News of Monday, 15th December 2025
રાજકોટની ઐતિહાસીક ધરોહરની સાચવણી માટે સરકાર જાગીઃ સર્વે કરાશે
મનપા શહેરના જૂના બાંધકામો, તળાવો, પ્રાચિન ઇમારતો, ગરબા, લોકસાહિત્યને જીવંત રાખવા કન્સલટન્ટ નિમશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા.૧૫ :.. શહેરમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ ઇમારતો, તળાવો, ટાવર અને જૂની કચેરીઓ ઐતિહાસિક ઘરોહરની વ્યાખ્યામાં આવે છે.
વર્ષો જતા હવે આ પ્રકારની ઘરોહરો નામશેશ થવા લાગતા નવી જનરેશનને ઐતિહાસિક ઘરોહરની માહિતી સાથે તે સમયના બાંધકામો સહિતનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સરકારે રાજકોટ શહેરમાં આવેલ જૂના બાંધકામો, તળાવો, પ્રાચિન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતના વારસાને જીવંત રાખવા માટે સર્વે કરી જાળવણી કરવાનો આદેશ આપ્યો હોવાનુ જાણવા મળેલ છે.
જેના લીધે મહાનગરપાલિકાએ ઐતિહાસિક ઘરોહરોનો સર્વે કરવા માટે ક્ન્સલટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ હાલ કબાગાંધીનો ડેલો તથા ગાંધી મ્યુઝીયમ સહિતની અમુક પ્રાચિન ઇમારતોની જાળવણી કરવામાં આવી છે. તેમજ આ ઘરોહરોનુ મ્યુઝીયમમાં રૂપાંતર કરી જર્જરિત થતી બચાવવામાં આવી રહી છે.
તેમજ વિદ્યાર્થીઓને તેના વિશે વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ જાય તે માટે થઇને પર્યટનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પરંતુ શહેરમાં અનેક પ્રાચિન ઇમારતો હજૂ પણ દિવસે ેિદવસે જર્જરિત થતી જોવા મળી રહી છે તેવી જ રીતે પ્રાચિન વારસો જેમાં કે પ્રાચિન ગરબીઓ તેમજ લોકસાહિત્યો સહિતના વારસાને સાચવણી કરવી જરૂરી બને છે અને આવનારી પેઢી તેનાથી અવગત થાય તે માટે પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરાયા છે.
જેના ભાગેરૂપે રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાને શહેરમાં આવેલ જૂના બાંધકામો, તળાવો, પ્રાચિન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતના વારસાની જાળવણી માટે સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. આથી મનપાએ સર્વે કામગીરી માટે પ્રાઇવેટ એજન્સીની નિમણુક કરવાની હોય ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
(3:05 PM IST)










