<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

માતા સાથે રસ્‍તો ઓળંગી રહેલી બાળાને ટુવ્‍હીલર ચાલક ઉલાળીને ભાગી ગયોઃ પગમાં ફ્રેકચર

ગોંડલ રોડ મક્કમ ચોક તરફ રગોલી કોમ્‍પલેક્ષ પાસે બનાવ : જો કે તેની નંબર પ્‍લેટ નીકળીને બાળાની માતા જયશ્રીબેનની સાડીમાં ફસાઇ ગઇઃ તેના આધારે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર મક્કમ ચોક તરફના રસ્‍તે ટુવ્‍હીલરનો ચાલક માતા સાથે રસ્‍તો ઓળંગી રહેલી બાળાને ઠોકરે લઇ ભાગી જતાં બાળાનો પગ ભાંગી જતાં તેમાં ઓપરેશન કરી સળીયો બેસાડવો પડયો છે. અકસ્‍માત સર્જાયો ત્‍યારે ટુવ્‍હીલરની નંબર પ્‍લેટ નીકળીને બાળાની માતાની સાડીમાં ફસાઇને નીકળી ગઇ હતી. આ નંબર પ્‍લેટને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરા ગુરૂકુળ સામે રહેતાં જયશ્રીબેન ભોજાભાઇ વઢીયારા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે૦૩એમજે-૭૯૧૬ના ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તેને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.

જયશ્રીબેન પરિવાર સાથે રહે છે અને સંચાનમાં ચાર દિકરી તથા બે દિકરા છે. પોતે શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થાય છે. તા.૨/૧૨ના રોજતે તથા તેની દિકરી નંદની (ઉ.વ.૧૬) ગોંડલ રોડ પૂલ ઉતરતાં મક્કમ ચોક તરફ જતાં રસ્‍તા પર રંગોલી કોમ્‍પલેક્ષ પાસેના રસ્‍તા પર ડિવાઇડર  પાસે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે એક્‍સેસના ચાલકે તેની દિકરી નંદનીને ઠોકરે ચડાવી દીધી હતી. અકસ્‍માત સર્જી તે ભાગી ગયો હતો. પણ તેની નંબર પ્‍લેટ નીકળીને જયશ્રીબેનની સાડીમાં ફસાઇ ગઇ હતી. નંદનીને ડાબા પગે ગોઠણની ઘુંટી સુધીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં લઇ જવાઇ હતી. અહિ ડોક્‍ટરે તેને પગમાં ફ્રેકચર થઇ ગયાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્‍યું હતું. બાદ નંદનીનું ડોક્‍ટરે ઓપરેશન કરી પગમાં સળીયો બેસાડયો હતો. એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વાય. એમ. ગોહિલે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

(2:28 PM IST)