News of Saturday, 13th December 2025
ખીજડાવાળા રોડ પર ચામુંડાનગરમાં ચકરડીવાળા યુવાન અને ગેરેજ સંચાલક વચ્ચે બઘડાટીઃ સામ-સામી ફરિયાદ
૨૦ દિવસ પહેલા અનિકેત રાઠોડે ભાડેથી લાવીને રાખેલી કારમાં હાર્દિકે તોડફોડ કરી બાદમાં તેના મિત્ર સોનુએ સળગાવી નાખ્યા બાદ સમાધાન મુજબ ખર્ચ નહિ આપતાં ફરિયાદ કરતાં ખાર રાખી ફરીથી ડખ્ખો કર્યો : અનિકેત રાઠોડને હાર્દિકે પકડી લીધો અને સોનુ ભૈયાએ ગળે છરી મુકી ધમકી દીધીઃ સામે હાર્દિક સભાડને પણ અનિકેત, તેના માતા, પિતા, બહેન સહિતે બેફામ ફટકાર્યોઃ માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૩: વીસેક દિવસ પહેલા માયાણીનગર ખીજડાવાળા રોડ પર ચામુંડાનગરમાં રહેતાં અને શેરીએ ગલીએ બાળકોની ચકરડી ફેરવી ગુજરાન ચલાવતાં યુવાનની ચકરડી અને તેણે ભાડેથી લાવીને રાખેલી કારમાં ન્યુ અમરનગરના ગેરેજ સંચાલક શખ્સે જુના મનદુઃખને લીધે તોડફોડ કરી તેમજ બાદમાં સળગાવી દીધી હોઇ આ બાબતે ફરિયાદ કરતાં તેનો ખાર રાખી ગત રાતે ફરીથી આ યુવાન પર છરી, સિમેન્ટ બ્લોકથી ગેરેજ સંચાલક સહિત બે જણાએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી બેફામ માર મારતાં અને ગળે છરી રાખી ધમકી આપતાં ચકરડીવાળા યુવાન અને તેના પરિવારજનોએ પણ વળતો ઘા કરતાં હુમલાખોર ગેરેજ સંચાલકને પણ ગંભીર ઇજા થઇ હતી.
માલવીયાનગર પોલીસે આ અંગે સામ-સામે ફરિયાદ દાખલ કરી છે. ખીજડાવાળા રોડ પર ચામુડાનગર-૧માં રહેતાં અનિકેત મનોજભાઇ રાઠોડ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી હાર્દિક સભાડ અને સોનુ ભૈયાજી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અનિકેત પરિવાર સાથે રહે છે અને બાળકોની ચકરડી શેરીએ ગલીએ ફેરવી મજૂરી કરી ગુરજાન ચલાવે છે. અનિકેતે જણાવ્યું હતું કે એકાદ મહિના પહેલા મારા ઘરે દિકરી હેતાંશીનો જન્મ થયો હોઇ અને દિકરીનો વજન ઓછો હોઇ ડોક્ટરે બેબીને કાચની પેટીમાં રાખવાી પડશે તેમ કહ્યું હતું. આ પછી અમે દિકરીને ઘરે લઇ ગયા હતાં. તેના દસ દિવસ બાદ અમે તેને ચોટીલા પગે લગાડવાની માનતા રાખી હોઇ હું સેલ્ફ ડ્રાઇવીંગમાં કાર ભાડે આપતાં હિરેનભાઇ પાસેથી વરના ગાડી ૨૦/૧૧ના રોજ ભાડેથી લઇને મારા ઘર પાસે રાખી હતી. આ વખતે સાંજે છ પછી હાર્દિક અને સોનુ ભૈયાજીએ મારા ઘર પાસે આવી મારી ચકરડીમાં ધોકા ફટકારી તોડફોડ કરી હતી અને મેં ભાડાની કાર લાવીને ઘર પાસેર ાખી હોઇ તેમાં પણ તોડફોડ કરી હતી. તેમજ અમારી જ્ઞાતિ વિશે જેમતેમ બોલી તમારે ગાડી લેવાની ત્રેવડ છે? તેવુ કહી જતાં રહ્યા હતાં.
બાદમાં હાર્દિકના પિતાએ ગાડી રીપેરીંગનો ખર્ચ આપી દેવાનું કહી સમાધાનની વાત કરી હતી. એ પછી મોડી રાતે બે વાગ્યે આ કાર કોઇ સળગાવી ગયું હતું. પછી ખબર પડી હતી કે કાર હાર્દિકના મિત્ર સોનુ ભૈયાજી અને આર્યન ઉર્ફ તાલીએ સળગાવી હતી. જેથી મેં ફરિયાદ કરી હતી. આ બાબતે મનદુઃખ હોઇ શુક્રવારે ૧૨મીએ રાતે સાડા દસેક વાગ્યે હું એક્ટીવા લઇ મારા ઘર પાસે શેરીમાં પહોંચ્યો ત્યારે હાર્દિક સભાડ, સોનુ ભૈયાજી આવ્યા હતાં. મને હાર્દિકે પકડી રાખ્યો હતો અને સોનુએ છરી ગળા પર રાખી આ ફેરવી દઇશ તો અહિ જ પુરૂ થઇ જશે, અમારા વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ કરવા કેમ ગયો હતો? તેમ કહી ધમકી દીધી હતી.
પછી પાછો તે દોડીને આવી મને છરી મારાવ જતાં મેં છરી પકડી લીધી હતી. જેથી હાર્દિકે મને માથામાં આડેધડ ઉંધી છરીના ઘા માર્યા હતાં. ઝપાઝપીમાં તેના હાથમાંથી છરી પડી જતાં ત્યાં સિમેન્ટનો બ્લોક પડયો હોઇ તે ઉપાડી મને ડાબા પગે ઘા મારી દીધા હતાં. સોનુએ બેફામ ગાળો દઇ તને જીવતો નથી રહેવા દેવો, અમાર વિરૂધ્ધ કેમ ફરિયાદ કરે છે? કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. આ વખતે મારા મમ્મી જોશનાબેન, મારી બહેન હીનાબેન, માસીની દિકરી સહિતના આવી જતાં મને છોડાવ્યો હતો. બાદમાં સારવાર માટે ખસેડાય્યો હતો. પોલીસ પણ આવી ગઇ હોઇ પોલીસ તેને લઇ જતી હતી ત્યારે પણ તે મને જ્ઞાતિ વિશે જેમ તેમ બોલતો હતો અને તને જીવતો નહિ જ રહેવા દઉં તેવી ધમકી આપતો હતો. તેમ વધુમાં અનિકેતે જણાવતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.
આ બનાવમાં સામા પક્ષે ચંદ્રેશનગર મેઇન રોડ પર ન્યુ અમરનગર-૭માં રહેતાં અને માયાણનીગર ક્વાર્ટર સામે પિતાજી સાથે ગેરેજ-સર્વિસ સ્ટેશનમાં કામ રતાં હાર્દિક હીરાભાઇ સબાડ (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી અનિકેત, તેના મામાનો દિકરો યશ, અનિકેતના માતા, બહેન, પિતા અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
હાર્દિક સભાડે જણાવ્યું છે કે રાત્રે સાડા દસેક વાગ્યે હું અને મારો મિત્ર સોનુ બંને એક્ટીવા લઇ પિતાજીના ગેરેજથી અમારા ઘર તરફ જવા નીકળ્યા ત્યારે એક્ટીવાની પાછળ હું બેઠો હતો. અમે ખીજડાવાળા રોડ પર માયાણીનગર ચામુંડાનગર-૧ના ખુણે પહોંચ્યા ત્યારે અનિકેત સહિતનાએ અમારા એક્ટીવા આડે આવી ઉભા રાખતાં સોનુ એક્ટીવા ઉભુ રાખી સાઇડમાં ઉભો રહી ગયો હતો. આ વખતે અનિકેતે મને-તે અમારી ગાડી કેમ સળગાવી, ગાડી સળગાવવાનો ખર્ચ તું કેમ નથી આપતો? કહી ઝઘડો કરી ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. બાદમાં છરી કાઢી હુમલો કરી નાક ઉપર ઘા મારી દીધો હતો. બીજો ઘા માથામાં ડાબી બાજુ અને એક ઘા જમણી બાજુ મારી દીધો હતો.
હું બૂમાબૂમ કરવા માંડતા મિત્ર સોનુ વચ્ચે પડતાં તેને પણ આ લોકોએ મારકુટ કરતાં તે ભાગી ગયો હતો. આ પછી અનિકેત સાથે ઉભેલા તેના મામાના દિકરા યશે મને પકડી લીધો હતો અને બીજા લોકોએ ઢીકાપાટુ માર્યા હતાં. ફરીથી અનિકેતે છરીથી મને એક ઘા જમણા સાથળમાં મારી દીધો હતો. આ પછી મને ઝપાઝપી કરી પાડી દીધો હતો. બાદમાં અનિકેતના માતા, પિતા, બહેન સહિતનાએ આવી છાતીમાં ઢીકાપાટા માર્યા હતં. તેની બહેને સિમેન્ટના બ્લોકથી મોઢા-માથામાં ઘા ફટકાર્યા હતાં જેથી હું લોહીલુહાણ થઇ ગયો હતો.
દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં મારો મિત્ર ચંદ્રેશ ઉર્ફ લાલો આવી ગયો હતો અને તેણે પોલીસને ફોન કર્યો હતો. બાદમાં અમે માલવીયાનગર પોલીસ સ્ટેશને ગયા હતાં અને ત્યાંથી ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. વીસેક દિવસ પહેલા અનિકેતની ગાડી મેં સળગાવી દીધી હતી. જેનો ખર્ચ મેં આપ્યો ન હોઇ જેથી મારા વિરૂધ્ધ ગાડી સળગાવવાનો કેસ કર્યો હતો. આ વાતે મનદુઃખ ચાલતું હોઇ મને આંતરીને હુમલો કરાયો હતો. તેમ વધુમાં હાર્દિકે કહ્યું હતું. બંને બનાવમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડ અને હેડકોન્સ. પી. એચ. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:14 PM IST)










