News of Saturday, 13th December 2025
જીયાણામાં મહિલાને અપમાનીત કરી ગાળો આપનારા પાડોશી સામે એટ્રોસીટી
મહિલાની એરપોર્ટ પોલીસમાં પાડોશી અશોક ગોહેલ સામે ફરિયાદઃ તમારી એક દીકરી તો અમે લઇ ગયા તમે શું બગાડી લીધું કહી ગાળો આપી

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પર આવેલ જીયાણા ગામમાં રહેતી મહિલાને તેનાજ ઘરની સામે રહેતા શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જીયાણા ગામમાં રહેતી કિરણ કીર્તીભાઇ રાઠોડ (ઉ.વ. ર૯) એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જીયાણા ગામના અશોક ગોહેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પતિ, સાસુ અને બે નણંદ સાથે રહે છે. અને મોટા નણંદ સવિતાબેને ગત તા. ૧૮/૧૧ના રોજ સામે જ રહેતા જયેશ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે બાબતે જયેશના પિતા અશોક ગોહેલ સાથે માથાકુટ થઇ હતી. ગત તા. ર૯/૧૧ના રોજ ફરિયાદી પોતાના ઘરના દરવાજે ઉભી હતી ત્યારે આરોપી અશોક ત્યાં ઉભો હતો અને તેણે કહ્યું કે ‘તમારી એક દીકરી તો અમે લઇ ગયા તમે અમારૂં શું બગાડી લીધું તમારે મારા વિરૂધ્ધ જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી આવજો' ફરિયાદીએ તેને વધુ બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપવા લાગ્યો હતો. બાદ તેણે આ બાબતે પરિવારજનોને વાત કરી હતી જેથી ગઇકાલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અશોક વિરૂધ્ધ એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:44 PM IST)










