News of Thursday, 11th December 2025
પ્રહલાદ પ્લોટની ચરણાટ હવેલીમાં કાલથી બે દિવસ શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટય ઉત્સવ
સર્વરોગ નિદાન કેમ્પ : આચાર્યશ્રીઓના પ્રવચન : મનોરથ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૧ : પ્રહલાદ પ્લોટમાં આવેલ ચરણાટ હવેલીમાં શ્રીમદ્દ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઇજી)નો પ્રાગટય ઉત્સવ તા.૧૨ અને તા. ૧૩ ના શનિવારે યોજવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ બે દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે કાલે તા.૧૨ના શુક્રવારે સવારે ૯ થી ૧૨ ચરણાટ હવેલી ખાતે જ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે. જેમાં ડો. કે. એમ. જોષી (અમેરીકા હર્બલ રીસર્ચફેલો) સેવા આપશે. જયારે સાંજે ૬ થી ૮ હવેલીમાં બિરાજમાન આચાર્યોશ્રીના પ્રવચનનો લાભ મળશે.
બીજા દિવસે તા. ૧૩ના શનિવારે શ્રીના વિવિધ મનોરથો તેમજ તિલક આરતીના દર્શન બપોરે ૧ વાગ્યે રાખેલ છે. તેમજ ચરણાટ હવેલીમાં બિરાજમાન સ્થાનિક આચાર્યશ્રી ગો.શ્રી ગોવિંદરાય મહારાજના આશીર્વાદથી તેમજ ગો. શ્રી મધુસુદનલાલજી (રૂચિર બાવાશ્રી) તેમજ ગો.શ્રી વલ્લભલાલજી (મગનરાયજી)ના સાનિધ્યમાં ચરણાટ હવેલી ૨૫ઁ/૪૩ પ્રહલાદ પ્લોટ ખાતેથી સાંજે ૫.૩૦ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ કરાશે.
જે પ્રહલાદ પ્લોટથી કરણપરા થઇ પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ થઇ પુનઃ ચરણાટ હવેલી ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. ત્યારબાદ વધાઇ કીર્તન અને ગો.બાલકો દ્વારા ઉત્સવનાયક શ્રી ગુંસાઇજીના ગુણગાન તેમજ બાલકોના કેશરી સ્નાન ક્રમ રાખેલ છે.
શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વૈષ્ણવોએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેહુલ ભગત, કલ્પેશ વાગડીયા, નિખીલ પાટડીયા, હર્ષ શેઠ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:40 PM IST)










