તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 13th December 2025
પુરવઠા તંત્રનો ડીસેમ્બરનો પરિપત્ર તાકીદે રદ કરો : નવેમ્બરનો પરીપત્ર ફરીથી લાગુ કરોઃ દુકાનદારો ભારે અવઢવમાં છે !!
ડોર સ્ટેપમાં મામલતદાર દ્વારા બનાવાયેલ રૂટ મુજબ ફાળવણી હોય છે છતા વહેલા પૈસા વહેલી ફાળવણીની કલમ લાગુ કરાઇ એસો.ના હિતુભા જાડેજાની માંગણી : ૧ થી ૧૦ તારીખ સુધી જથ્થો આવતો જ નથી તો શરત કયાંથી ફુલફીલ થાય !!

રાજકોટ તા.૧૩: સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના ઉપપ્રમુખશ્રી હિતુભા જાડેજાએ જણાવ્યું છે કે, બે ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ નવો પરિપત્ર કરવામાં આવ્યો જેમાં વ્યાજબી ભાવના દુકાનના સંચાલકોની બલ્લે થાય સંચાલકોએ પીસાવું પડે એવી પરીસ્થીતીનું નિર્માણ થયુ સરકાર દ્વારા ડોર સ્ટેપ ડિલિવરી ની વ્યવસ્થા હોવા છતાં આ દુકાનદારે ગોડાઉનનો ધક્કો ખાવો પડે તથા આ વેપારીભાઈને પોતાને સત્તા કે આ બાબતની સમજણ ન હોવા છતાં પણ એવું જવાબદારી ભર્યું કામ એમના સિરે નાખવામાં આવ્યું, બીજી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ થયેલા પરિપત્રમાં પાંચ કલમો ઉમેરવામાં આવી છે જેમાં કલમ નંબર એકમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યાજબી ભાવના દુકાનદાર નો જથ્થો ગોડાઉન ખાતેથી રવાના થવાનો હોય એ પહેલા એ દુકાનદારભાઈ ને જથ્થો ફાળવવાનો થતો હોય એ અગાઉ ફોન કોલ કરીને જણાવવામાં આવશે કે તેઓની દુકાને કઈ તારીખ અને કયાં સમયે જથ્થો મોકલવામાં આવશે.
ત્યારબાદ કલમ નંબર ત્રણ મા જણાવવામાં આવ્યા મુજબ વેપારીઓને ગોડાઉન ખાતે હાજર રહી જથ્થાની ગુણવત્તા તથા જથ્થાનું વજન ચેક કરવાનું રહેશે ત્યારબાદ આ વજન થયેલો જથ્થો ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના વાહનમાં લોડ કરવામાં આવશે.
ત્યારે આ પ્રકારની નવી વ્યવસ્થા ઉભી કરવાના કારણે આ પરિપત્ર સામે ઘણા સવાલો ઉભા થાય છે એક તો રાજ્યનું પુરવઠા નિગમના ગોડાઉન CWCFCI ખાતેથી કે અન્ય સપ્લાયરો પાસેથી અનાજ તથા વિવિધ જણસીઓ મેળવીને સ્ટાન્ડરાઈઝેશનનું કામ કરે છે અને આ વિવિધ જણસીઓના નમુના લઇ અને ગાંધીનગર સ્થિત FRL એટલે કે આવી રીતે જણસીઓની ગુણવત્તાની જ્યાં ચકાસણી થાય છે ત્યાં ચકાસણી કરવા માટે નમૂનાઓ મોકલવામાં આવે છે આ નમૂનાઓ પાસ થયા બાદ આ વિવિધ જણસીઓને વ્યાજબી ભાવની દુકાન ખાતે રવાના કરીને વિતરણમાં મૂકવામાં આવે છે આમ જથ્થાની ચકાસણી થયા બાદ જથ્થાના વજન માટે પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉન ખાતે અનાજના જથ્થાને બાર દાનમાં અનાજ ભરીને સ્ટાન્ડરાઈઝેશન કરવામાં આવે છે સ્ટાન્ડરાઈઝેશન થયા પછી પણ વાહનમાં ડિલિવરી પહેલા એક વખત વેબ્રિજથી પણ આ જથ્થાનું વજન કરવામાં આવે છે અને ત્યારબાદ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના વાહનોમાં લોડ સેલ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેના દ્વારા ટ્રીપ દરમિયાન હેરફેર થતા જથ્થામાં કોઈ ઘાલમેલ ન થઈ શકે, સરકાર દ્વારા જથ્થાની ગુણવત્તા અને વજનની ચકાસણી માટે આટલા પ્રીકોસન લેવામાં આવતા હોવા છતાં અને આ વિવિધ પ્રીકોસન માટે લાખો રૂપિયાનો ધુમાડો થતો હોવા છતાં પણ એક સામાન્ય વેપારી કે જેને ગુણવત્તા ચકાસણી માટે કોઈ જ્ઞાન નથી અથવા તો એમને પહેલાથી આ માટે કોઈ તાલીમ આપવામાં આવી નથી તેઓના શિરે આ જવાબદારી નાખી દેવામાં આવી છે જે તદ્દન ગેર વ્યાજબી વસ્તુ છે વ્યાજબી ભાવનો સંચાલક માત્ર વેપારી છે તે કર્મચારી કે અધિકારી નથી કે નથી તે કોઈપણ પ્રકારની સેલેરી મેળવતો નથી છતાં પણ સરકાર દ્વારા વારંવાર વ્યાજબી ભાવના દુકાનદારને સેલરી બેઇઝ કર્મચારી ની જેમ ટ્રીટ કરવામાં આવે છે ખૂબ જ નજીવા કમિશનમાં કામ કરતા આ વ્યાજબી ભાવના દુકાનદારોને તઘલખી નિર્ણયો કરીને વારંવાર માનસિક આર્થિક અને શારીરિક રીતે શોષિત કરવામાં આવે છે, બીજી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ થયેલા પરિપત્રની આ કલમ નંબર ત્રણ સિવાયની પણ જે બીજી ચાર કલમો છે તેમાં પણ આ પરિપત્રમાં વિસંગતતા હોય એવું લાગે છે જેમ કે કલમ નંબર એકમાં લખવામાં આવ્યું છે કે જે વેપારી ભાઈ પહેલા પૈસા ભરશે તેઓને એટલે કે તેમની દુકાનમાં આવતા રૂટ ને પ્રથમ જથ્થાની ફાળવણી કરવામાં આવશે હકીકતે ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરને નિગમ સાથે થયેલા કરારની શરતો મુજબ તાલુકા મામલતદાર દ્વારા બનાવેલા રૂટ મુજબ જથ્થાની ફાળવણી કરવાની હોય છે પરંતુ જથ્થાની ફાળવણી માટે હાલમાં આવા કોઈ રૂટ બનાવવામાં આવેલા નથી અથવા તો આ નિયમનું પાલન પણ કરવામાં આવતું નથી માટે આ કલમ નંબર એક તદ્દન નિરર્થક છે.
આ પરિપત્રમાં કલમ નંબર ચાર મુજબ વ્યાજબી ભાવના દુકાનદાર અથવા તો એના પ્રતિનિધિના ઓળખના પુરાવા નાયબ મામલતદારશ્રી એકઠા કરી અને ગોડાઉન મેનેજર ને આપવાના છે તથા આ પરિપત્રમાં કલમ પાંચમાં જે શરત લખવામાં આવી છે કે દર માસે ૧૦ મી તારીખ સુધીમાં DSD ની કામગીરી અચૂક પણે પૂરી કરવાની રહેશે આ શરત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની તદ્દન વિરુદ્ધની છે કારણ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રાશનકાર્ડ ધરાવતો કોઈ પણ કાર્ડ ધારક વાજબી ભાવની દુકાનેથી પહેલી તારીખે જથ્થો લેવાનો હકદાર છે પરંતુ એક થી દશ તારીખ સુધીમાં જો જથ્થો જ આવતો ન હોય તો આ શરત પણ ફૂલ ફિલ થતી નથી માટે આ શરત નંબર પાંચ મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો ભંગ થાય છે આમ આ પરિપત્રની અંદર જે પાંચ શરતો છે એ પાંચમાંથી એક પણ શરત વ્યાજબી ન હોય આ પરિપત્રને તાત્કાલિક રદ કરવો જોઈએ અને પહેલી નવેમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલો પરિપત્ર ફરીથી લાગુ કરવો જોઈએ
(3:27 PM IST)










