તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 18th December 2025
પંચાયતોને બજેટ પોતાની રીતે બનાવવાની છુટઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્ણ બજેટ રજુ થશે
ચૂંટણી થવાનો સમય નિશ્ચિત નહિ અને સરકારનું કોઇ માર્ગદર્શન નહિ : વિવિધ શાખાઓ પાસેથી માહિતી મંગાવાઇઃ જાન્યુઆરીમાં સામાન્ય સભા

રાજકોટ, તા. ૧૮: રાજ્ય સરકારે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખીને આગામી નાણાકીય વર્ષના બજેટ બાબતે કોઈ ગાઈડલાઈન પ્રસિદ્ધ કરી નથી. અમુક પંચાયતના પદાધિકારીઓએ આ અંગે સરકારમાં પૂછપરછ કરતાં સરકાર તરફથી પંચાયતને કામચલાવ અથવા પૂર્ણ બજેટ આપવાની છૂટ આપવામાં આવ્યાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લા પંચાયતે પૂર્ણ બજેટની તૈયારી શરૃ કરી છે.
ચૂંટણી નિયત સમય મુજબ ફેબ્રુઆરીમાં આવશે કે પાછી ઠેલાશે તે હજુ નક્કી જણાતું નથી. આગામી બજેટ ત્રણ ચાર મહિનાનું આપવું કે આખા વર્ષનું તે બાબતે પંચાયતોના શાસકો સરકારમાં અને અરસપરસ પૂછપરછ કરી રહ્યા છે. મોટાભાગની પંચાયતો પૂર્ણ બજેટ આપવા માંગે છે. નવા શાસકોને તેમાં જરૃર લાગે તો ફેરફાર કરવાની સ્વતંત્રતા રહે છે. સરકાર તરફથી ટૂંક સમયમાં કોઈ માર્ગદર્શક સૂચના ન આવે તો દરેક તાલુકા જિલ્લા પંચાયત પોતાની રીતે બજેટ રજૂ કરશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં રિવાઇઝ બજેટ અને નવા નાણાકીય વર્ષના બજેટ બાબતે વિવિધ શાખાઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી રહી છે. હાલ તો પૂર્ણ બજેટની તૈયારી છે. ૩૧ માર્ચ સુધીમાં બજેટ સામાન્ય સભામાં મંજૂર થઈને વિકાસ કમિશનર સુધી પહોંચી જવું જરૃરી છે. વર્તમાન જિલ્લા પંચાયતની મુદત ૧૬ માર્ચે પૂરી થાય છે તે વખતે આચાર સહિતા અમલમાં આવી ગઈ હશે કે નહીં તે હજુ નક્કી નથી. રાજકોટ પંચાયતે પૂર્ણ બજેટ આપવાનું મન બનાવ્યું છે. હિસાબી શાખામાં બજેટનો ધમધમાંટ શરૃ થઈ ગયો છે. જાન્યુઆરી મહિનામાં સામાન્ય સભા બોલાવવા પાત્ર થાય છે. તે જ વખતે બજેટ પણ રજુ કરી દેવામાં દેવાની શાસકોની ગણતરી છે. હવે પછીની સામાન્ય સભા જિલ્લા પંચાયતની હાલની ચૂંટાયેલી પાંખની અંતિમ સામાન્ય સભા બની રહે તેવા સંજોગો છે.
(3:33 PM IST)










