તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th December 2025
કોટડાના સાંઢવાયામાં એકી સાથે ૭પ ગાયોના મોતથી હાહાકારઃ કલેકટર-ડીડીઓ બંને દોડયાઃ સેમ્પલ પુના-ગાંધીનગર મોકલાયા
ગાંધીનગરમાં ઘેરા પડઘા : તાબડતોબ રીપોર્ટ મંગાવાયોઃ જીલ્લાભરના પશુ ડોકટરોનો કાફલો ગામમાં ઉતારી દેવાયો કલેકટરનો સંકેત ૧૧મીએ દાતાઓ તરફથી મગફળીનો ખોળ અપાયો, ત્યાર બાદ આ ઘટના ઉદભવી છે

રાજકોટ, તા., ૧૩ : રાજકોટના કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે ૭પથી વધુ ગાયોના મોત થતા હાહાકાર મચી ગયો છે. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના મોત થયા છે. જ્યારે ફૂડ પોઇઝનિંગની અસરથી મોત થયાનુ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા ખાતે દોડી ગયા હતા.
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડો. પ્રકાશ એ જણાવ્યું હતું કે ૧૧ તારીખના રોજ દાતાઓ દ્વારા મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જ મોતની ઘટના જોવા મળી હતી અને જે વિસ્તારમાં આપવામાં આવ્યો તે વિસ્તારમાં જ આ મોતની સંખ્યા જોવા મળી રહી છે છેલ્લા બે દિવસમાં ૭૫ જેટલી ગાયોના મોત નીપજ્યા છે. ગઈકાલે ૭૦ ગાયોના મોત નીપજ્યા હતા અને આજે સવારે બીજા દિવસે ૫ જેટલી ગાયોના મોત નીપજ્યા હતા. હાલ ગાયોના મૃત્યુ થતા અટકયા છે. જિલ્લાના તમામ પશુ ડોક્ટરોનો કાફલો કોટડા સાંગાણી ખાતે સાંઢવાયા ખાતે ઉતારી દેવાયો છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે હાલ ગાયોના મોતના કારણ જાણવા માટે ફૂડ સેમ્પલ તેમજ અન્ય અલગ-અલગ સેમ્પલો લઈ ગાંધીનગર તેમજ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ તમામ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના લોકો મુંગા પશુઓને બચાવા તમામ પ્રયાસો કરી રહયા છે.
વધુમાં જાણવા મળે છે કે બે દિવસમાં ૭પ થી વધુ ગાયોના મોત નિપજતા ગાંધીનગરમાં ઘેરા પડઘા પડયા છે. પશુપાલન ખાતાએ કલેકટર-ડીડીઓ બંને પાસે રીપોર્ટ મંગાવ્યો છે. જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.એસ.વી.ગરારા સહિતની પશુપાલન શાખાની ટીમ ખડેપગે છે. કુલ ૧પ૦ જેટલા ગૌવંશને અસર થયેલ તે પૈકી ૭પ થી વધુના મૃત્યુ થયા છે.
(3:58 PM IST)










