<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

રૂખડીયાપરાના સાદાનએ કાકાનો પગ ભાંગી નાંખ્‍યો પછી પોલીસ સ્‍ટેશનમાં ખેલ કરી પોલીસમેનને મરી જવાની બદદૂઆ દીધી!

પિત્રાઇની રેંકડીએ નશો કરીને જઇ માથાકુટ કરતાં સાદાનને કાકા સલીમભાઇ ડોસાણીએ ઘરે જઇ સમજાવતાં સાદાન, તેના પિતા, માતા, બહેન ધોકાથી તૂટી પડયા : અલ્લાહ કરે તને અત્‍યારે જ હાર્ટએટેક આવી જાય અને તું મરી જા, તારી નોકરી જતી રહે તેવા શ્રાપ આપી કોન્‍સ્‍ટેબલ-પીએસઆઇની ફરજમાં રૂકાવટ કરીઃ પ્ર.નગર પોલીસે કુલ બે ગુના નોંધી ચારેયની ધરપકડ કરીઃ સાદાન સામે નશો કરવાનો અલગથી ગુનો : ફ્રુટના ધંધાર્થી સલીરભાઇ ડોસાણીની ફરિયાદ પરથી તેના ભત્રીજા સાદાન, મોટા ભાઇ સમીરભાઇ, ભાભી શાયદાબેન, ભત્રીજી રૂકશત સામે હુમલાનો ગુનો અને કોન્‍સ. કાનાભાઇની ફરિયાદ પરથી આ ચારેય સામે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતનો ગુનો દાખલ કરાયો

 

રાજકોટ તા. ૧૫: શહેરના રૂખડીયાપરામાં રહેતાં ફ્રુટના વેપારીના દિકરાની રેંકડીએ નશો કરેલી હાલતમાં જઇ બાજુમાં જ રહેતો ભત્રીજો માથાકુટ કરતો હોઇ આ વેપારી ભત્રીજાને આ બાબતે સમજાવવા જતાં ભત્રીજો, મોટા ભાઇ, ભાભી, ભત્રીજીએ મળી ધોકાવાળી કરતાં ફ્રુટના વેપારીનો પગ ભાંગી ગયો હતો. પોલીસ આ વેપારી તથા હુમલો કરનારા તેના ભત્રીજા, ભાઇ, ભાભી સહિતનાને પ્ર.નગર પોલીસ સ્‍ટેશને લાવી ત્‍યારે નશો કરેલી હાલતમાં રહેલા વેપારીના ભત્રીજાએ અહિ પણ ભીંતમાં માથા ભટકાવી પોલીસે મને માર્યો છે એવી કોર્ટમાં ફરિયાદ કરીશ કહી ગાળો ભાંડી કોન્‍સ્‍ટેબલ અને પીએસઆઇ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. તેની સાથે તેના માતા-પિતા-બહેને પણ વિડીયો ઉતારી પોલીસને બદદુઆ આપી-અલ્લાહ કરે તું અત્‍યારે જ મરી જાય, તને અત્‍યારે જ હાર્ટએટેક આવી જાય, તારી નોકરી જતી રહે તેવા વેણ કહ્યા હતાં! ચારેય સામે બે ગુના નોંધી કાયદાનું ભાન કરાવાયું છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રહેતાં સલીમભાઇ દાઉદભાઇ ડોસાણી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પાડોશમાં જ રહેતાં તેના સગા ભત્રીજા સાદાન સમીરભાઇ ડોસાણી, મોટા ભાઇ સમીરભાઇ દાઉદભાઇ ડોસાણી, ભાભી શાયદાબેન સમીરભાઇ ડોસાણી અને રૂકશત મુનાફભાઇ બાનાણી વિરૂધ્‍ધ હુમલાનો ગુનો નોંધ્‍યો છે.

સલિમભાઇ ડોસાણી પરિવાર સાથે રહે છે અને ફ્રુટનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે દિકરા સાહિલ અને શબ્‍બીર છે. તેમના મોટાભાઇ સમીરભાઇ ડોસાણી તેમની બાજુમાં જ રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૧૩મીએ શનિવારે રાતે સાડા નવેક વાગ્‍યે હું મારી ફ્રુટની લારી બંધ કરીને ઘરે આવ્‍યો ત્‍યારે મારા પત્‍નિ સલમાબેને કહેલું કે- ભત્રીજો સાદાન નશો કરી નાગીરક બેંકે સાહીલની રેંકડીએ ગયો હતો અને સાહિલ સાથે મારામારી કરી હતી. જેથી હું જમી લીધા બાદ બાજુમાં રહેતાં મોટા ભાઇ સમીરભાઇના ઘરે ભત્રીજા સાદાનને સમજાવવા ગયો હતો. જો કે આ બંને સુઇ ગયા હતાં. મેં તેમને જગાડયા હતાં અને મોટા ભાઇની હાજરીમાં જ ભત્રીજા સાદાનને પુછ્‍યું હતું કે-તું શા માટે નશો કરીને મારા દિકરા સાહિલની રેંકડીએ જઇ ઝઘડો કરે છે? હવે પછી આવું ન કરતો.

આ સાંભળી સાદાન અને મારા ભાઇ સમીરભાઇ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને જન્‍મથી જ મારા ડાબા પગમાં પોલીયો છે તે જાણવા છતાં ઘરમાં પડેલો ધોકો ઉપાડી સાદાને મને બે ત્રણ ઘા મારી દીધા હતાં. તેમજ કમરમાં પણ બે ત્રણ ફટકા મારી દેતાં હું પડી ગયો હતો. આ પછી મારા ભાઇ અને ભત્રીજાએ ધમકી આપી હતી કે-અહિથી જતો રહે નહિતર તારા આખા પરિવારને મારી નાંખશું.  આ પછી ફરીથી સાદાન મને આડેધડ ધોકાથી માર મારવા માંડયો હતો. દેકારો થતાં મારા પત્‍નિ, બંને પુત્રો આવી ગયા હતાં. આ વખતે સાદાને મારા પત્‍નિ અને પુત્ર શબ્‍બીરને પણ ધક્કો દઇ પછાડી દીધા હતાં. જેમાં શબ્‍બીરને ડાબા હાથની કોણી, ટચલી આંગળીમાં ઇજા થઇ હતી.

આ વખતે મારા ભાભી શયદાબેન અને તેની દિકરી રૂકશતે પણ આવીને મારા પત્‍નિને ભુંડી ગાળો દીધી હતી. રૂકશતે કહેલું કે-મારા ભાઇને કંઇ કહેશો તો બધાના ટાંટીયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાંખીશ. આ પછી મેં ૧૧૨માં ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. મને ઇજા થઇ હોઇ સિવિલ હોસ્‍પિટલમાં જતાં ત્‍યાં એક્‍સરે થતાં જમણા પગના પોંચામાં ફ્રેકચર થયાનું ડોક્‍ટરે નિદાન કર્યુ હતું.  સારવાર બાદ મેં પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પ્ર.નગર પીએસઆઇ કે. કે. ચાવડાએ તેની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો.

બીજી તરફ અલગથી ગુનો નોંધાયો તેની વિગત અનુસાર પ્ર.નગરના લોકરક્ષક કાનાભાઇ મીરે આ બારામાં ફરિયાદ નોંધાવી છે કે ૧૩મીએ શનીવારે સાંજે આઠ વાગ્‍યે હું ઇન્‍વે સ્‍ટાફમાં ફરજમાં હતો ત્‍યારે રાતે સાડા દસેક વાગ્‍યે જનરક્ષક ૧૧૨માં ફરજ બજાવતાં સતરૂપીબેન રૂખડીયાપરાના સલીમભાઇ ડોસાણીને લઇને આવ્‍યા હતાં. તેની સાથે સામેવાળા સાદાન, તેના પિતા સમીરભાઇ ડોસાણી પણ હતાં. અમે સમીરભાઇ ડોસાણીનું નિવેદન અરજી લખતા હતાં ત્‍યારે સાદાન અને તેના પિતા સમીરભાઇ મારી સાથે બોલાચાલી કરવા માંડયા હતાં. મેં ચુપ રહેવાનું કહેતાં બંને બાપ-દિકરો ગાળો બોલવા માંડયા હતાં. અરજી લીધા બાદ સમીરભાઇએ પોતાને મારામારીમાં ઇજા થયાનું કહેતાં તેને દવાખાને જવાની સલાહ આપી હતી.

આ વખતે સાદાન અને સમીરભાઇવધુ ગાળો બોલવા માંડયા હતાં. અરજી બાબતે સમીરભાઇના ભત્રીજા સાદાનની પુછતાછ કરતાં તે જોર જોરથી બોલવા માંડયો હતો અને કહેવા માંડયો હતો કે-હું તો જેલમાં જઇ આવ્‍યો છું, મને કોઇ પોલીસની બીક નથી. આમ કહી તે ભીંતમાં  માથા ભટકાવવા માંડયો હતો અને તમે પોલીસ મને મારો છો એવું હું કોર્ટમાં કહીશ, તમે પ્ર.નગરના પોલીસ હરામી છો, તેમ કહી પોતાની રીતે માથા ભટકાડી બાદમાં કહેલુ કે-હું હવે પોલીસે મને માર્યો તેવું કહીશ. આ પછી તે એકદમ ઉશ્‍કેરાઇગયો હતો અને મારા પર તથા પીએસઆઇ કે. કે. ચાવડા પર હુમલો કરવા માંડયો હતો. જેથી અમારે દરવાજો બંધ કરવો પડયો હતો.

બાદમાં સાદાને જોર જોરથી બૂમો પાડી હતી, આ કારણે બહારથી તેના પિતા સમીરભાઇ, માતા શાયદાબેન તેમજ રૂકશત એમ ત્રણેય અંદર આવી ફોનમાં વિડીયો ઉતારવા માંડયા હતાં અને અમને ધમકી આપી હતી કે-તમારો વિડીયો પોલીસ કમિશનરને સવારે બતાવી તમારા પટ્ટા ઉતરાવી દેવા છે, નોકરી કઢાવવાી છે. તું જો સવારે કમિશનર પાસે જવું છે. તમને મારી ગરીબની હાય છે, અલ્લાહ કરે તું અત્‍યારે ને અત્‍યારે મરી જાય, તને અત્‍યારે જ હાર્ટએટેક આવી જાય! તારી નોકરી જતી રહે તેવી મારી બદદુઆ છે. આ રીતે સાદાન સહિત ચારેયએ ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી ઉધ્‍ધતાઇ ભર્યુ વર્તન કર્યુ હતું તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ચારેય સામે અલગથી ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. જેમાં સાદાન ડોસાણી દારૂ પીધેલો હોઇ તેનો અલગથી કેસ કરાયો હતો. પીઆઇ વી. આર. વસાવાની રાહબરી હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  (૧૪.૯)

 

 

(2:34 PM IST)