News of Thursday, 11th December 2025
લાલપરી પાસે કરોડોની ૩૦ એકર જમીન ખાલી કરવા ધારાસભ્યના ત્રણ ભાઇને નોટીસો ફટકારાઇ
તાલુકા મામલતદાર દ્વારા કાર્યવાહી : ૭ દિ'નો સમય આપતા મકવાણા

રાજકોટ તા. ૧૧: રાજકોટ નજીકના અમરગઢ ભીચરી ગામે રેવન્યુ સર્વે નં. રર૮ પૈકી ૧ ની કરોડોની કિંમતની સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરી લેનાર ધારાસભ્યના ત્રણ પિતરાઇ ભાઇઓને સરકારી જમીન ખાલી કરવા રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ ગઇકાલે બપોરે ૩ વાગ્યા બાદ નોટીસ ફટકારતા અને ૭ દિ'નો સમય આપતા હલચલ મચી છે.
તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ આજે સવારે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગઇકાલે બપોર બાદ નોટીસ આપી છે, અને ૩૦ એકર જમીન ખાલી કરવા ૭ દિ'નો સમય આપ્યો છે.રાજકોટ ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના પિતરાઇ ભાઇ અને રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ગૌતમભાઇ નિર્મળભાઇ કાનગડ, ભરતભાઇ નિર્મળભાઇ કાનગડ અને નીતિનભાઇ નિર્મળભાઇ કાનગડ દ્વારા લાલપરી તળાવના કાંઠે આવેલી કરોડો રૂપિયાની કિંમતની અમરગઢ ભીચરી ગામના રેવન્યુ સરવે નંબર રર૮ પૈકી-૧ ની ૩૦ એકર સરકારી ખરાબાની જમીન કબજે કરી ખેતી વિષયક દબાણ કરી લેતા રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા દબાણ કેસ ચલાવી દબાણ કર્યાનું સાબિત માની મહેસૂલી કાયદાની કલમ ૬૧ મુજબ રૂ. ૧,૬૯,૯૭૪ દંડ ફટકારી દબાણ ખુલ્લું કરવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, લાલપરી તળાવ કાંઠા તરીકે ઓળખાતી જમીન વર્ષ ૧૯૬૯માં મૂળ ખાતેદાર પાસેથી તેમના પિતાએ ૪૦ એકર જમીન ખરીદી હોવાની કાનગડ બંધુઓએ દલીલ કરી હતી. જોકે આસિસ્ટન્ટ કલેકટરે આ દલીલ ફગાવી જમીન પર દબાણ હોવાનો મામલતદારનો હુકમ રાખ્યો હતો.
(3:08 PM IST)










