ ગયો પછી કહ્યું-તમારી ગાડી તારાપુર સોજીત્રાના આમીર વોરાને આપી દીધી છેઃજ્‍યારે મવડી ચોકડીએ રહેતાં મિત્ર બીપીનભાઇ મારકણાની સ્‍વીફટ પુના ફરવા જવાનું કહીને લઇ ગયા બાદ પાછી ન દીધી : માલવીયાનગર અને તાલુકા પોલીસમાં બે અલગ અલગ ફરિયાદઃ તાલુકા પોલીસ સ્‍વીફટ કાર સોજીત્રા ગામેથી શોધી લાવીઃ દર્પણ અને આમીર સાથે મળી ભાડેથી કાર મેળવી બારોબાર વેંચી મારતા હોવાની શક્‍યતાએ તપાસ

રાજકોટ તા. ૧૧: ભાડેથી કાર લઇ જઇ બારોબાર વેંચી નાખવાના વધુ બે બનાવ પોલીસ ચોપડે ચડયા છે. જેમાં રેલનગરમાં રહેતાં અને મવડી રોડ પર સેલ્‍ફમાં કાર ભાડે આપવાનું કામ કરતાં યુવાન પાસેથી ૧૬.૨૦ લાખની થાર કાર વડોદરા ચાર દિવસ માટે લઇ જવાનું કહીને મવડી વિસ્‍તારનો દર્પણ મણવર લઇ ગયા બાદ કાર પાછી ન આપી નહોતી અને આ કાર તારાપુરના સોજીત્રા ગામે આરીર વોરાને આપી દીધાનું કહી ફોન બંધ કરી દીધો હતો. આવી જ રીતે દર્પણ મવડી ચોકડીએ રહેતાં પોતાના મિત્ર ઇલેક્‍ટ્રીક કોન્‍ટ્રાક્‍ટરની ૯ લાખની સ્‍વીફટ કાર ૧૦ દિવસ માટે પુના ફરવા જવાના બહાને લઇ ગયા બાદ તારી કાર પુના પડી છે, લોકેશન મોકલુ પછી નીકળજો અને પુનાથી લઇ જજો તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. આ બંને બનાવમાં માલવીયાનગર અને તાલુકા પોલીસે ગુના દાખલ કર્યા છે. તાલુકા પોલીસ એક કાર સોજીત્રા ગામેથી લઇ આવ્‍યાનું જાણવા મળ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ  સાધુ વાસવાણી કુંજ રોડ સ્‍ટાર રેસીડેન્‍સી શીવાલાય ચોક રેલનગર આશાપુરા પેલેસ ખાતે રહેતાં ચંદ્રજીતસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી પણ નોંધાઇ છે. કાર ભાડે આપવાનું કામ કરતાં ચંદ્રજીતસિંહ પાસેથી દર્પણ રૂા. ૧૬,૨૦,૦૦૦ની થાર કાર ભાડેથી લઇ જઇ પાછી ન આપી ઠગાઇ કરી છે.

ચંદ્રજીતસિંહે જણાવ્‍યું છે કે હું મવડી મેઇન રોડ પર આનંદ બંગલા ચોક આનંદ પ્‍લાઝામાં જય સોમનાથ ેસેલ્‍ફ રેન્‍ટલ કાર નામે ઓફિસ ચલાવુ છું. હું ભાડેથી સેલ્‍ફ ડ્રાઇવીંગમાં કાર આપુ છું. મિત્ર બ્રીજરાજસિંહ સરવૈયા મને ધંધામાં મદદ કરે છે. ગત ૨૯/૧૦ના રોજ હું, મિત્ર બ્રિજરાજસિંહ, ક્રિપાલસિંહ, શુભમભાઇ સહિતના અમારી ઓફિસે હતાં ત્‍યારે અક શખ્‍સ આવ્‍યો હતો અને પોતાનું નામ દર્પણ મણવર કહ્યું હતું. તેણે વડોદરા જવા માટે થાર કાર ૪ દિવસના ભાડેથી માંગી હતી. જેથી અમે કહેલું કે અમારા પરીચયમાં હોય કે કોઇનો રેફરન્‍સ હોય તો જ કાર આપીએ છીએ તેમ કહેતાં દર્પણે કહેલું કે મારા એકાઉન્‍ટના મારા નામના બે કોરા ચેક આપુ છું તે તમે રાખો. કાર આપુ ત્‍યારે ચેક આપી દેજો.

આથી અમને વિશ્વાસ આવતાં થાર કારનું એક દિવસનું રૂા. ૭૫૦૦ ભાડુ નક્કી કરી બે દિવસનું ભાડુ ૧૫૦૦૦ રોકડેથી લઇ તેને જીજે૦૩પીજે-૯૪૨૩ નંબરની ૧૬,૨૦,૦૦૦ની કિંમતની થાર ભાડે આપી હતી. તેની પાસેથી આધાર કાર્ડની કોપી, ડ્રાઇવીંગ લાયસન્‍સની કોપી અને બે કોરા ચેક જામીનગીરી તરીકે લીધા હતાં. ત્‍યારબાદ તા. ૧/૧૧ના રોજ દર્પણનો મારા મિત્ર બ્રિજરાજસિંહ પર ફોન આવેલો અને કહ્યું હતું કે હજુ બે દિવસ મારે થાર કાર રાખવી પડશે, તેનું ભાડુ મોકલુ છું. એ પછી દર્પણનો કોઇ મિત્ર ઓફિસે આવી રૂા. ૧૫ હજાર રોકડા આપી ગયો હતો.

ત્‍યારબાદ ૪/૧૧ના રોજ દર્પણે કાર પાછી આપવાની હતી. પરંતુ અમે ફોન કરતાં તેણે કહેલું કે તમારી થાર કાર તારાપુર પાસેના સોજીત્રા ગામમાં આમીર વોરાને આપી દીધી છે. આટલુ કહી ફોન કટ કરી નાખ્‍યો હતો. અમે જીપીએસ સિસ્‍ટમ ચેક કરતાં છેલ્લુ લોકેશન સોજીત્રા ગામનું આવ્‍યું હતું એ પછી લોકેશન બંધ થઇ ગયું હતું. આ પછી દર્પણને અમે વારંવાર ફોન કર્યા હતાં પણ તેનો ફોન લાગ્‍યો નહોતો. અંતે અમારી સાથે ઠગાઇ થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ચંદ્રજીતસિંહે જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં માલવીયાનગરના એએસઆઇ કે. બી. શેખલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં તાલુકા પોલીસે મવડી ચોકડી ૧૫૦ રીંગ રોડ પર બ્‍લોક નં. ૨૮ ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં બાલાજી પરોઠા પાછળ રહેતાં બીપીનભાઇ રામજીભાઇ મારકણા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રીવેરા હોમ એપાર્ટમેન્‍ટમાં રહેતાં દર્પણ મનસુખભાઇ મણવર વિરૂધ્‍ધ ૯ લાખની કાર મહારાષ્‍ટ્ર ફરવા જવાના બહાને લઇ જઇ પરત ન આપી ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

બિપીનભાઇ મારકણા ઇલેક્‍ટ્રીક કોન્‍ટ્રાકટર તરીકે કામ કરે છે. તેની પાસે સ્‍વીફટ ડીઝાયર ૨૦૨૫ના મોડેલની જીજે૦૩પીજે-૪૯૦૭ નંબરની છે. તેણે જણાવ્‍યું છે કે ૨૭/૧૦ના રોજ મિત્ર દર્પણ મણવર સવારે અગીયારેક વાગ્‍યે મને નાના મવા રોડ કલ્‍યાણ પાર્ક પાસે ફોન કરીને મળવા આવ્‍યો હતો. તે વખતે તેણે કહેલુ કે મારે પુના-મહારાષ્‍ટ્ર ફરવા જવું છે, દસ દિવસ માટે તારી સ્‍વીફટ કાર જોઇએ છે. દર્પણ મિત્ર હોઇ જેથી મેં તેને મારી કાર આપી દીધી હતી. દસ દિવસ પછી પણ તે કાર આપવા ન આવતાં મેં તેને ફોન કરતાં તેણે કહેલું કે હજી બે દિવસ રોકાવુ ંપડશે.

ત્‍યારબાદ ૨૮/૧૧ના રોજ સાંજે સવા ચારે મેં ફરીથી દર્પણને ફોન કરી કહેલું કે મારી કાર ક્‍યારે પાછી આપવાની છે? ઘણા દિવસા થયા હવે. આથી તેણે કહેલું કે-હું તમને લોકેશન મોકલું પછી તમે નીકળજો, તમારી કાર પુના આવીને લઇ જજો. ત્‍યારબાદ મેં ફોન કરતાં તેનો ફોન બંધ થઇ ગયો હતો. બે દિવસ પછી મેં તેના પિતા મનસુખભાઇને મળીને વાત કરતાં તેણે કહેલું કે મારી સાથે દર્પણનો કોન્‍ટેક્‍ટ થશે તો હું વાત કરશી. પરંતુ આજ સુધી દર્પણનો ફોન બંધ આવતો હોઇ તે મને છેતરીને મારી ૯ લાખની કાર લઇ ગયાનું જણાતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં બીપીનભાઇએ કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દરમિયાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમે તારાપુરના સોજીત્રા ગામ સુધી તપાસ લંબાવી હતી. બીપીનભાઇની સ્‍વીફટ કાર પોલીસ શોધી લાવી છે. આરોપી દર્પણ અને સોજીત્રાનો આમીર સાથે મળી ભાડાની કાર મેળવી બારોબાર વેંચી મારવાનું કારસ્‍તાન ચલાવતાં હોવાની શંકાએ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

(2:29 PM IST)