તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th December 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૯.૨૦ લાખ કવીન્ટલ મગફળી ખરીદાઈઃ ખેડૂતોને ૭૨૭ કરોડનું ચૂકવણું કરાયું
અતિવૃષ્ટિ-કમોસમી વરસાદમાં કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જીલ્લાના ખેડૂતોને ૪૦૦ કરોડ ચૂકવાયા :સોયાબીનમાં ૧૫૨૦૦નું રજીસ્ટ્રેશનઃ ૧ લાખ કવીન્ટલની ખરીદીઃ ૧૬ કરોડ ચૂકવાયા

રાજકોટ, તા.૧૧: રાજ્યના ૧૬૦થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૩૩ સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧.૭૪ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયુ હતું. અત્યાર સુધીમાં ૮૨ હજાર ખેડૂતો પાસે કુલ ૧૯.૨૦ લાખ કવીન્ટલ મગફળી ખરીદી થઇ ચુકી છે.રાજકોટ જિલ્લાના ૩૩ સેન્ટરો પર અત્યાર સુધીમાં ૭૨૭ કરોડની મગફળી ખરીદી કરવામાં આવી છે.અત્યાર સુધીમાં મગફળી, સોયાબીન અને પાક નુકશાની વળતરના કુલ ૧૧૫૦ કરોડ ચૂકવાઈ ગયા છે.
જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં લાખો ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ ખરીદી કરવામાં આવી રહયા છે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના ૧૩૫૬ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ.૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ.૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે.
કલેકટરે ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ ગઈ છે. ૧૫ નવેમ્બરથી આ ખરીદી કરવામાં આવી રહી છે. સોયાબીનમાં જિલ્લાના ૧૫૨૮૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં અત્યાર સુધીમાં ૧ લાખ કવીન્ટલ સોયાબીનની ખરીદી થઈ ચૂકી છે.
તેમણે ઉમેર્યુ હતું કે, કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂ.૧૦૦૦૦ કરોડનું કળષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં જિલ્લામાં કુલ ૨.૨૬ લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી છે. ૬૫૨ જેટલા ગામડાઓમાં પુરજોશમાં કામગીરી ચાલી હતી. અતિવળષ્ટીમાં પાક નુકસાની માટે જિલ્લામાં કુલ રૂ.૪૦૦ કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે
(3:09 PM IST)










