<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સામા કાંઠાના ઇમિટેશનના મોટા વેપારી દેવરાજભાઇ

(દેવાભાઇ) ગઢીયાનો સાયપર ફાર્મ હાઉસ ખાતે આપઘાત : સવારે ફોન પર સંપર્ક થતો ન હોઇ પુત્ર રૂબરૂ તપાસ કરવા જતાં લટકતી હાલતમાં મળ્‍યાઃ દસેક દિવસથી ટેન્‍શનમાં હતાં: ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

 

 

રાજકોટ તા. ૧૫: શહેરના સંતકબીર રોડ પર રહેતાં ઇમિટેશનના વેપારી દેવરાજભાઇ ખોડાભાઇ ગઢીયા (ઉ.વ.૬૦)એ કુવાડવાના સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે ઇલેક્‍ટ્રીક વાયર એંગલમાં બાંધી ગાળફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રણછોડનગર વેકરીયા મેઈન રોડ  કિસાન નોવેલ્‍ટીની સામે રહેતા અને સંતકબીર રોડ પર શ્રૃંગાર સેલ્‍સ નામે શો રૂમ ધરાવતા દેવરાજભાઈ ગઠીયા સાયપર ગામે પોતાની વાડીએ ગયા હોઇ ત્‍યાં રાતે કોઇપણ સમયે ગળાફાંસો ખાઇ લીધો હતો. ગઇકાલે સવારે તેમના પરિવારજનો ફોન કરતાં હોઇ ફોન પર સંપર્ક ન થતાં દિકરા અંકિતભાઇ ફાર્મ હાઉસ ખાતે પહોંચ્‍યા ત્‍યારે પિતા લટકતી હાલતમાં મળતાં તે હતપ્રભ થઇ ગયા હતાં.

બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ્‍ટેબલ પ્રશાંતભાઇ રાઠોડ સહિતે ઘટના સ્‍થળ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.  પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું  કે  દેવરાજભાઈ ઇમિટેશન એસોસિએશનના સભ્‍ય હતા તેમજ એક નામાંકિત વેપારી તરીકેની સામા કાંઠે ઓળખ હતી. તેમજ તેઓ સામાજીક કાર્યોમાં પણ આગળ રહેતાં હતાં.  સમાજ લક્ષી કે સેવા કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા.

વધુ માહિતી મુજબ મળતક દેવરાજભાઈ મુળ સાયપર ગામના વતની હતા તેઓ અવાર-નવાર ફાર્મ હાઉસ ખાતે આટો મારવા જતાં હતાં અને રાત્રી રોકાણ કરતાં હતાં.  તેમને સંતાનમાં એક દિકરો છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે પ્રાથમિક તપાસ કરતાં તેઓ દસેક દિવસથી ટેન્‍શનમાં હોવાની વિગતો મળી હતી. જો કે ટેન્‍શન કયા કારણોસર હતું? તે અને આપઘાતનું ચોક્કસ કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રાખવામાં આવી છે. આ બનાવથી પરિવારજનો, મોટા મિત્ર વર્તુળો, વેપારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.

(4:03 PM IST)