News of Monday, 15th December 2025
ડો.કુમાર વિશ્વાસની ‘જલકથાઃ અપને શ્યામ કી'નો આજથી શુભારંભ
બહુમાળી ભવન ચોકમાંથી વિશાળ જલયાત્રા નિકળીઃ ગાયત્રી પરિવાર દ્વારા રસકોર્ષના મેદાનમાં જળકલશનું પૂજન કરાવાયું : કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં જમાવટ, ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશેઃ લોકડાયરામાં ફિલ્મ ‘લાલો'ના કલાકારોનું ડો.પરમાનંદ સરસ્વતજી દ્વારા ખેસ પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરાયું: શ્રાવકો મહાજલકલશ યાત્રા અને મહાજલકલશ પૂજનમાં જોડાયા

રાજકોટઃ ‘જળ એ જ જીવન છે'નાં સૂત્રને ચરિતાર્થ કરી જન ભાગીદારીથી જળસંચય પ્રવૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ ગીરગંગા ટ્રસ્ટ પરિવારની વ્યાપક ઝુંબેશ રંગ લાવી છે. જળસંચયના આ પ્રકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે ૧૫ ડિસેમ્બરને સોમવારથી કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર, રેસકોર્સમાં શરુ થઈ રહેલ તત્વચિંતક, વિશ્લેષક, કથાકાર અને દેશના પ્રથમ પંક્તિના કવિ ડો.કુમાર વિશ્વાસની ‘‘જલકથાઃ અપને શ્યામ કી'' પૂર્વે અનેકાનેક શ્રેણીબદ્ધ કાર્યક્રમો પ્રયોજવામાં આવ્યા છે. આ અંતર્ગત રેસકોર્સ નજીક બહુમાળી ભવન ચોક ખાતેથી ભવ્ય અને દિવ્ય મહા જલકલશ યાત્રા નીકળી હતી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરિત વરણા ગામની બેન્ડ ટીમની સુમધુર સુરાવલીઓ સાથે આ મહા જલકળશ યાત્રા કથા સ્થળે પહોંચી હતી, જેમાં ૭૦૦થી વધુ જલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ સ્થાનો પર ઘેર ઘેર અને ગામેગામ પૂજવામાં આવેલા ૨૧૦૦ જેટલા જલકળશનું રેસકોર્સ મેદાનમાં કથાસ્થળે શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું.
જલકથા પૂર્વે આયોજિત વિવિધ કાર્યક્રમો થકી વ્યાપક જનસમૂહને જોડવાના આ પ્રયાસને કારણે ૧૫ ડિસેમ્બરથી શરુ થઈ રહેલી ‘જલકથાઃ અપને અપને શ્યામ કી'ને લઈને ભારે ઉત્કંઠા સેવાઈ રહી છે. આ કડીમાં રવિવારે જ રાત્રે કથા સ્થળે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો જાહેર લોકડાયરો પણ યોજાયો હતો. જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ લોકડાયરામાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘લાલો'ના કલાકારોએ ઉપસ્થિત રહીને ચાર ચાંદ મઢી દીધા હતાં.
આ જલડાયરમાં ઉપસ્થિત મહાનુભાવોને ડો.પરમાનંદ સરસ્વતીજીએ ખેસ પહેરાવી મેમોન્ટો આપી સન્માનિત કર્યા હતા. ડાયરા દરમિયાન વિશ્વભરમાં વિખ્યાત લોકગાયફક કિર્તીદાન ગઢવીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું સ્વીકાર્યુ હતું અને તમામ ડાયરાઓમાં જળસંચય માટેનો સંદેશો આપવા ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રને પાણીવંતુ કરવાના આ સ્તુત્ય પ્રયાસમાં જળસંચય માટેના એશ્વરિક કાર્યમાં સહભાગી બનવા દાતાઓને સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત છેક બ્રિટન અને અમેરિકાથી પણ હાજરી આપી હતી.
આ જલ લોકડાયરામાં ટર્બો બેરિંગવાળા પ્રતાપભાઈ પટેલ, પોરબંદરના પૂર્વ સાંસદ અને દાસી જીવણ સત્સંગ મંડળના પ્રમુખ રમેશભાઈ ધડુક, ગોંડલ સ્થિત રવિ ઓઈલ મિલના ધનસુખભાઈ નંદાણીયા, ગોંડલના પંકજભાઈ વગેરે સહિતના દાતાઓએ જળસંચયના કાર્યો માટે આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ ઉપરાંત અનેક દાતાઓએ પોતાના તરફથી એક ચેક ડેમ બનાવવા માટેનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. આજે સોમવારે સાંજે ૭ કલાકથી શરુ થનારી જલકથા ત્રણ દિવસ સુધી ચાલશે. જે શ્રવણ કરવા, સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશભરમાંથી અને વિદેશમાંથી પણ અનેક લોકો રાજકોટ પહોંચી ચૂક્યા છે. ગઈકાલે શ્રાવકો મહા જલકલશ યાત્રા અને મહા જલકલશ પૂજનમાં પણ જોડાયા હતા.
દરમિયાન, રેસકોર્ષ મેદાનમાં કથા સ્થળે યોજાયેઆ મહા જલપૂજન પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, જલપૂજન એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જળ સંરક્ષણ અને જળના મહત્ય પ્રત્યે આપણી સામૂહિક પ્રતિકદ્ધતાનું પ્રતીક છે. સૌ જાણે છે કે, જળ એ જ જીવન છે. આજે જે જલનું પૂજન થઈ રહ્યું છે તે આપણને યાદ કરાવે છે કે આવનારી પેઢીઓ માટે જળસ્ત્રોતોની જાળવણી કરવી પડશે.
(3:27 PM IST)










