<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

વારસાઇની જમીનમાં ભાગ માંગતા વૃધ્‍ધાને ભત્રીજાઓની ટાંટીયા ભાંગી નાંખવાની ધમકીઃ વાહનમાં તોડફોડ

ગોંડલ રોડ પરની શક્‍તિનગર સોસાયટીમાં બનાવઃ તાલુકા પોલીસે ધ્રુપતબાની ફરિયાદ પરથી ભત્રીજાઓ દેવેન્‍દ્રસિંહ, અનિરૂધ્‍ધસિંહ, શક્‍તિસિંહ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૬: જમીનના વિવાદમાં વૃધ્‍ધાને તેમના ભત્રીજા સહિતનાએ ગાળો દઇ ધમકી આપતાં ફરિયાદ થઇ છે.  ગોંડલ રોડ પરીન ફર્નિચર પાછળ શક્‍તિનગર સોસાયટીમાં રહેતાં ધ્રુપતબા મહાવીસિંહ ઝાલા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેમના ભત્રીજાઓ દેવેન્‍દ્રસિંહ અશોકસિંહ જાડેજા, અનિરૂધ્‍ધસિંહ રસિકસિંહ જાડેજા તથા શક્‍તિસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

 ફરિયાદી અને આરોપી ફઇ-ભત્રીજા થાય છે. વારસાઇ જમીનમાં ફઇ ધ્રુપતબાનું પણ નામ હોઇ તેમણે ભાગ માંગતા ભત્રીજાઓએ ના પાડી દીધી હતી. આથી ફઇએ મામલતદારમાં વાંધા અરજી કરતાં ખાર રાખી ઘરે આવી ગાળો દઇ જો જમીનમાં પગ મુકશો તો ટાંટીયા ભાંગી નાંખશું તેવી ધમકી આપી  ટુવ્‍હીલરમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.

ફરિયાદની વિગતો મુજબ ધ્રુપતબાનું પીયર ધોરાજીના વાડોદર ગામે આવેલું છે, જ્‍યાં તેમના પિતાની કુલ ૩૧ વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં તેઓ સહિત નવ ભાઈ-બહેનોના નામ વારસાઈ હક તરીકે ચાલતા હતા. ધ્રુપતબાએ જણાવ્‍યું કે તેમના મળતક ભાઈઓ રસિકસિંહ અને અશોકસિંહના ભાગમાં જે જમીન આવે છે, તેમાં તેમનો કાયદેસરનો ભાગ નીકળે છે. જોકે, રસિકસિંહના દીકરા અનિરૂધ્‍ધસિંહ અને અશોકસિંહના દીકરા દેવેન્‍દ્રસિંહ આ ભાગ આપવાની ના પાડી રહ્યા છે. આથી, ધ્રુપતબાએ ધોરાજી મામલતદાર કચેરીમાં વાંધા અરજી પણ દાખલ કરી છે.

જમીનનો ભાગ ન આપવો પડે તેવા ઈરાદે  તાજેતરમાં  ૯/૧૨/૨૦૨૫ના રોજ રાત્રે આશરે દસેક વાગ્‍યે અનિરૂધ્‍ધસિંહ, દેવેન્‍દ્રસિંહ અને ઘનશ્‍યામસિંહના પુત્ર શક્‍તિસિંહ ફોર વ્‍હીલ ગાડી લઈને ધ્રુપતબાના રાજકોટ સ્‍થિત ઘરે ધસી આવ્‍યા હતા. તેમના હાથમાં લોખંડનું એંગલ અને લાકડી જોઈને ધ્રુપતબા અને તેમનો પુત્ર રણજીતસિંહ પોતાનું ઘર બંધ કરી ઉપરના માળે જતા રહ્યા હતા. ત્‍યારે બહાર ઉભેલા આરોપીઓએ ગાળાગાળી કરી, ધ્રુપતબા અને રણજીતસિંહને બહાર નીકળવા કહ્યું હતું. તેમજ ધમકી આપી હતી કે- મારી જમીનમાં જો પગ મૂકયો તો ટાંટિયા ભાગી નાખીશ. બહાર નીકળો, આજે જાનથી મારી નાખવા છે. તેમ કહી દેકારો મચાવ્‍યો હતો.

આ ઉપરાંત દેવેન્‍દ્રસિંહે ઘરની સોસાયટીના ગેઇટની બહાર પડેલા ધ્રુપતબાના એક્‍સેસ મોટરસાયકલ જીજે૦૩પીસી-૭૭૦૮ને લોખંડના એંગલથી તોડી નાંખતા પાંચ હજારની નુકસાની થઇ હતી. બનાવ વખતે ભાઈ પળથ્‍વીસિંહનો દીકરો દિગ્‍વિજયસિંહ પણ ત્‍યાં આવી ગયો હતો. રણજીતસિંહે તાત્‍કાલિક પોલીસને ફોન કરતાં પોલીસની ગાડી આવે તે પહેલા ત્રણેય આરોપીઓ સ્‍થળ પરથી નાસી છૂટયા હતા. ધ્રુપતબાએ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:17 PM IST)