News of Tuesday, 16th December 2025
રાજકોટ શહેર-જીલ્લાની મતદાર યાદીનું ચિત્ર ફર્યુઃ હવે ૩ લાખ ૩પ હજાર નામો રદ થશેઃ કલેકટરની રાજકીય પક્ષો સાથે બેઠક
૧૯મીએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિઃ મેપીંગ કરાવનાર સવા બે લાખ મતદારોને નોટીસ અપાશે : ૧૭ ફેબ્રુઆરીએ રાજકોટની ફાઇનલ મતદાર યાદી જાહેર

રાજકોટ, તા. ૧૬: રાજકોટ શહેર-જીલ્લાની મતદાર યાદીનું ચિત્ર ફર્યુ છે, પહેલા ૩ લાખ ૪૪ હજાર નામો રદ થવાને પાત્ર હતા, પરંતુ હવે ૩ લાખ ૩પ હજાર અને ૭૦૮ નામો રદ થવાને પાત્ર હોવાનું આજના સતાવાર ફ્રેશ આંકડા ઉપરથી જાણી શકાર્યુ છે. દરમિયાન રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશે આજે ભાજપ-કોંગ્રેસ-એનસીપી-આપ સહિતના રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. આ સમયે જીલ્લાના ઓબઝવર ડો. રાહૂલ ગૂપ્તા વીસીથી ખાસ હાજર રહયા હતા, રાજકીય પક્ષોને કેટલા ડેથ, કેટલા ગેરહાજર, કેટલા કાયમી સીફટેડ વિગેરેની વિગતો અપાઇ હતી.
મળેલ આંકડાકીય વિગતો મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ર૩૯૧ હજારથી વધુ મતદારોની એસઆઇઆર કામગીરી થઇ હતી, જેમાં ૮ લાખ ર૩ હજાર મતદારોએ પોતે જાતે મેપીંગ કરાવી લીધુ છે, જયારે ૧૦ લાખથી વધુ મતદારોનું મેપીંગ તંત્ર દ્વારા પુર્ણ કરાયું અને ર લાખ રપ હજાર મતદારો એવા છે કે જેમને મેપીંગ કરાવ્યું નથી. આ તમામને તંત્ર દ્વારા ૧૯ મી ડીસેમ્બરથી નોટીસો ફટકારાશે અને ૧૦ ફેબ્રુઆરી સુધી જવાબો લેવાશે.
આ ઉપરાંત કુલ ર૦ લાખ પપ હજારથી વધુ મતદારોનું ડીજીટાઇઝડ થયું છે. ૮૯૫૫૩ મતદારોના મોત થયાનું બહાર આવ્યું છે, તથા ૫૮૯૪૯ મતદારોનો કોઇ પતો નથી, અને ૧ લાખ ૬૯ હજાર મતદારો શીફટેડ થયાનું તૈયાર થયેલ પ્રાથમિક મુસદામાં ઉપસી રહયું છે.
અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, આગામી ૧૯ મીએ મતદારયાદીનો પ્રાથમિક મુસદો પ્રસિધ્ધ થશે ત્યાર બાદ વાંધાઓ-દાવાઓ અંગે ૧ મહિનો કાર્યવાહી ચાલશે, અને ફાઇનલ મતદારયાદી ૧૭ ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ થશે તેમ અધીકારીઓ ઉમેરી રહયા છે
(4:05 PM IST)










