News of Friday, 19th December 2025
રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન થશે
આજથી ૨૧ ડિસેમ્બર સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમો યોજાશે

અમદાવાદ તા.૧૯: રાજ્ય સરકાર દ્વારા જે ચાર ઝોનમાં પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (કોન્ફરન્સ) યોજવાનું નક્કી કરાયું છે. તેના ભાગરૂપે ઉત્તર ગુજરાતની પ્રથમ પ્રાદેશિક વાઈબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ ગયા બાદ હવે ૧૦થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે બીજી વાઇબ્રન્ટ સમિટ યોજાશે. તેની વિશેષતા એ છે કે, આ સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે એટલે ગુજરાત સરકાર આ પ્રાદેશિક સમિટને દર બે વર્ષે યોજાતી રાજ્ય કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેટલી જાજરમાન બનાવવા માગે છે અને તેની તમામ તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, તેની વિગતવાર સમીક્ષા કરીને તમામ સંબંધિતો પાસેથી જાણકારી મેળવી હતી.
હવે, ૧૦ જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને વધુમાં બળ આપવાના આશયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા હવે, ગુજરાત સરકારે જિલ્લા સ્તરીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે અંતર્ગત હવે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદરમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ, કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત ૧૯મી, ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વિવિધ કાર્યક્રમો આરંભ થશે અને બીજા દિવસે ૨૦મીએ પણ સેમિનાર યોજાશે.
આ કાર્યક્રમોમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું ‘‘સશક્ત નારી મેળા'' અને પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયા સહિત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્સ્ટેન્શન) આર.એન.ડોડીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ-ખંભાળિયા ખાતે ૧૯મી, ડિસેમ્બર ૨૦૨૫ના બપોરે ૩ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયા અને ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ, ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં ૧૯મી, ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારી સચિવ તથા પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, જીઓલોજી એન્ડ માઇનીંગના કમિશનર ડો. ધવલ પટેલ, બોટાદમાં પણ ૧૯મીના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજા, GIDCના વાઇસ ચેરમેન-મેનેજિગ ડિરેક્ટર પ્રવિણા ડી.કે., સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી-કમિશનર આર્દ્રા અગ્રવાલ ઉપસ્થિત રહેશે.
(4:18 PM IST)










