હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છાપા-પસ્તીના બોક્સ અંદર છુપાવેલો ૧૮.૭૨ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે બે પકડાયા : જુઓ વિડીયો
મૈસુર ભગત ચોકમાં ક્રાઇમ બ્રાંચે બૂટલેગરોના નવીનત્તમ કારસાનો પર્દાફાશ કર્યો : નડીયાદના ધર્મેન્દ્ર અને મોહનને ચોટીલા નજીક વિશાલ રજપૂતે આઇશર આપ્યું હતું: રાજકોટના બુટલેગર કેતન રાઠોડે માલ મંગાવ્યો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહી : અમિતભાઇ અગ્રાવત, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૧૯: આગામી ૩૧મી ડીસેમ્બર નજીક છે ત્યારે દારૂની રેલમછેલ રોકવા શહેર ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી, ડિવીઝનોનો સ્ટાફ સતર્ક થયો છે.
આ દરમિયાન બૂટલેગરોના નવીનત્તમ કારસાનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આઇશર ટ્રકમાં છાપાની પસ્તીના બોક્સની અંદર છુપાવેલો ૧૮.૩૨ લાખનો દારૂ માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં પકડી લેવાયો છે. ટ્રક સાથે નડીયાદના બે શખ્સને દબોચી લેવાયા છે. આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા રાજકોટના બૂટલેગરના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. દારૂ, વાહન મળી કુલ રૂપિયા૨૮,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જાણવા મળ્યા મુજબ દારૂની હેરફેર અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં હતી ત્યારે એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા અને કોન્સ. વિશાલભાઇ દવેને બાતમી મળતાં બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે મેૈસુર ભગત ચોકમાં વોચ રાખી જીજે૦૩બીવાય-૯૫૫૨ નંબરનો આઇશર ટ્રક આંતરી લેવાયો હતો. જેમાં ઠાઠામાં તપાસ કરતાં છાપા પસ્તીના બોક્સ જોવા મળ્યા હતાં. પણ બાતમી દારૂની હોઇ પોલીસે આ બોક્સ ખોલી ખોલીને જોતાં પસ્તીઓ વચ્ચે છુપાવાયેલા વિદેશી દારૂના ૧૮૦ એમએલના ‘ચપલા'ઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં રૂા. ૫,૯૯,૦૪૦ના રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૧૯૨૦ ચપલા અને રોયલ ચેલેન્જની અન્ય બ્રાન્ડના ૧૮૦ એમએલના ૧૨,૭૨,૯૬૦ના ૪૦૮૦ ‘ચપલા' મળી કુલ ૧૮ લાખ ૭૨ હજારનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી રૂા. ૨૮,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં બેઠેલા બે શખ્સની ધરપકડ કરી હતી. આ બંનેએ પોતાના નામ ધર્મેન્દ્ર ગોપાલભાઇ ઠાકોર (ઉ.વ.૨૭-રહે. ઠાકોરવાસ નવા ધરા અમદાવાદી દરવાજા બહાર, નડીયાદ) અને મોહન હરજાજી ભીલ (ઉ.વ.૫૦-રહે. ભીલવાસ, નવા ધરા અમદાવાદી દરવાજા બહાર, નડીયાદ જી. ખેડા) જણાવ્યા હતાં. બંનેની ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં કબુલ્યું હતું કે ચોટીલા નજીકથી વિશાલસિંગ સુનિલસિંગ રજપૂતે આ ટ્રક પોતાને આપ્યો હતો. આ ટ્રક રાજકોટના કેતન રાઠોડને પહોંચાડવાનો હતો. પોલીસ હવે આ બંનેને શોધી રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત ડીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, અનુજભાઇ ડાંગર, જયરાજભાઇ કોટીલા, કોન્સ. વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.










