News of Saturday, 13th December 2025
‘વોટ ચોર - ગાદી છોડ'ના નારા સાથે આવતીકાલે દિલ્હીમાં કોંગ્રેસની મહારેલીઃ રાજકોટના પ્રતિનિધિઓ રવાના
રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને જન-નાયક રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં હેરાફેરી, વોટ ચોરી, મતદારોનું દમન અને ચૂંટણીના ડેટાની ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા જંગી રેલીનું આયોજનઃ શાસકોની કથિત મિલીભગતથી લોકશાહી ખતમ થઈ રહી છેઃ ડો. રાજદીપસિંહજી જાડેજા

રાજકોટ, તા. ૧૩: દેશના લોકશાહી મૂલ્યો અને જનમતનું સન્માન જાળવવાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે, તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ, દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક વિશાળ ‘વોટ ચોર - ગાદી છોડ' મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા સહિતના પ્રતિનિધિઓ દિલ્હી જવા રવાના થયા છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં કથિત હેરાફેરી, વોટ ચોરી, મતદારોનું દમન અને ચૂંટણીના ડેટાની ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા માટે આ જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે શાસકોની કથિત મિલીભગતથી લોકશાહી ખતમ થઈ રહી છે. તાજેતરમાં ‘એસઆઇઆર' પ્રક્રિયા દ્વારા મતદાર યાદીમાં અનેક નામો બેવડાયા હોવાનો ભાંડાફોડ થયો છે, જે લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી પાડે છે.
આ મહારેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને જન-નાયક રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ યોજાશે. સમગ્ર ભારતમાંથી કોંગ્રેસના પ્રતિનિધિઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે.
ગુજરાતમાંથી પણ આ રેલીમાં સક્રિય સહભાગિતા રહેશે. રાજકોટ શહેર અને જિલ્લામાં ‘વોટ ચોર - ગાદી છોડ' ઝુંબેશ અંતર્ગત એકત્ર કરાયેલી લાખો સહીઓ આ મહારેલીમાં જમા કરાવવામાં આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની આગેવાની હેઠળ, નીતિનભાઈ ભંડેરી, ચિંતનભાઈ દવે, પ્રશાંતભાઈ પંડયા અને જીગ્નેશભાઈ મહેતા સહિતના અગ્રણીઓ આ જંગી જનસભા અને મહારેલીમાં જોડાવા માટે દિલ્હી જવા રવાના થયા છે. આ રેલી આવતીકાલે રવિવારે (તારીખ ૧૪ ડિસેમ્બર) બપોરે ૧ કલાકે રામલીલા મેદાન ખાતેથી શરૂ થશે.
(2:48 PM IST)










