<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ધોરણ-૯ની છાત્રાને ઇન્‍સ્‍ટાગ્રામમાં રિક્‍વેસ્‍ટ મોકલી પીછો કરી પજવણીઃ બે ઢગા પકડાયા

બાળાએ ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ ડિલીટ કરી નાંખી છતાં સંપર્ક કરવા પ્રયાસ કર્યોઃ જાતીય સતામણીનો ગુનો નોંધી નરેન્‍દ્ર મકવાણા અને માલવી ચોૈહાણને તાલુકા પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા. ૧૩: શહેરમાં રહેતી અને ધોરણ-૯માં અભ્‍યાસ કરતી એક વિદ્યાર્થીનીને બે શખ્‍સોએ ઇન્‍સ્‍ટાગ્રામમાં ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી તેમજ તેણીનો મોબાઇલ નંબર મેળવવા પ્રયાસ કરી તેનો વારંવાર પીછો કરી હેરાન પરેશાન કરવામાં આવતાં અને તેણીએ રિક્‍વેસ્‍ટ ડીલીટ કરી નાંખી છતાં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તુરંત કાર્યવાહી કરી ગુનો દાખલ કરી બંને શખ્‍સને ઝડપીલઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર ધોરણ-૯માં અભ્‍યાસ કરતી ૧૩ વર્ષની વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી નરેન્‍દ્ર જેઠાભાઇ મકવાણા અને માલવી જીતેન્‍દ્રભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ જાતીય સતામણી, પોક્‍સો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ બાળાને આરોપીઓ નરેન્‍દ્ર અને માલવે અઠવાડીયા પહેલા ઇન્‍સ્‍ટાગ્રામમાં ફ્રેન્‍ડ રીક્‍વેસ્‍ટ મોકલી હતી અને તેણીના મોબાઇલ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ બાળા પોતે  આ બંનેને ઓળખતી ન હોઇ રિક્‍વેસ્‍ટ ડીલીટ કરી નાંખી હતી. આમ છતાં આ બંનેએ તેણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્‍યું હતું. અંતે બાળાએ આ અંગે વાલીને જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પીઆઇ ડી. એમ. હરીપરાએ ગુનો દાખલ કરી બંને આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. 

(4:00 PM IST)