<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

મારવાડી યુનિ. ખાતે વાઇબ્રન્‍ટ સમીટઃ શહેરની ૧૦ અદ્યતન હોટલો બૂક કરાઇઃ કલેકટરે તમામ વિભાગોની કમિટી બનાવી

રેવન્‍યુ સ્‍ટાફના ઓર્ડરો હવે કેટલા કરોડના MOU તે જાન્‍યુઆરીમાં જાહેર કરાશે

રાજકોટ તા. ૧૧: સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રિજિયનની વાઈબ્રન્‍ટ સમિટ ૧૦થી ૧૨ જાન્‍યુઆરી દરમિયાન રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્‍ટ્ર ઝોનની વાઈબ્રન્‍ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્‍તારના ઉદ્યોગોને ફાયદો થવાની શકયતાઓ જોવાઈ રહી છે.જાન્‍યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્‍યું હતું કે, આગામી તાં.૧૦ થી ૧૨ જાન્‍યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સીટી ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ વાઇબ્રન્‍ટ સમીટ મળશે.

થોડા સમય પહેલા જ મહેસાણામાં ઉત્તર ગુજરાાત રિજિયનની વાઈબ્રન્‍ટ સમિટનું આયોજન કરાયું હતું. તેની માફક જ ૧૦ થી ૧૨ જાન્‍યુઆરી રાજકોટમાં રિજનલ વાઈબ્રન્‍ટ સમિટ યોજવાનો નિર્ણય કરાયો છે.

જેના માટે ‘‘મારવાડી યુનિવર્સિટી''માં ઈન્‍સપેક્‍સશન કરાયું હતું. મારવાડી યુનિવર્સિટીમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને અન્‍ય તમામ પ્રકારની વ્‍યવસ્‍થા ખૂબ જ સારી હોવાથી ત્‍યાં વાઇબ્રન્‍ટ સમિટ યોજવાનું નક્કી કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્‍ટ સમીટને લઇ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇ રાજકોટની નામાંકિત ૧૦ જેટલી હોટલો બુક કરવામાં આવી છે. સમીટના ભાગરૂપે કલેકટર દ્વારા તમામ વિભાગની કમીટીની પણ રચના કરી દેવામાં આવી છે.

ગત અઠવાડિયે જિલ્લા કલેકટર દ્વારા વીસી યોજી ઉદ્યોગકારોના પ્રશ્‍નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ મેળવવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઉધોગકારોને આ સમીટમાં ભાગ લેવા પણ આહવાન કરવામાં આવશે.

જાન્‍યુઆરીની શરૂઆતમાં કેટલા કરોડના એમઓયુ હાથ કરાશે, તેની વિગતવાર માહિતી બહાર પડાશે તેમ કલેકટરે ઉમેર્યું હતું.રાજ્‍ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર કન્‍ટ્રી બનાવવામાં આવ્‍યા છે. જેથી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્‍સપોર્ટની તક મળશે.

(2:42 PM IST)