News of Friday, 12th December 2025
રાજકોટમાં રાપરના એસઆરપીમેન ગજુભાનો રાયફલથી છાતીમાં ગોળી ધરબી આપઘાત
પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પર નાઇટ ડયુટીમાં હતાં ત્યારે ૩:૩૦ કલાકે બનાવ : ગજુભા જીલુભા રાઠોડ (ઉ.વ.૫૦)ના પગલાથી સાથી કર્મચારીઓ, પરિવારજનોમાં ગમગીનીઃ કારણ જાણતાં નહિ હોવાનું પરિવારજનોનું કથનઃ ભાઇઓ સહિતના પરીવારજનો વતનમાં રહે છેઃ સંતાનમાં બે દિકરીઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી : બજરંગવાડી પુનિતનગરમાં નિવૃત આસી સબ ઇન્સ. નિરંજનભાઇ જાનીએ ફાયરીંગ કરી આત્મહત્યા કર્યાના બીજા જ દિવસે એસઆરપીમેને ચાલુ ફરજે મોત મેળવ્યું: પોલીસબેડામાં અરેરાટી : ગાર્ડ ઓફ ઓનર અપાયું

સર્વિસ રાયફલથી છાતીમાં ભડાકો કરી લેનારા એસઆરપીમેન જીલુભા રાઠોડનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને જ્યાં ઘટના બની તે પોલીસ કમિશનર કચેરી અને તેમની ફરજ જે ગેઇટ પર હતી તે ગેઇટ જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
ઓન ડયુટી આત્મહત્યા કરી લેનારા એસઆરપીમેન જીલુભા રાઠોડને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એસઆરપીના અધિકારીઓ આર્મ્ડ યુનિટના ડીજી પી. કે. રોશન અને ડીવાયએસપી એન. એ. બારડ દ્વારા શ્રધ્ધાંજલી આપી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૨: શહેરમાં જામનગર રોડ પર પુનિતનગરમાં રહેતાં પોલીસ કન્ટ્રોલ રૂમના નિવૃત આસી સબ ઇન્સ. નિરંજનભાઇ આર. જાનીએ પરમ દિવસે રાતે પોતાના ઘરે પરવાનાવાળી રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધાની ઘટના તાજી જ છે ત્યાં હવે પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પર નાઇટ ડયુટીમાં ફરજ બજાવી રહેલા એસઆરપીમેને વહેલી પરોઢ સાડા ત્રણેક વાગ્યે ઓનડયુટી હતાં ત્યારે પોતાની સર્વિસ રાયફલથી છાતીમાં ગોળી ધરબી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મુળ કચ્છના રાપર પંથકના વતની એસઆરપીમેન હાલ ધર્મપત્નિ સાથે જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે રહેતાં હતાં. તેમણે આ પગલુ શા માટે ભર્યુ? તેનાથી પરિવારજનો પણ અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર કેમ્પ ક્વાર્ટરમાં રહેતાં એસઆરપી ગ્રુપ-૧૩ સી કંપનીના કોન્સ્ટેબલ ગજુભા જીલુભા રાઠોડ (ઉ.વ.૫૦)ની નોકરી રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે હોઇ ગઇકાલે તેમની નાઇટ ડયુટી હોવાથી તે સમયસર નોકરી પર હાજર થઇ ગયા હતાં. આ પછી રાતે ૩:૩૦ કલાકે પોલીસ કમિશનર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર કે જે ગેઇટ નં. ૩ તરીકે ઓળખાય છે ત્યાં ફાયરીંગનો અવાજ થયો હતો. આથી કર્મચારીઓ દોડી ગયા હતાં. તપાસ થતાં ફરજ પર રહેલા એસઆરપી જવાન ગજુભા રાઠોડે સર્વિસ રાયફલથી પોતાની છાતીમા ભડાકો કરી લીધાનું જણાતાં સોૈ ચોંકી ગયા હતાં.
તુરત જ ગજુભાને લોહી નીતરતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે પઃ૫૦ કલાકે તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો રાજકોટ, કચ્છથી હોસ્પિટલે પહોંચ્યા હતાં. એસઆરપી ગ્રુપના કમાન્ડન્ટ ભરતસિંહ ઝાલા સહિતના પણ હોસ્પિટલે પહોંચી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહે જાણ કરતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ રાણીંગા, જયંતિભાઇ સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આત્મહત્યા કરી લેનારા ગજુભા જીલુભા રાઠોડ મુળ કચ્છના રાપર તાબેના મોડા ગામના વતની હતાં. તે પોતાના પત્નિ સાથે ઘંટેશ્વર કેમ્પ ક્વાર્ટરમાં રહેતાં હતાં. સંતાનમાં બે દિકરી છે. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમના ભાઇઓ સહિતના પરિવારજનો વતન કચ્છમાં રહે છે. જીલુભા જે કંપનીમાં ફરજ બજાવતાં હતાં તે સી-કંપની રાજકોટમાં છ મહિનાથી મુકાઇ છે. સગાના કહેવા મુજબ જીલુભાને આત્મહત્યા કરવી પડે તેવું કોઇ કારણ હાલ અમારી નજર સામે નથી. તેમણે આ પગલુ શા માટે ભર્યુ? તેની અમને પણ ખબર નથી. અંતિમવિધી બાદ પોલીસ પરિવારજનો, સાથી કર્મચારીઓ સહિતના નિવેદન નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ કરશે. આ ઘટનાથી એસઆરપી ગ્રુપમાં તથા પોલીસબેડામાં શોક છવાઇ ગયો છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતકને એસઆરપીના આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ પી. કે. રોશન અને ડીવાયએસપી એન. એ. બારડ સહિતના તરફથી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
(3:00 PM IST)










