<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

૧.૧૧ કરોડના ગાંજાના વાવેતર સાથે અણીયારીમાં પકડાયેલા હનાએ અગાઉ પાક ઉતારી વેંચી નાંખ્‍યો'તો

દેણામાં ડૂબેલા ચોટીલા સાલખડાના ખેડૂતે તુવેરના વાવેતર વચ્‍ચે ચાલુ કરી'તી ગાંજાની ખેતી : દોઢ વર્ષથી ભાગીયા ખેતરમાં કરતો હતો માદક પદાર્થનું વાવેતરઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમનો દરોડોઃ ડીસીપી હેતલ પટેલે વિગતો જણાવીઃ હેડકોન્‍સ. સંજયરાજ બારોટ અને દેવાભાઇ ધરજીયાની બાતમી : કુવાડવા પોલીસ કરશે વધુ તપાસ

રાજકોટ તા. ૧૫: રાજકોટના સરધાર તાબેના અણીયારી ગામની સીમમાં આવેલી વાડીમાં આજીડેમ પોલીસે દરોડો પાડી ૧ કરોડ ૧૧ લાખથી વધુનું ગાંજાનું વાવેતર પકડી લીધું હતું. મુળ ચોટીલાના સાલખડા ગામના વતની હના સવાભાઇ ગાબુ (ઉ.વ.૪૮) નામના ખેડૂતે પોતે દેણામાં ડૂબી ગયો હોવાથી ભાગીયામાં રાખેલા અણીયારીના ખેતરમાં બીજા પાકની વચ્‍ચે ગાંજો વાવવાનું અને વેંચવાનું ચાલુ કરી દીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. દોઢેક વર્ષથી તે આ ખેતરમાં ગાંજો વાવતો હતો. અગાઉ પણ થોડો પાક ઉતરતાં ચોટીલા તરફ રહેતાં પોતાના કાકાને વેંચી દીધો હતો. ગાંજાનું બીયારણ પણ તેના કાકા પાસેથી લાવતો હોવાનું રટણ કરતાં આગળની તપાસ કુવાડવા રોડ પોલીસે હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેર વિસ્‍તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા અધિકારીઓએ સુચના આપી હોઈ આજીડેમ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. સંજયરાજભાઈ બારોટ તથા કોન્‍સ. દેવાભાઈ ધરજીયાની સંયુકત બાતમી આધારે અણીયારા ગામની સીમમા ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્‍તે નાથાભાઇ ભીમાભાઇ સીંધવની વાડીમાં દરોડો પાડી આ ખેતર વાવવા રાખનારા હના સવાભાઇ ગાબુ (કોળી ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે-અણીયારા ગામ તા.જી.રાજકોટ મુળ વતન સાલખડા ગામ તા. ચોટીલા જી. સુરેન્‍દ્રનગર)ને પોતાના કબ્‍જાની વાડીમાં ઘઉં-તુવેરના વાવેતર વચ્‍ચે ગાંજાનું વાવેતર કરતા ઝડપી લીધો હતો.

પોલીસ તુવેરના વાવેતરની વચ્‍ચે લીલા ગાંજાના છોડ નંગ-૬૪ તથા સુકો તથા ભેજયુક્‍ત ગાંજાના ખુબ જ મોટા જથ્‍થા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. ખેતરમાંથી નાના મોટા ગાંજાના છોડ ૧,૧૧,૬૯,૦૦૦ના કબ્‍જે કર્યા હતાં. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલે જણાવ્‍યું હતું કે ચોક્કસ બાતમી પરથી આજીડેમ પોલીસની ટીમે આ કામગીરી કરી હતી. પકડાયેલો ખેડુત હના ગાબુ દેણાં આવી ગયો હોવાથી ખેતરમાં ગાંજાનું વાવતેર દોઢેક વર્ષથી ચાલુ કર્યુ હતું. તેના કહેવા મુજબ તે ચોટીલા રહેતાં તેના કાકા પાસેથી બીયારણ લાવી ગાંજો વાવતો હતો. ગાંજો પાકે તે પણ તેના કાકાને આપતો હતો. અગાઉ પાંચ છ કિલો ગાંજો થોડા સમય પહેલા પાકી જતાં કાકાને વેંચી માર્યો હોવાનું તે રટણ કરે છે. જો કે વિશેષ તપાસ કુવાડવા રોડ પોલીસ કરશે અને આ તપાસ બાદ વધુ ખરી અને વિશેષ વિગતો બહાર આવશે.

શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી પૂર્વ બી. વી. જાધવની સુચનાથી આ કામગીરી પીઆઇ એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્‍સ પી.કે.ગામેતી તથા પો.સબ.ઇન્‍સ એસ.વી.ગોહિલ તથા એ.એસ.આઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, તથા પો.હેડ.કોન્‍સ સંજયરાજ બારોટ, પિયુષભાઇ ચીરોડીયા, દેવાંગભાઇ પાલા, અજયભાઇ જેસીંગભાઇ, હીતેશભાઇ અગ્રાવત, ધર્મેશભાઇ ધોરાળીયા તથા પો.કોન્‍સ દેવાભાઈ ધરજીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, કળષ્‍ણવીરસિંહ ગોહિલ, લક્ષ્મણભાઇ મકવાણા, સવજીભાઇ હમીરભાઇ, તથા મહિલા પો.કોન્‍સ ધારાબેન મેઘાણી સહિતે કરી છે. સાથે એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ અરૂણભાઇ બાંભણીયા પણ જોડાયા હતાં. પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફએસએલ અધિકારી. કે. એમ. તાવીયાએ આપ્‍યો હતો. કુવાડવા પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે. (૧૪.૫)

(2:31 PM IST)