News of Wednesday, 17th December 2025
શાપર-વેરાવળના પ૦૦ લોકો ઢોલ-નગારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીએ દોડી આવ્યાઃ વધારાનો ઓવરબ્રિજ રદ્દ કરવા માંગણીઃ આવેદન
આ પૂલ બનશે તો પાંચ હજાર કારખાનેદારો-૧પ હજાર રહેવાસીઓને ગંભીર અસર પડશે : આ પહેલા પણ નેશનલ હાઇવે ઓથોરીટીને રજૂઆતો કરાઇ છે, જો ૭ દિવસમાં યોગ્ય નહિ થાય તો કલેકટર કચેરી સામે ભૂખ હડતાલ : શાપર-વેરાવળ ઉપર જવાનો એપ્રોચ માત્ર પ૦૦ મીટર દૂર છેઃ જો પુલ બંધશે તો : ર કિ.મી. દૂર જતો રહેશે : પોલીસને માટે પણ આ પ૦૦ મીટર એપ્રોચ ફાયદાકારક છે

શાપર-વેરાવળના લેડીઝ-જેન્ટસ સહિત પ૦૦ થી વધુ લોકો કલેકટર કચેરીએ દોડી આવેલ. ઢોલ-નગારા સાથે ઉગ્ર દેખાવો કરી એડી. કલેકટર શ્રી નારણ મુછારને આવેદન આપ્યું તે નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા., ૧૭: શાપર-વેરાવળના વેરાવળ ગામ એકતા સમીતીમાં પ૦૦ થી વધુ લોકોએ કલેકટર કચેરીએ દોડી આવી ઢોલ-નગારા-ઉગ્ર સુત્રોચ્ચાર સાથે દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવી નેશનલ હાઈવે નં ૨૭ ઉપર વધારાની ઓવરબિજ રદ્દ કરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, શાપર-વેરાવળ ગામ નજીક આવેલ નેશનલ હાઈવે નં.૨૭ ઉપર કેપ્ટન ગેઈટ, વેરાવળથી શિતળા માતાજીના મંદિર, પારડી તરફનો ઓવરબ્રિજ બનવા અંગે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલઝોનમાં આશરે પાંચેક હજાર નાના-મોટા કારખાનાઓ તથા આશરે પંદર હજાર જેટલા રેસિડેન્સ મકાનો આવેલા છે. શાપર-વેરાવળ મેઈન જંકશન ઉપર જવાનો એપ્રોચ હાઈવેથી આશરે ૫૦૦ મીટર જેટલો દુર આવેલો છે જે આ પુલ બને તો આ એપ્રોચ આશરે ૨ કિ.મી. જેટલો દુર જતો રહે તેમ છે જેનાથી તમામ ઈન્ડસ્ટ્રીઝ અને રહીશોનો ખુબ જ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે તેમજ અહિયાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ફાયર સ્ટેશન બન્ને આવેલા હોય, આગ-અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર પહોંચી શકાય નહીં અને સમયસર સારવારના અભાવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી શકયતા રહેલ છે.
તદુપરાંત હાલમાં શાપર-વેરાવળ જંકશન પર પોલીસ સ્ટેશન આવેલ છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના કામે પોલીસને ગમે તે દિશામાં જવા માટે યોગ્ય એપ્રોચ છે પરંતુ જો બ્રિજ બને તો પોલીસને હાઈવે પકડવા માટે જ ટ્રાફિકના લીધે આશરે ચાર ગણો વધારે સમય લાગી શકે તેમ હોય જેથી ગુનાખોરીમાં વધારો થવાની શકયતા રહેલ છે.
તદુપરાંત સર્વિસ રોડ ઉપર સ્કુલ, હાઈસ્કુલ અને પોસ્ટ ઓફિસ જેવી જાહેર સુવિધાઓ આવેલ છે તથા વિદ્યાર્થીઓને અવરજવર માટે હાલમાં સર્વિસ રોડ અને હાઈવેનો એપ્રોચ સવલત ભરેલ છે પરંતુ જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો તમામ જગ્યાએ જવા માટે આશરે ૨ કિ.મી. જેટલું ફરવું પડે અને ભયંકર ટ્રાફિકની યાતના ભોગવવી પડે જેનાથી વિદ્યાર્થીઓ, કામદારો, અશક્ત વળધ્ધો વિગેરે તમામ લોકોની રોજીંદી જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થાય તેમ છે.
આ અંગે ઓવરબ્રિજ હાલમાં મુલત્વી રાખવા અંગે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તા.૨૭/૧૦/૨૦૨૫ ના રોજ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, નેશનલ હાઈવે ઓથોરીટી, રાજકોટ તથા નેશનલ હાઈવે ઓથોરીટી, રિજનલ ઓફિસ, ગાંધીનગર તથા પણ સાંસદશ્રી પરસોત્તમભાઈરૂપાલા, ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરિયા, તેમજ કલેકટર રાજકોટને મૌખિક તેમજ તા.૧૨/૧૨/૨૦૨૫ થી લેખિત જાણ કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા -આ અંગે કશું જ ઘટતું કરેલ નથી કે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી શ્રી ચૌધરીને રૂબરૂ મળવા છતાં જવાબ આપી કહેલ કે તમેલોકો દિલ્હી સુધી દોડો પરંતુ અમે આ બ્રિજનું કામ બંધ નહીં કરીએ અને આ બ્રિજની ડિઝાઈન પણ તમોને બતાવવામાં નહીં આવે આવો જવાબ આપી ગામ તથા તાલુકા આગેવાનોને હાંકી મુકેલ અને છેલ્લે અમોની રજુઆત નહીં સાંભળી હતી.
આ અંગે બ્રિજનું કામ મુલત્વી રાખી દિન-૦૭ (સાત) માં લોકહિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગ્રામજનો દ્વારા કલેકટર કચેરીખાતે અનશન રાખી ધરણાં કરવામાં આવશે તેમ આવેદનમાં ઉમેરાયું હતું. (૪.૧૩)
(2:38 PM IST)










