News of Monday, 15th December 2025
ભાવનાબેન કદાવલાને પતિ, સાસુ, સસરાએ ઘરમાં પુરી બેફામ માર માર્યો
મોરબી રોડ જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટીમાં બનાવ ઘરકામ મામલે ત્રાસ ગુજારાયાનું પરિણીતાનું કથનઃ આક્ષેપો અંગે પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૫: શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી અક્ષરધામ સોસાયટી શેરી નં. ૨માં રહેતાં ભાવનાબેન અતુલભાઇ કદાવલા (ઉ.વ.૩૭) નામના મહિલાને સાંજે તેણીના પતિ અતુલ કદાવલા, સાસુ લીલાબેન અને સસરા ડાયાભાઇ કદાવલાએ ઘરમાં પુરીને ઢીકા-પાટાનો બેફામ માર મોઢા, શરીરે મારી તેમજ ડાબા કાન પાછળ માથામાં લાદી ફટકારી ઇજાઓ કરતાં તેણીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ભાવનાબેન કદાવલાને સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેણીએ પુછતાછમાં પોતાને પતિ, સાસુ, સસરાએ મારકુટ કરી હોવાનું કહેતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. ભાવનાબેને જણાવ્યું હતું કે મારા લગ્ન અઢાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ૧૫ વર્ષની દિકરી અને ૧૭ વર્ષનો દિકરો છે. મારા માવતર રાણા રોજીવાડા ગામે રહે છે. પતિ અતુલ કદાવલા કેટરર્સનું કામ કરે છે.
અવાર-નવાર મારા સાસુની ચઢામણીને કારણે પતિ માથાકુટ કરે છે અને અગાઉ પણ મારકુટ કરી હતી. આ વખતે ફરીથી ડખ્ખો કરી મને ઘરમાં પુરીને પતિ, સાસુ, સસરાએ બેફામ માર માર્યો હતો. આ વખતે બહાર મારો દિકરો, દિકરી દેકારો મચાવતાં હતા. મારકુટ કાર્ય બાદ મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં વાહન સ્લીપ થઇ જવાથી ઇજા થયાનું ડોક્ટરને જણાવ્યું હતું. પણ મેં તક જોઇ ડોક્ટરને સાચી વાત કરતાં ડોક્ટરે ત્યાંથી રજા આપી દીધી હતી. બાદમાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
એ પહેલા મેં મારા માવતરને જાણ કરી હોઇ જામનગરથી મારા ભાઇ પણ રાજકોટ આવી ગયા હતાં. ઘરકામ સહિતની નાની નાની વાતે આ રીતે ત્રાસ ગુજારાતો હોવાનો આક્ષેપ ભાવનાબેને કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(2:19 PM IST)










