તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 16th December 2025
શક્તિ પાર્કના ભાઇઓ શની અને રવિ પર થોરાળા રામનગરમાં છરી તથા ચમચાથી હુમલોઃ ઇંટોના ઘા
મોરબી રોડ શક્તિ સોસાયટીના ફુલ ડેકોરેશનના કારીગર યુવાનના મોટા ભાઇના સસરાને ત્યાં લગ્ન પ્રસંગ આવતો હોઇ બધા બેસવા ગયા હતાં: પાડોશી દંપતિને રવિના સાળાએ ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખો રવિને બટકુ ભરી લેવાયું: તેના માતા ગીતાબેનને ઇંટ ફટકારાઇઃ રવિના સસરાના પાડોશી તેમજ અવેશ ઉર્ફ અવલો, અનીશ, શબ્બીર ઉર્ફ બોદુ અને વિપુલ ઉર્ફ રાજા વિરૂધ્ધ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ સેટેલાઇટ ચોક શક્તિ પાર્ક-૧માં રહેતાં શની ઉર્ફ લાલો અશોકભાઇ મકવાણા (ઉ.વ.૨૮) નામના યુવાન પર નવા થોરાળામાં માટેલ ડેરી સામે તેના ભાઇ રવિભાઇના સસરાના પાડોશમાં રહેતાં શખ્સોએ હુમલો કરી છરી, સ્ટીલના ચમચાનાથી માર મારી તેમજ ઇંટોના ઘા કરી ઇજા પહોંચાડતાં અને વચ્ચે પડનારાઓને પણ માર મારતાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે. આ હુમલામાં માથામાં ઇજા થતાં તેને ૧૭ ટાંકા લેવા પડયા હતાં. ભાઇના સસરાના પાડોશમાં ગાળો બોલી રહેલા લોકોને સમજાવવા મામલે આ માથાકુટ થઇ હતી. પોલીસે શની ઉર્ફ લાલોની ફરિયાદ પરથી થોરાળામાં રહેતાં અવેશ ઉર્ફ અવલો ઓડીયા, અનીશ ઓડીયા, શબ્બીર ઉર્ફ બોદુ ઓડીયા, વિપુલ ઉર્ફ રાજા પરમાર અને શનીના ભાઇના સસરામાં રહેતાં પાડોશી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શની પરિવાર સાથે રહે છે અને ફુલ ડેકોરેશનની છુટક મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે રવિવારે રાતે મારા મોટાભાઇ રવિભાઇ મકવાણાના સસરા મહેશભાઇ ઓધલા જે નવા થોરાળા રામનગર-૫માં માટેલ ડેરી સામે રહે છે તેને ત્યાં લગ્ન પ્રસંગ આવતો હોઇ જેથી હું, મારા પત્નિ નિકીતા, મોટા ભાઇ રવિભાઇ, ભાભી ગોપીબેન, માતા ગીતાબેન, બાળકો સહિતના મહેશભાઇના ઘરે બેસવા ગયા હતાં.
ઘરના સભ્યો અહિ રોકાઇ ગયા બાદ હું અને મારો ભાઇ રવિભાઇ બહાર ગયા હતાં. રાતે અગીયારેક વાગ્યે પરત ઘરે આવ્યા ત્યારે અમારા ઘરના સભ્યો બહાર ઉભા હતાં અને મારા ભાઇ રવિભાઇનો સાળો અજયભાઇ મહેશભાઇ અઘોલા, તથા ભાઇના સસરા મહેશભાઇ અઘોલા સાથે બે શખ્સો ગાળાગાળી કરતાં હતાં. અમે તેને કારણ પુછતાં કહેલુ કે ઘર પાસે શેરીમાં અજાણ્યા શખ્સ તેના પત્નિ સાથે રકઝક કરતાં હોઇ અને ગાળો બોલતાં હોઇ ભાઇના સાળા અજયભાઇ તેઓને અપશબ્દો નહિ બોલવા સમજાવવા જતાં બોલચાલી થઇ હતી અને ઝપાઝપી કરી હતી.
બાદમાં આ વ્યક્તિએ તેના મિત્ર શબ્બીર ઉર્ફ બોદુ ઓડીયાને બોલાવી ઝઘડો કર્યો હતો. અમે બંને ભાઇઓ ત્યાં હાજર હતાં તે વખતે થોડીવારમાં જ શબ્બીર, અવેશ ઉર્ફ અવલો, અનીશ, વિપુલ ઉર્ફ રાજા પરમાર સહિતના ફરીથી આવ્યા હતાં અને છરી, સ્ટીલાના ચમચાથી હુમલો કર્યો હતો. જેમાં મારા ભાઇ રવિભાઇ, તેના સાળા અજયભાઇ, સસરા મહેશભાઇ સાથે મારામારી કરી મુંઢ માર માર્યો હતો. અજાણ્યા શખ્સે મારાભાઇ રવિભાઇને જમણા બાવડે બટકુ ભરી લીધુ હતું. હું છોડાવવા જતાં અનીશે સ્ટીલના ચમચાથી મને માર મારતાં મેં હાથ આડો રાખતાં છરકો થઇ ગયયો હતો.બાદમાં અવેશ ઉર્ફ અવલાએ છરીથી હુમલો કરી મને માથામાં ઘા મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં. મારા માતા ગીતાબેન વચ્ચે પડતાં તેને પણ બોદુએ હાથમાં ઇંટ ફકટારી દીધી હતી. આ પછી આ બધા ગાળો બોલી જતાં રહ્યા હતાં. બાદમાં મારા ભાઇના સસરાની બાજુમાં રહેતાં પાડોશી જેનું નામ નથી આવડતું તે આવ્યા હતાં અને તમારાથી કંઇ થાય નહિ, જે થાય તે કરી લેજો કહી તે પણ જતો રહ્યો હતો. આ પછી મને લોહી નીકળતું હોઇ મારા ભાઇની કારમાં મને હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
જ્યાં પંદરથી સત્તર ટાંકા માથામાં આવ્યા હતાં. બાદમાં રજા આપાતાં અમે બીજા દિવસે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં શની ઉર્ફ લાલાએ કહ્યું હતું. દરમિયાન ગત રાતે ફરીથી દુઃખાવો થતાં શની મકવાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. થોરાળાના હેડકોનસ. એન. કે. જાગાણીએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(2:21 PM IST)










