News of Monday, 15th December 2025
રાજકોટ વોર્ડ નં. ૭ના સ્થાનિકોની રજૂઆતને પગલે સદર, ગવલીવાડ અને ખાટકીવાસ વિસ્તારની શેરીઓમાં રૂા. ૮ લાખના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ કામનું ખાતમુહૂર્ત
કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા આ સંપૂર્ણ સીસી (CC) કામગીરી ૩ દિવસમાં પૂર્ણ કરાશેઃ કોર્પોરેટર માંકડ, વોર્ડ પ્રમુખ વિશાલ માંડલિયા, મહામંત્રી દીપક પારેખ, પૂર્વ વોર્ડ પ્રમુખ કૌશિક ચાવડા સહિત ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શુભારંભ

રાજકોટ, તા. ૧૫: રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭ માં રહેતા સ્થાનિકોની લાંબા સમયથી પડતર રજૂઆતને ધ્યાનમાં લઈને સદર વિસ્તાર, ગવલીવાડ વિસ્તાર અને ખાટકીવાસ વિસ્તારની તમામ શેરીઓમાં સિમેન્ટ કોન્ક્રીટ (CC) કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વોર્ડના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની ગ્રાન્ટમાંથી આ કામગીરી માટે રૂા. ૮,૦૦,૦૦૦ (આઠ લાખ રૂપિયા) ની ફાળવણી કરવામાં આવી છે. કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ દ્વારા ખાતમુહૂર્ત કરીને આ કામની શરૂઆત કરવામાં આવી છે, જે સંપૂર્ણ કામગીરી આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આ શુભ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ સાથે વોર્ડના પ્રમુખ વિશાલ માંડલિયા, મહામંત્રી દીપક પારેખ, પૂર્વ પ્રમુખ કૌશિક ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભાજપ અગ્રણી પ્રવીણ ચાવડા, સંદીપ ડોડીયા, કમલેશ હિડોચા ઉપસ્થિત રહ્યા હતા.
વળી, લત્તાવાસીઓ તરફથી હુસેન મકસુદ બેલીમ, પરવેશ અક્રમભાઈ, મુરાદભાઈ સહિત અન્ય લત્તાવાસીઓની ઉપસ્થિતિમાં આ મહત્ત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી
(2:11 PM IST)










