<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ફ્રોડના નાણા માટે બેંક એકાઉન્‍ટ ભાડે આપવા અંગે રાજકોટ અને મોરબીના ત્રણ સામે ગુનો

સાયબર ક્રાઇમ પોલીસે દૂધની ડેરી પાસે રહેતાં સાહિલ, તેના મિત્ર મક્‍સુદ, મોરબીના રવિ ગઢવી વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

રાજકોટ તા. ૧૭: સાયબર ફ્રોડની લાખોની રકમો જમા કરાવવા થોડા અમથાં કમિશનથી પોતાના બેંક એકાઉન્‍ટ ભાડે આપનારા શખ્‍સો સામે ઓપરેશન મ્‍યુલ હન્‍ટ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુના નોંધવાની કાર્યવાહી થઇ રહી છે. તે અંતર્ગત રાજકોટના વધુ ત્રણ શખ્‍સો સામે ગુનો દાખલ થયો છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. હરેશભાઇ રવજીભાઇ સાવલીયાની ફરિયાદ પરથી દૂધની ડેરી પાસે ભગવતી સોસાયટીમાં રેહતાં સાહિલ કયુમખાન પઠાન, મક્‍સુદ યુસુફભાઇ રાઠોડ અને મોરબીના રવિ ગઢવી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે. સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગરને માહિતી મળી હતી કે રાજકોટમાં પંજાબ એન્‍ડ સિંધ બેંકના એકાઉન્‍ટના ધારક સાહિલ પઠાનના સેવીંગ એકાઉન્‍ટમાં ૧,૮૬,૦૦૦ના શંકાસ્‍પદ વ્‍યવહારો થયા છે. આથી તેની પુછતાછ કરતાં તેણે કહેલુ કે મિત્ર મક્‍સુદ રાઠોડ જે ગાડી લે-વેંચનું કામ કરે છે તેણે કહેલુ કે મારે ગાડીના પૈસા આવવાના છે તે તારા બેંક એકાઉન્‍ટમાં નખાવી દે, જેના બદલામાં તને કમીશન આપીશ. જેથી મેં હા પાડી હતી. બાદ રૂા. ૧,૮૬,૦૦૦ મારા ખાતામાં આવતાં મેં ચેકથી ઉપાડી મક્‍સુદને આપી દીધા હતાં. આ પછી મક્‍સુદની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે તેને મોરબી રહેતાં મિત્ર રવિ ગઢવીએ આ વ્‍યવહાર કરવા જણાવ્‍યું હતું.

રવિના કહેવાથી મક્‍સુદે પોતાના મિત્ર સાહિલના બેંક એકાઉન્‍ટનો ફ્રોડની રકમ ૯૨૦૦૦ સહિતની રકમ માટે સાહિલના બેંક એકાઉન્‍ટનો ઉપયોગ કર્યો હતો. ચોરીના ફ્રોડના નાણા હોવા છતાં ત્રણેયએ રોકડનો વ્‍યવહાર કર્યો હોઇ ગુનો દાખલ કરાયો હતો. રાજકોટમાં આ પ્રકારનો ૨૫મો ગુનો દાખલ થયો છે.  

(2:27 PM IST)