<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મનહરપુરના કોરીયોગ્રાફર સોયેબએ દોઢ વર્ષથી સાથે રહેતી ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ યુવતિના ભાઇ અને માતા પર કર્યો હુમલો

ગંજીવાડાના હર્ષદ વાડોદરાને પોતાની બહેનને અઠવાડીયુ ઘરે લઇ જવી હોઇ તેણીને સોયેબે લઇ જવાની ના પાડી સોયેબે પોતાની બહેન મુસ્‍કાન સાથે મળી હુમલો કરી માર માર્યાની, જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ : યુવતિ પોતાના ફ્રેન્‍ડ સોયેબના હુમલાથી માતા-ભાઇને બચાવવા વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી : સોયેબએ પણ સાથે રહેતી યુવતિના ભાઇ હર્ષદ અને અનુ વિરૂધ્‍ધ સાણસીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ દાખલ કરાવી : હર્ષદનું માથું સોયેબે દિવાલમાં ભટકાવતાં લોહીલુહાણ થઇ ગયો

રાજકોટ તા. ૧૮: શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં અને કોરીયોગ્રાફર તરીકે કામ કરતાં સોયેબ નામના શખ્‍સનો બે વર્ષ પહેલા ગંજીવાડાની યુવતિ સાથે ઇન્‍સ્‍ટાગ્રામથી પરીચય થયા બાદ આ યુવતિને દોઢેક વર્ષથી પોતાની સાથે રાખી હોઇ ગત સાંજે યુવતિને મળવા તેના માતા, ભાઇ સહિત ત્રણ લોકો  મનહરપુર સોયેબના ઘરે જતાં અને  દિકરીને અઠવાડીયુ પોતાની સાથે લઇ જવાની વાત કરતાં સોયેબ અને તેની બહેન મુશ્‍કાને ઝઘડો કરી મારામારી કરતાં અને યુવતિના ભાઇનું માથું દિવાલમાં અથડાવતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. બાદમાં યુવતિ અને તેના માતાને પણ મારકુટ કરી હતી. વળતા હુમલામાં સોયેબને પણ સાણસીથી મારકુટ કરવામાં આવતાં પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં. ૨૪ બજરંગ ચોકમાં રહેતાં હર્ષદ શૈલેષભાઇ વાડોદરા (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી જામનગર રોડ બજરંગવાડી શેરી નં. ૧૫ જીલ્લાની પ્રોવીઝન સ્‍ટોશ પાસે રહેતાં સોયેબ અબ્‍દુલભાઇ અને તેની બહેન મુસ્‍કાન વિરૂધ્‍ધ મારામારી, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. હર્ષદે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કપડાના શો રૂમમાં નોકરી કરુ છું. બુધવારે સાંજે છએક વાગ્‍યે હું અને મારા મમ્‍મી ભાવનાબેન શૈલેષભાઇ વાડોદરા માધાપર ચોકડીથી આગળ આવેલી રાધે હોટલની સામે ખીજડાવાળા મામાસાહેબના મંદિર પાસે મારા મોટા બહેન જે એક વર્ષથી સોયેબ અબ્‍દુલભાઇની સાથે રહેતી હોઇ તેને મળવા ગયા હતાં.

મારા મમ્‍મીને મારી બહેનને મળવું હોઇ જેથી હું પણ તેની સાથે ગયો હતો. અમે બધા ત્‍યાં એકઠા થયા ત્‍યારે મારા મમ્‍મી મારી બહેનને સમજાવતાં હતાં. આ વખતે સોયેબની બહેન મુસ્‍કાન મારી બહેન સાથે આવી હતી. તેણે ફોન કરી તેના ભાઇ સોયેબને બોલાવી લીધો હતો. મારા મમ્‍મી મારી બહેનને ચાર-પાંચ દિવસ માટે ઘરે રોકાવા આવવાનું કહેતાં હોઇ સોયેબે અમને ના પાડી દીધી હતી અને અમારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા માંડયો હતો.

બાદમાં અમારી સાથે ઝપાઝપી કરી અમારા સમાજ વિશે જેમતેમ બોલી અપમાનીત કર્યા હતાં. સોયેબ બોલવા લાગેલો કે તમારા સમજાના ગમે તે આવશે તો પણ તમે લોકો અમારું કંઇ બગાડી શકશો નહિ. તેમ કહી મને ધક્કો મારતાં મારું માથું દિવાલમાં ભટકાતાં લોહી નીકળવા માંડયા હતાં. તેમજ મારા મમ્‍મી વચ્‍ચે પડતાં તેને અને મારી બહેન વચ્‍ચે પડતાં તેને પણ સોયેબ અને તેની બહેન મુશ્‍કાને ઢીકાપાટુ માર્યા હતાં. આ પછી હું દોટ મુકી આગળ મારુ એક્‍ટીવા રાખ્‍યું હોઇ તે લઇને ભાગી ગયો હતો અને ૧૦૮ બોલાવી સારવાર માટે દાખલ થયો હતો. સોયેબ અને મુશ્‍કાને મને, મારા મમ્‍મી અને બહેનને પણ મારકુટ કરી હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં હર્ષદે કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. પી. ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હર્ષદે વધુમાં જણાવ્‍યું હતું કે મારી બહેન અગાઉ કામ કરવા જતી ત્‍યારે વામ્‍બે આવાસના બગીચા પાસે બેસી રહેતાં સોયેબે તેણીની પાછળ પાછળ જઇ ફસાવી હતી અને એક વર્ષથી લગ્ન વગર જ તે મારી બહેનને પોતાના ઘરે રાખતો હતો. માથાકુટ બાદ અમારી બહેનને અમે લઇને આવી ગયા પછી પણ તે તેને શોધવા નીકળ્‍યો હતો. 

બીજી તરફ આ બનાવમા પોલીસે વળતો ગુનો પણ નોંધાયો છે. જામનગર રોડ મનહરપુર-૧ ખીજડાવાળી શેરીમાં સોમીબેન વાલ્‍મીકીના મકાનમાં ભાડેથી રહેતાં અને કોરીયોગ્રાફર તરીકે કામ કરતાં સોયેબ અબ્‍દુલભાઇ કાસમભાઇ ભાવર (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ં હર્ષદ શૈલેષભાઇ વાડોદરા અને અનુભાઇ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

સોયેબ ભાવરે જણાવ્‍યું છે કે હું મારા માતા-પિતા, મોટા બા અને બહેન મુસ્‍કાન સાથે રહુ છું અને કોરીયોગ્રાફર તરીકે છુટક કામ કરુ છું. બે વર્ષ પહેલા પાયલ શૈલેષભાઇ સાથે ઇન્‍સ્‍ટાગ્રામ દ્વારા મારો સંપર્ક થયો હતો અને ોઢ વર્ષથી તે મારી સાથે રહે છે. બુધવારે ૧૭મીએ સાંજે પાંચેક વાગ્‍યે હું ગ્રીનલેન્‍ડ ચોકડીએ હતો ત્‍યારે મારી બહેન મુસ્‍કાનનો મને ફોન આવ્‍યોહ તો કે પાયલના મમ્‍મી, તેનો નાનો ભાઇ હર્ષદ, અનુભાઇ આપણી ઘરે આવ્‍યા છે. આથી હું મારા ઘરે જતાં  આ બધા હાજર હતાં.

પાયલના માતા અને ભાઇએ મને કહેલું કે-અમે પાયલને અઠવાડીયા માટે અમારી ઘરે લઇ જઇએ છીએ. જેથી મેં તેને કહેલું કે આવવું હોય તો લઇ જાવ. આમ કહી પાયલને વારંવાર પુછેલુ હતું, હર્ષદે કહેલું કે-તું સોયેબથી ડરે છે એટલે નથી આવતી ને? આમ કહતાં મેં કહેલું કે હું તેને ના નથી પાડતો. આ સાંભળી હર્ષદ, અનુભાઇએ ઉશ્‍કેરાઇ જઇ મને ધક્‍કો મારતાં હું દિવાલમાં ભટકાઇ જતાં પડી ગયો હતો. આ પછી હર્ષદે મારા ઘરમાંથી સાણસી ઉપાડી મને માથામાં મારી દીધી હતી. અનુભાઇએ ઢીકાપાટુ માર્યા હતાં. હું દેકારો કરવા માંડતા આ લોકો નીકળી ગયા હતા. હું સિવિલ હોસ્‍પિટલે સારવાર લઇ ફરિયાદ કરવા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. તેમ સોયેબએ વધુમાં કહેતાં તેની પણ ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસે હાલ સોયબેને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. 

(2:12 PM IST)