News of Monday, 15th December 2025
વા તથા હાડકાને લગતા દર્દો માટે રવિવારે વિનામુલ્યે નિદાન તથા સારવાર
શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઇ રૂપાણી મેમોરીયલ તથા રોટરી કલબ રાજકોટ મીડ ટાઉનના સંયુકત ઉપક્રમે : સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટરો દ્વારા નિદાન : દર્દીઓને હાડકાની ઘનતા માપવાનો બોન ડેન્સીટી ટેસ્ટ, દવા વિતરણ તેમજ એક વીકની ફીઝીયોથેરાપી વિનામુલ્યે અપાશે

રાજકોટ : શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઇ રૂપાણી મેમોરિયલ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સંયુકત ઉપક્રમે શ્રી વિજયભાઇ રૂપાણીએ કંડારેલી કેડી પર ચાલતા માનવતાલક્ષી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આગામી રવિવાર તા. ર૧ ના સવારે ૯ થી ૧૧:૩૦ શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે હાડકાને લગતા દર્ર્દો માટે વિનામુલ્યે નિદાન થતા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટર્સ દ્વારા હાડકાના દર્દો, વા-સંધિવાના દર્દો, સ્પોર્ટસ ઇન્જરી, ફીઝીયોથેરાપી માર્ગદર્શન વિનામુલ્યે કરી આપવામાં આવશે. તેમજ ડોકટરને જરૂર લાગશે તેવા દર્દીઓને હાડકાની ઘનતા માપવાનો બોન ડેન્સીટી ટેસ્ટ, દવા વિતરણ તેમજ એક વીકની ફીઝીયોથેરાપી સારવાર નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. મનીષ બાવળિયા તેમજ ડો. કેતન ઠક્કર (ઓર્થોપેડીક સર્જન) તથા ડો. જીત ગાંધી (ઓર્થોપેડિક સર્જન) તથા સ્પોર્ટસ ઇન્જરી, રમતગમત વખતે થતા દુઃખાવા, સ્નાયુ ખેંચાઇ જવા વિગેરેને લગતી ફીઝીયોથેરાપી સારવાર તેમજ માર્ગદર્શન માટે ડો. અર્જુનસિંહ રાણા (સ્પોર્ટસ ફીજયોથેરાપીસ્ટ અને પૂર્વ વાઇસ ચાન્સલેર ઓફ સ્પોર્ટસ યુનિ. ગુજરાત) અને તેમની ટીમ સેવાઓ આપશે.
સમગ્ર કેમ્પના આયોજનમાં ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમ્બર્સ મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. નયનભાઇ શાહ, દિવ્યેશભાઇ અઘેરા, બિપીનભાઇ વસા, શૈલેષભાઇ લોટીયા, હરિશભાઇ શાહ, કેતનભાઇ મેસવાની વગેરે કાર્યરત છે.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦ર૮૧-ર૭૦૪પ૪પ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
(4:04 PM IST)










