News of Friday, 12th December 2025
બંસીધર પાર્કમાં રેસ્ટોરન્ટ સંચાલકના મકાનમાં રૂા.૪૪ હજારની ચોરી
છ દિવસ પહેલા રાત્રે રૈયા સર્કલ પાસે ફૂટપાથ પર લોકોને રામ રોટી ખવડાવવા ગયા'તાઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા.૧૨: રૈયાધારની સામે આવેલા બંસીધર પાર્કમાં રહેતા રેસ્ટોરન્ટના સંચાલકના મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂા.૪૪ હજારની માલ મતા ચોરી જતા ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર શાંતીનગરના ગેઈટની સામે આવેલા બંસીધર પાર્કમાં રહેતા તેજસભાઈ અશ્વીનભાઈ જોષી (ઉ.વ.૪૫) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેજસભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમજ રામરોટી જમાડી સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે, તેથી ગત તા.૬ના રોજ તે ઘરેથી રાત્રે સાડા બારેક વાગ્યે રૈયાસર્કલ પાસે ફૂટપાર્થ ઉપર રહેતા લોકોને રામરોટી જમાડવા માટે ગયા હતા અને પત્ની તથા પુત્ર બંને ઘરે ઉપરના રૂમમાં સુતા હતા, બાદ તેઓ રામરોટી જમાટીને સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા, ત્યારે ઘરના નીચેના મેઈન ડોરના દરવાજાનો નકુચો તુટેલો હતો. તેણે અંદર જઈ જોયું તો અમારા રસોડાનું ફ્રીઝ આડુ પડેલુ હતું. અને બાજુનો કબાટ ખુલ્લો હતો. તેમાં ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી જોતા તેણે રૂમમાં તપાસ કરતા પુત્રના ટેબલના ખાનામાં રાખેલા પાકીટમાંથી રૂા.૨૦૦ તથા રૂા.૭૦૦૦ની કિંમતની પાંચેક ઘડીયાળ તથા ઈયરબર્ડ સહિતની ચીજવસ્તુ ગાયબ હતી. બાદ તેણે પત્નીને બોલાવીને જાણ કરતા બંનેએ તપાસ કરતા કબાટમાંથી રૂા.૨૦ હજારની રોકડ તથા સાત જેટલા ચાંદીના સીક્કા, મંદીરમાં રાખેલા રૂા.૫૦૦ જોવા ન મળતા ચોરી થઈ હોવાની ખબર પડી હતી.
આ બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઈ. જે.એલ.બાબા સહિતે સ્થળ પર પહોંચી તેજસભાઈની ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી છે.
(2:43 PM IST)










