News of Saturday, 13th December 2025
શહેરના ૩૫ પાનના ગલ્લાઓ પર એસઓજીના દરોડા-ચેકીંગઃ નશા માટે ઉપયોગી ગોગો સ્ટ્રીપ અને ૩૦૦ ખાલી ચલમોનો નાશ કરાયો
પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમોની કાર્યવાહીઃ કાલાવડ રોડ, કિશનપરા, રૈયા રોડ, કુવાડવા રોડ અને જંગલેશ્વર વિસ્તારના પાન-ગલ્લાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા

રાજકોટઃ શહેરનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાની સૂચના અનુસાર શહેર એસઓજીએ ગેરકાયદેસર પ્રવળત્તિઓ ડામવા માટે સપાટો બોલાવ્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ પાન-ગલ્લાઓ પર યુવાનો દ્વારા ઈ-સિગારેટ અને ખાસ કરીને ગાંજા જેવા નશાકારક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર્સનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ ની ટીમે આ કામગીરી કરી હતી. આ ચેકિંગમાં મુખ્યત્વે કાલાવડ રોડ, કિશાનપરા, રૈયા રોડ, કુવાડવા રોડ અને જંગલેશ્વર વિસ્તારના પાન-ગલ્લાઓ ખાતે તપાસ કરાઇ હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ યુવા પેઢીને નશાના માર્ગે ધકેલતા ગેરકાયદેસર વેચાણ પર નિયંત્રણ લાવવાનો હતો. પોલીસના આ સઘન ચેકિંગ દરમિયાન ગલ્લાઓ પરથી ગોગો પેપર્સ અને ઈ-સિગારેટના જથ્થાની તપાસ કરવામાં આવી હતી. ૩૫ ગોગો સ્ટ્રીપ અને ૩૦૦ નંગ ખાલી ચીલમ મળી આવતાં તેનો નાશ કરાયો હતો અને વેપારીઓને આ પ્રકારની વસ્તુઓનું વેંચાણ નહિ કરવા કડક સુચના સાથે સમજ અપાઇ હતી.
(2:18 PM IST)










