તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
૩૩ વર્ષિય ડોક્ટર ટ્વીંકલબેન કોરાટનું તાવ આવ્યા બાદ હૃદય બંધ પડતાં મૃત્યુ
વાવડી પાસેના એપાર્ટમેન્ટમાં ઘરે હતા ત્યારે તબીયત બગડતાં પોતે જ્યાં ફરજ બજાવતાં તે હોસ્પિટલે જાતે ટુવ્હીલર લઇને પહોંચ્યા પણ દમ તોડી દીધો : પરિવારમાં ગમગીની : રાજનગર પાસે જયશક્તિ સોસાયટીમાં રેલ્વે કર્મચારી રંજનબેન સારેસા અને પુનીતનગરમાં રસિકભાઇ ભીમાણીના પણ હૃદય રોગના હુમલાથી મૃત્યુ

રાજકોટ તા. ૧૭: તાવ આવ્યા બાદ સારવાર વખતે હૃદય બંધ પડી જતાં મહિલા તબિબનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય બે બનાવમાં હૃદય બંધ પડી જવાને કારણે મહિલા રેલ્વે કર્મચારી અને એક પ્રોૈઢના મૃત્યુ થતાં તેમના પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ દોઢસો રીંગ રોડ વાવડી મટુકી રેસ્ટોરન્ટ સામે સત્ય હીલ્સ ખાતે રહેતા ટ્વીંકલબેન ગોબરભાઇ કોરાટ (ઉ.વ.૩૩) નામના મહિલા તબિબ ગઇકાલે ઘરે હતાં ત્યારે તબીયત બગડતાં જાતે જ ટુવ્હીલર હંકારી પોતે બેકબોન હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરતાં હોઇ ત્યાં સારવાર માટે ગયા હતાં. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ડો. ટ્વીકંલબેનના માતા-પિતા સહિતના પરિવારજનો જુનાગઢ રહે છે. પોતે રાજકોટ ભાઇ સાથે રહેતાં હતાં. એકાદ બે દિવસથી તેમને તાવ આવતો હતો. ગઇકાલે અચાનક તબીયત બગડતાં સારવાર માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યારે હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું. તેણી ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતાં. બનાવથી કોરાટ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ નિલેષભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
હાર્ટએટેકના બીજા બનાવમાં નાના મવા રોડ રાજનગર ચોક પાસે જયશક્તિ સોસાયટીમાં રહેતાં રંજનબેન મનસુખભાઇ સારેસા (ઉ.વ.૫૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. રંજનબેનના પતિ હયાત નથી. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે રેલ્વેમાં આરએસી વિભાગમાં નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ત્રીજા બનાવમાં ગોડલ રોડ પુનીતનગર-૫માં રહેતાં રસિકભાઇ નરસીભાઇ ભીમાણી (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ચાર બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. છુટાછેડા થઇ ગયા હોઇ તેઓ એકલા રહેતાં હતાં. ઉપરના મકાનમાં તેમના ભાઇ રહે છે. તે સાંજે ઘરે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હોઇ જોવા જતાં રસિકભાઇ બેભાન મળતાં હોસ્પિટલે ખસેડયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. આ બંને બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર અને તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૭)
(2:39 PM IST)










