<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

શ્રીનાથજી સોસાયટીમાં સસરા સાથે ચડભડ થતાં રીનાબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

એક વર્ષની દિકરી રડતી હોઇ પાડોશીએ તપાસ કરતાં દરવાજો બંધ હતોઃ પાટુ મારી ખોલીને જોતાં રીનાબેન લટકતાં મળ્‍યાઃ પતિ-સસરા દૂકાને હતાં

રાજકોટ તા. ૧૬: શહેરના મવડી પ્‍લોટની શ્રીનાથજી સોસાયટી-૫માં રહેતી રીનાબેન સાગરભાઇ સોનીગ્રા (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

રીનાબેન સાંજે ઘરમાં હતી ત્‍યારે તેની એક વર્ષની દિકરી ખુબ રડતી હોઇ પાડોશી દિકરીના રડવાનો અવાજ સાંભળી તપાસ કરવા જતાં દરવાજો બંધ હોઇ ખુબ ખખડાવ્‍યો હતો. પરંતુ દરવાજો ન ખોલાતાં પાટુ મારતાં ખુલી ગયો હતો અને અંદર રીનાબેન લટકતાં મળતાં તેના પતિ, સસરાને જાણ કરતાં તેઓ દૂકાને હોઇ આવી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી. પરંતુ તેના તબિબ ડો. રવિભાઇ રાવલે રીનાબેનને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં માલવીયાનગરના પીએસઆઇ સી. પી. રાઠોડ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રીનાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક વર્ષની પુત્રી છે. પતિ સાગરભાઇ અને સસરા નરેન્‍દ્રભાઇ દરજી કામની દુકાનમાં બેસી કામ કરે છે. સાંજે તેઓ દુકાને હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ બપોરે રીનાબેન અને તેના સસરા વચ્‍ચે ઘરનું શૌચાલય સાફ કરવા બાબતે ચડભડ થઇ હતી. બાદમાં આ પગલુ ભરી લેવાયું હતું. અંતિમવિધી બાદ પોલીસ માવતર પક્ષના નિવેદન નોંધશે. બનાવથી એક વર્ષની દિકરી મા વિહોણી થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:20 PM IST)