News of Saturday, 13th December 2025
રાજકોટ શહેર અને તાલુકા મથકોએ ૩૫ હજાર કેસોની લોક-અદાલત યોજાઇ
પ્રથમ બે કલાકમાં ૩૦ ટકા કેસોનો નિકાલ : અકસ્માત વળતરના કેસોમાં કરોડોનું વળતર અપાયુ : લેણી રકમના કેસોમાં લાખોની રીકવરી : ઇ-મેમાના કેસોમાં દંડની વસુલાત : લોક - અદાલતના માધ્યમથી પક્ષકારોની હારજીત વિના સમાધાનથી કેસનો નિકાલ થાય છે : ડીસ્ટ્રીકટ જજ જે.આર.શાહ સાંજ સુધીમાં ૭૦ ટકા કેસો ફેંસલ થવાની સંભાવના

રાજકોટ, તા.૧૩: આજે રાજકોટ શહેર અને જીલ્લાના તમામ તાલુકા મથકે, વર્ષ ૨૦૨૫ની છેલ્લી લોક-અદાલત યોજાઇ હતી. આ લોક-અદાલતમાં અંદાજે ૩૫ હજારથી વધુ કેસો મુકાયા હતાં જાણવા મળ્યા મુજબ પ્રથમ બે કલાકમાં જ ૨૫ થી ૩૦ ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સવારના ૧૦ કલાકે લોક-અદાલતનું દિપ પ્રાગટય કરી ઉદ્ધાટન કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે.આર.શાહ સહિતના અધિક સેસન્સ જજો અને ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત રહયા હતા.
અકસ્માત વળતરના કેસોમાં કરોડો રૂપિયાનું વળતર અપાયુ હતું. તેમ જ લાંબી રકમના કેસોમાં લાખોની રકમની રીકવરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઇ-મેમાના કેસોમાં પણ મોટી રકમના દંડની વસુલાત કરવામાં આવ્યાનું જાણવા મળે છે. આ પ્રસંગે પક્ષકારોના વકીલો, અને કન્સીલેટર્સના માધ્યમથી પક્ષકારોના કેસોનું સમાધાન કરીને નિકાલ કરવામાં આવ્યો હતા. લગ્ન વિષયક કેસોમાં ફેમેલી કોર્ટના સ્ટાફ - વકીલોની સમજાવટથી આવા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.
આ લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવેલ તેમજ સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણા ના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો સહિત અંદાજીત ૩૫ હજારથી વધુ કેસો મુકાયા હતાં.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ ધ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજ્ય નહી તેવી પરિસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.
આજની આ લોક-અદાલતમાં બાર એસો.ના વકીલો, વિમાકંપનીના અધિકારીઓ, જી.ઇ.બી., મ્યુનિ કોર્પોરેશન કર્મચારીઓ તેમજ જેઓએ પોતાના કેસો નિકાલ અર્થે મુકેલ તે કેસોના પક્ષકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આજ સાંજ સુધીમાં ૬૦ થી ૭૦ ટકા કેસોનો નિકાલ થશે તેમ જીલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ એચ.વી.જોટાંગીયાએ જણાવ્યું હતું.(તસ્વીર-અભિજીત બગથરીયા)
(3:45 PM IST)










