તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
ઓવરટેઇક મામલે આજી વસાહતના રિક્ષાચાલક અને તેના માતા પર હુમલોઃ કપાળે પથ્થર ફટકાર્યો
ભાવનગર રોડ પર બનાવઃ બે શખ્સો સામે થોરાળા પોલીસની કાર્યવાહી માતા, પત્નિ, દિકરી સાથે સગાઇ પ્રસંગમાંથી પરત ફરતી વખતે બનાવઃ ચાલકે રિક્ષાને બાઇક અડાડવા પ્રયાસ કરતાં તેને આગળ જવાનું કહેતાં માથાકુટ કરી

રાજકોટ તા. ૧૨: પોતાના માતા, પત્નિ અને દિકરીને રિક્ષામાં બેસાડીને થોરાળા પોલીસ સ્ટેશનવાળા રોડથી આગળ પહોંચેલા રિક્ષાચાલક યુવાનને ઓવરટેઇક કરવા બાબતે બાઇક પર આવેલા બે શખ્સોએ રિક્ષાચાલકને ગાળો દઇ ઢીકાપાટુ મારતાં તેના માતા વચ્ચે પડતાં તેને પણ માર મારતાં અને બાદમાં રોડ પરથી પથ્થર ઉપાડી રિક્ષાચાલકને કપાળે ઘા ફટકારી લોહીલુહાણ કરી દેતાં દેકારો મચી ગયો હતો. આ બનાવમાં થોરાળા પોલીસે આજી વસાહત એંસી ફુટ રોડ પર ખોડીયારનગર-૧૪માં રહેતાં દિલીપભાઇ ઉર્ફ મહારાજ શાંતિરામ મોહનદાસ ગોંડલીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બે મોટરસાઇકલના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
દિલીપભાઇ ગોંડલીયાએ ફયિરાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. સંતાનમાં મારે એક દિકરો અને એક દિકરી છે. તા. ૭/૧૨ના રોજ મારા કાકાના દિકરા ગોપાલભાઇ જે ચોટીલા રહેતાં હોઇ તેની દિકરીનો સગાઇ પ્રસંગ હોઇ હું અને મારા માતા સુશીલાબેન, પત્નિ ભાવનાબેન, દિકરી દ્રષ્ટી સહિતને મારી રિક્ષા નં. જીજે૦૩બીએચ-૨૮૨૧માં બેસાડીને સવારે સાડા સાતેક વાગ્યે ચોટીલા ગયા હતાં. ત્યાંથી સાંજે સાડા ચારેક વાગ્યે પરત રાજકોટ આવવા નીકળ્યા પછી સવા છએક વાગ્યે થોરાળા પોલીસ સ્ટેશનથી આગળ પહોંચ્યા ત્યારે ત્યાં રોડનું કામ ચાલુ હોઇ જેથી ડિવાઇડર પાસેથી ડાયવર્ઝન અપાયુ હોઇ મેં મારી રિક્ષા અમુલ સર્કલ તરફથી આવતાં વાહનોવાળી લાઇનમાં લીધી હતી.
બાદમાં ભાવનગર રોડ પર શુભમ્ એન્ટરપ્રાઇઝ સામે રોડ પર પહોંચતા બે અજાણ્યા બાઇકચાલકો મારી પાછળ આવ્યા હતાં અને મારી રિક્ષા સાથે બાઇક અથડાવવાની કોશીષ કરી હતી. જેથી મેં તેના વાહન નંબર જોતાં જીજે૦૩એલસી-૦૧૯૧ હતાં. આથી મેં તેના ચાલકને કહેલું કે ભાઇ આગળ જતાં રહો. જેથી બંને બાઇકના ચાલકને આ ન ગમતાં મને ચાલુ વાહને ગાળો દેવા માંડયા હતાં. મારા પરિવારના સભ્યો સાથે હોઇ મેં રિક્ષા ઉભી રાખી દીધી હતી. આથી આ બંને શખ્સો પણ તેના બાઇ ઉભા રાખી મારી પાસે આવ્યા હતાં અને ફરીથી ગાળો દઇ ઝપાઝપી કરવા માંડયા હતાં.
આ વખતે મારા માતા સુશીલાબેન વચ્ચે પડતાં તેને આ બંનેએ ઢીકાપાટુ મારી લીધા હતાં. તેમજ એક શ્ખ્સે રોડ પર પડેલો પથ્થર ઉપાડી મને કપાળે ફટકારી દેતાં લોહી નીકળવા માંડયું હતું. જેથી મારા માતા, પત્નિ, દિકરીએ રાડારાડ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આથી હુમલો કરનારા બંને ચુનારાવાડ ચોક તરફ ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં મને સારવાર માટે ખસેડાયો હતો. જે તે વખતે મારા પરિવારના લોકો ખુબ ગભરાઇ ગયા હોઇ અમે ફરિયાદ કરી નહોતી. હવે સ્વસ્થ થઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. બાઇક ચાલકે ઓવરટેઇક કરવા મામલે અમારી સાથે ગાળાગાળી કરી હતી અને મને તથા મારા માતાને ઢીકાપાટુ મારી મને પથ્થરથી પણ ઇજા કરી હતી. તેમ વધુમાં દિલીપભાઇએ જણાવતાં થોરાળા પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










